SURAT

જય જગન્નાથના જયઘોષ વચ્ચે આજે સુરતમાં આ માર્ગો પરથી પસાર થશે ભગવાન જગન્નાથનો રથ

અષાઢી બીજના પવિત્ર અવસરે આજે સુરતમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા બપોરે 3 વાગ્યે સુરત રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરશે. શહેરભરના હજારો ભક્તો ભગવાન જગન્નાથના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે રથયાત્રામાં જોડાશે. આ વર્ષની રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી શરૂ થઈ રિંગ રોડ, અથવાલાઇન્સ ગેટ, અડાજણ અને રાંદેર રોડ થઈને જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર ખાતે પૂર્ણ થશે. સમગ્ર માર્ગ દરમિયાન ભક્તો માટે ભગવાનના દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

રથયાત્રાને ધ્યાનમાં રાખીને માર્ગ પર સુરક્ષા અને ટ્રાફિકની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દ્વારા રૂટ પર જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થઈ શકે. આયોજકો દ્વારા સુરતવાસીઓને પરિવાર સાથે રથયાત્રામાં જોડાઈ ભગવાન જગન્નાથના દિવ્ય દર્શન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે જ રથયાત્રાના રૂટની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે તેને શેર કરવાની પણ અપીલ કરવામાં આવી છે.

ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરમાં ભક્તિ, શ્રદ્ધા અને એકતાનું પ્રતિક માનવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો આ પવિત્ર યાત્રામાં જોડાઈ ભગવાનના આશીર્વાદ મેળવે છે. આ વર્ષે પણ શહેરમાં ભક્તિમય માહોલ વચ્ચે રથયાત્રા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રથયાત્રાનો રૂટ:

  • પ્રારંભ: સુરત રેલવે સ્ટેશન (બપોરે 3:00 વાગ્યે)
  • રિંગ રોડ
  • અથવા ગેટ
  • અડાજણ
  • રાંદેર રોડ
  • સમાપન: ઇસ્કોન મંદિર, જહાંગીરપુરા

Most Popular

To Top