Business

માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલા એન્થ્રોપિકના ‘ક્લોડ ફેબલ’ મોડેલ પર ભડક્યા, નિયંત્રણોને ગણાવ્યા અયોગ્ય

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે ચાલી રહેલી ગળાકાપ સ્પર્ધા વચ્ચે એક નવો વિવાદ સામે આવ્યો છે. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલાએ એન્થ્રોપિક કંપનીના નવા એઆઈ મોડેલ ‘ક્લોડ ફેબલ'(Claude Fable) પર આકરા પ્રહારો કર્યા છે. નાડેલાના મતે, આ મોડેલ જરૂરિયાત કરતાં વધુ કડક નિયંત્રણો ધરાવે છે અને ઘણીવાર સામાન્ય વિનંતીઓનો પણ અસ્વીકાર કરી દે છે, જે તેની ઉત્પાદકતા અને સર્જનાત્મકતા પર સવાલો ઊભા કરે છે.

આટલું બધું એડિટોરિયલ કંટ્રોલ?” – નાડેલાની નારાજગી

માઈક્રોસોફ્ટના આંતરિક સોફ્ટવેર એન્જિનિયરો સાથેની એક બેઠક દરમિયાન સત્ય નાડેલાએ ક્લોડ ફેબલની કામગીરી પર ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો:

  • ગ્રાહકો માટે અવરોધ: નાડેલાએ જણાવ્યું કે, “જ્યારે તમે ફેબલનો ઉપયોગ કરો છો અને તે નાની બાબતોમાં પણ ના પાડી દે છે, ત્યારે એવું લાગે છે કે આપણે કોઈ એવું સર્જનાત્મક સાધન વાપરી રહ્યા છીએ જેના પર અતિશય એડિટોરિયલ કંટ્રોલ લાદવામાં આવ્યો હોય.”
  • ગેરવાજબી નિયમો: તેમણે સ્પષ્ટ શબ્દોમાં ઉમેર્યું કે કોઈ સર્જનાત્મક સાધન માટે આવા મર્યાદિત નિયંત્રણો રાખવા એ તાર્કિક રીતે બિલકુલ યોગ્ય નથી.

એન્થ્રોપિકની કડક સુરક્ષા વ્યવસ્થા અને યુઝર્સનો ગુસ્સો

એન્થ્રોપિકના આ નવા મોડેલમાં અગાઉના મોડેલોની સરખામણીએ ઘણી કડક સેફ્ટી ગાઈડલાઈન્સ સેટ કરવામાં આવી છે:

  • ઓટોમેટિક ડાઉનગ્રેડ સિસ્ટમ: જો કોઈ યૂઝર સાયબર સિક્યોરિટી, બાયોલોજી, કેમિસ્ટ્રી અથવા એઆઈ મોડેલ ડિસ્ટિલેશન (નકલ કરવાની પ્રક્રિયા) સંબંધિત પ્રશ્નો પૂછે, તો આ મોડેલ આપમેળે જૂના વર્ઝન પર શિફ્ટ થઈ જાય છે.
  • યુઝર્સની પરેશાની: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લોકોએ ફરિયાદ કરી છે કે કેન્સર સંશોધન જેવા સામાન્ય અને સંવેદનશીલ વિષયો પર માહિતી માગવા છતાં પણ આ મોડેલ તેને નકારી કાઢે છે. જોકે, એન્થ્રોપિકે સ્વીકાર્યું છે કે આ સિસ્ટમમાં સુધારો કરવાની જરૂર છે જેથી સામાન્ય પ્રશ્નો બ્લોક ન થાય.

માઈક્રોસોફ્ટની નવી વ્યુહરચના

સત્ય નાડેલાની આ ટીકા પાછળ માઈક્રોસોફ્ટની બિઝનેસ વ્યુહરચના પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે:

  • એક પક્ષ પર નિર્ભરતા ઘટાડવી: માઈક્રોસોફ્ટ હવે એઆઈ માર્કેટમાં માત્ર એક કે બે મોટી કંપનીઓની ઈજારાશાહી ખતમ કરવા માંગે છે. તેઓ પોતાના પ્લેટફોર્મ અઝ્યુર એઆઈ ફાઉન્ડ્રી (Azure AI Foundry) દ્વારા ગ્રાહકોને હજારો મોડેલ્સનો વિકલ્પ આપી રહ્યા છે.
  • ડેટા પ્રાઈવસી: અગાઉ એવા અહેવાલો પણ આવ્યા હતા કે માઈક્રોસોફ્ટે પોતાના કર્મચારીઓ માટે ક્લોડ ફેબલના ઉપયોગ પર મર્યાદા મૂકી હતી, કારણ કે તેના ડેટા સ્ટોરેજ નિયમો સુરક્ષિત નહોતા.

Most Popular

To Top