અષાઢી બીજના પવિત્ર અવસરે આજે અમદાવાદ ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાનો સાક્ષી બન્યું છે. જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરથી વહેલી સવારે ભક્તોના જયઘોષ વચ્ચે ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી ભવ્ય રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા છે. પુરી બાદ અમદાવાદની રથયાત્રા દેશની સૌથી મોટી અને ઐતિહાસિક રથયાત્રાઓમાંની એક માનવામાં આવે છે. આ વર્ષે પણ રથયાત્રા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે માર્ગ પર ઉમટી પડ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાનના દર્શન માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
16 કિલોમીટરની રથયાત્રા
રથયાત્રાનો પ્રારંભ સવારે લગભગ 7 વાગ્યે જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરથી થયો છે. ભગવાનના રથો આશરે 16 કિલોમીટરનો પ્રવાસ કરીને રાત્રે લગભગ 8:30 વાગ્યે ફરીથી નિજ મંદિરે પરત ફરશે. સમગ્ર માર્ગ દરમિયાન લાખો ભક્તો ભગવાનના દર્શન કરશે અને વિવિધ સ્થળોએ પ્રસાદ તથા સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રથયાત્રાનો મુખ્ય માર્ગ
જમાલપુરથી શરૂ થયેલી રથયાત્રા વૈશ્ય સભા, ગોલીમડા, આસ્ટોડિયા ચકલા, મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જૂની ગેટ, ખાડિયા ચાર રસ્તા, પંચકૂવા, કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ થઈ ભગવાનના મોસાળ સરસપુર પહોંચશે. સરસપુર ખાતે ભગવાનનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે. અહીં ભક્તો માટે મહાભોજન અને પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ બપોરે ભગવાનના રથો પરત ફરશે અને કાલુપુર ચોખા બજાર, પ્રેમ દરવાજા, દરિયાપુર, શાહપુર, દિલ્હી ચકલા, ઘી કાંટા, પાનકોર નાકા, માણેકચોક અને ખમાસા થઈને ફરી જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરે પહોંચશે.
રથયાત્રાનું સંભવિત સમયપત્રક
- સવારે 7:00 વાગ્યે – જમાલપુર મંદિરથી રથયાત્રાનો પ્રારંભ
- સવારે 9:00 વાગ્યે – મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર
- સવારે 9:45 વાગ્યે – રાયપુર ચકલા
- સવારે 10:30 વાગ્યે – ખાડિયા ચાર રસ્તા
- સવારે 11:15 વાગ્યે – કાલુપુર સર્કલ
- બપોરે 12:00 વાગ્યે – સરસપુર આગમન
- બપોરે 1:30 વાગ્યે – સરસપુરથી પરત પ્રસ્થાન
- બપોરે 2:00 વાગ્યે – કાલુપુર સર્કલ
- બપોરે 2:30 વાગ્યે – પ્રેમ દરવાજા
- બપોરે 3:15 વાગ્યે – દિલ્હી ચકલા
- બપોરે 3:45 વાગ્યે – શાહપુર વિસ્તાર
- સાંજે 4:30 વાગ્યે – આર.સી. હાઈસ્કૂલ વિસ્તાર
- સાંજે 5:00 વાગ્યે – ઘી કાંટા
- સાંજે 5:45 વાગ્યે – પાનકોર નાકા
- સાંજે 6:30 વાગ્યે – માણેકચોક
- રાત્રે 8:30 વાગ્યે – જમાલપુર સ્થિત નિજ મંદિરે આગમન
રથયાત્રાને ધ્યાનમાં રાખીને સમગ્ર માર્ગ પર સુરક્ષાના કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. પોલીસ, SRP, RAF સહિતની સુરક્ષા એજન્સીઓ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ટ્રાફિક વ્યવસ્થામાં પણ જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે જેથી ભગવાનના રથો સરળતાથી પસાર થઈ શકે અને લાખો ભક્તોની સુરક્ષા જળવાઈ રહે. જે ભક્તો રથયાત્રામાં રૂબરૂ હાજરી આપી શકતા નથી, તેઓ વિવિધ ન્યૂઝ ચેનલો અને ડિજિટલ પ્લેટફોર્મ પર થતું જીવંત પ્રસારણ જોઈને ઘરે બેઠા ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લઈ શકે છે.