Vadodara

નીલાંબર સર્કલ પાસે કારમાં નશામાં ધૂત યુવક ઝડપાયો, કારમાંથી બિયરના ટીન મળ્યા

સ્થાનિકોએ યુવકને પકડી ગોત્રી પોલીસને સોંપ્યો; પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ

(પ્રતિનિધિ) વડોદરા, તા. 18

વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા નીલાંબર સર્કલ પાસે મોડી રાત્રે નશાની હાલતમાં એક યુવક કાર હંકારતા ચકચાર મચી હતી. યુવકનું શંકાસ્પદ વર્તન જોતા સ્થાનિકોએ તેને અટકાવી તેની કારની તપાસ કરતાં અંદરથી બિયરના ટીન મળી આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિકોએ યુવકને પકડી ગોત્રી પોલીસને સોંપ્યો હતો.

મળતી માહિતી મુજબ, યુવક નીલાંબર સર્કલ વિસ્તારમાં નશાની હાલતમાં બેફામ રીતે ફરી રહ્યો હતો. તેના વર્તનથી શંકા જતાં સ્થાનિકો એકત્ર થયા હતા અને તેને રોકી પૂછપરછ કરી હતી. દરમિયાન તેની કારની તપાસ કરતાં કારમાંથી બિયરના ટીન મળી આવતા યુવક દારૂના નશામાં હોવાની આશંકા વધુ મજબૂત બની હતી.

ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવકને પોલીસ સ્ટેશન લઈ જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે યુવકની પ્રાથમિક પૂછપરછ તેમજ તબીબી તપાસ શરૂ કરી છે. તપાસના આધારે પ્રોહિબિશન એક્ટ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તાજેતરમાં શહેરમાં નશાની હાલતમાં વાહન ચલાવવાના અને જાહેરમાં હંગામો મચાવવાના બનાવોમાં વધારો જોવા મળતા સ્થાનિકોએ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસ પણ આવા કેસોમાં સખત વલણ અપનાવશે તેવું જાણવા મળ્યું છે.

Most Popular

To Top