SURAT

કિરણ હોસ્પિટલ ફરી વિવાદમાં, ગળામાંથી સોય કાઢ્યા બાદ 9 મહિનાની માસૂમ બાળકીનું મોત, પરિવારનો મેડિકલ બેદરકારીનો ગંભીર આક્ષેપ

સુરતની જાણીતી કિરણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 9 મહિનાની બાળકીના મોત બાદ ભારે વિવાદ સર્જાયો છે. કતારગામ વિસ્તારમાં રહેતા એક પરિવારની એકમાત્ર દીકરીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારજનોએ હોસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફ પર ગંભીર મેડિકલ બેદરકારીનો આક્ષેપ કર્યો છે. ઘટનાના પગલે હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચ્યો હતો અને કતારગામ પોલીસને પણ ઘટનાસ્થળે દોડી આવવું પડ્યું.╘મળતી માહિતી મુજબ, કતારગામની ખોડિયારકૃપા સોસાયટીમાં રહેતા મિતેશભાઈ ચૌધરીની 9 મહિનાની પુત્રી ક્રિષ્ણાની તબિયત 10 જુલાઈના રોજ અચાનક બગડી હતી. પરિવારજનોએ તાત્કાલિક બાળકીને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં દાખલ કરી હતી. ડૉક્ટરોની સલાહ મુજબ 11 જુલાઈથી બાળકીની હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી.

પરિવારના જણાવ્યા મુજબ, બાળકીનું અગાઉ વાલ્વનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ઓપરેશન બાદ તેની તબિયત સુધારા પર હતી. સારવાર દરમિયાન ડૉક્ટરોની દેખરેખ હેઠળ બાળકીને જરૂરી સારવાર આપવામાં આવી રહી હતી. પરંતુ શુક્રવારે બનેલી એક ઘટનાએ સમગ્ર પરિવારને આઘાતમાં મૂકી દીધો.પરિવારનો આક્ષેપ છે કે સારવાર દરમિયાન બાળકીના ગળાના ભાગમાં લગાવવામાં આવેલી સોય (નીડલ) હોસ્પિટલના સ્ટાફ દ્વારા કાઢવામાં આવી હતી. સોય કાઢ્યા બાદ થોડા જ સમયમાં બાળકીની તબિયત અચાનક ગંભીર રીતે બગડી ગઈ. હોસ્પિટલના સ્ટાફે તેને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા અને થોડા જ સમયમાં બાળકીનું મોત થયું.

બાળકીના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આરોપ લગાવ્યા છે. બાળકીની માતા કીર્તિકા મિતેશભાઈ ચૌધરીએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો કે તેમની દીકરીની સ્થિતિ ઓપરેશન બાદ સ્થિર હતી. પરંતુ મુખ્ય ડૉક્ટરની હાજરી વગર નર્સિંગ સ્ટાફની એક સિસ્ટરે ગળામાંથી સોય કાઢી હતી. તેમના કહેવા મુજબ, સોય કાઢ્યા બાદ તરત જ બાળકીની તબિયત બગડી ગઈ અને અંતે તેનું મોત થયું. માતાએ દાવો કર્યો કે જો યોગ્ય સાવચેતી રાખવામાં આવી હોત તો તેમની દીકરીનો જીવ બચી શક્યો હોત.

એકની એક દીકરીના મોતથી સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હોસ્પિટલમાં પરિવારજનોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને બાળકીની સારવાર કરનાર મુખ્ય ડૉક્ટરને તાત્કાલિક હાજર કરવાની માંગ કરી હતી. પરિવારનું કહેવું છે કે ઘટનાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જો કોઈની બેદરકારી સામે આવે તો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. હોસ્પિટલમાં વાતાવરણ તંગ બનતા હોસ્પિટલ તંત્રએ પોલીસને જાણ કરી હતી. કતારગામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને પરિવારજનોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો. પોલીસે સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને હોસ્પિટલ તરફથી જરૂરી દસ્તાવેજો તથા મેડિકલ રેકોર્ડ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, બાળકીનું ઓપરેશન કરનાર મુખ્ય ડૉક્ટર હાલ સુરત શહેરની બહાર છે. તેઓ પરત ફર્યા બાદ તેમની પૂછપરછ કરવામાં આવશે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ, સારવારના રેકોર્ડ અને નિષ્ણાતોના અભિપ્રાયના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઘટનાએ ફરી એકવાર હોસ્પિટલોમાં સારવાર દરમિયાન દર્દીઓની સુરક્ષા અને મેડિકલ પ્રોટોકોલના પાલન અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. બીજી તરફ, હોસ્પિટલ તરફથી હજુ સુધી આક્ષેપોને લઈને કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તેથી હાલ પરિવારના આરોપો અને હોસ્પિટલનો પક્ષ સામે આવવાનો બાકી છે. હાલ સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જો કોઈ પ્રકારની તબીબી બેદરકારી સામે આવશે તો કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top