World

કેનેડાએ PGP માટે નવી અરજીઓ બંધ કરી, માતા-પિતાને PR સ્પોન્સરશિપ પર રોક, હજારો ભારતીય પરિવારોની આશા પર પાણી

કેનેડા સરકારે ઇમિગ્રેશન નીતિમાં મોટો ફેરફાર કરીને પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ (PGP) હેઠળ નવી સ્પોન્સરશિપ અરજીઓ હાલ પૂરતી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કેનેડામાં વસતા હજારો ભારતીય પરિવારો સહિત અનેક ઇમિગ્રન્ટ પરિવારોને મોટો ફટકો પડ્યો છે. હવે આગામી સૂચના સુધી માતા-પિતા અથવા દાદા-દાદીને કાયમી નિવાસ (PR) અપાવવા માટે નવી અરજી કરી શકાશે નહીં. કેનેડાના ઇમિગ્રેશન, રિફ્યુજીસ એન્ડ સિટિઝનશિપ વિભાગ (IRCC)એ જાહેર કર્યું છે કે હાલ માટે નવા “Interest to Sponsor” ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. એટલું જ નહીં, નવા અરજદારોને PGP હેઠળ PR સ્પોન્સરશિપ માટે અરજી કરવાની તક પણ આપવામાં આવશે નહીં. જોકે, અગાઉથી દાખલ કરાયેલી અરજીઓની પ્રક્રિયા યથાવત ચાલુ રહેશે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે પહેલેથી જ સબમિટ થયેલી PGP અરજીઓ પર કાર્યવાહી કરવામાં આવશે અને વર્ષ 2026 દરમિયાન આશરે 15 હજાર લોકોને આ કાર્યક્રમ હેઠળ કાયમી નિવાસ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલમાં PGP હેઠળ મોટી સંખ્યામાં અરજીઓ પેન્ડિંગ છે. IRCCના જણાવ્યા મુજબ કુલ 50,900થી વધુ અરજીઓની પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં 40,400 અરજીઓ ક્વિબેક બહાર વસવા ઇચ્છતા લોકોની છે, જ્યારે 10,500 અરજીઓ ક્વિબેકમાં સ્થાયી થવા માંગતા અરજદારોની છે. સરકારનું કહેવું છે કે હાલનું મુખ્ય ધ્યાન આ બેકલોગ ઘટાડવા અને પેન્ડિંગ કેસોનો ઝડપથી નિકાલ કરવા પર છે.

પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ કેનેડાનો પરિવાર પુનઃમિલન કાર્યક્રમ છે. આ યોજના હેઠળ કેનેડાના નાગરિકો અને કાયમી રહેવાસીઓ તેમના માતા-પિતા અને દાદા-દાદીને કેનેડામાં કાયમી રીતે વસાવી શકે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ યોજના માટેની માંગ ઉપલબ્ધ જગ્યાઓ કરતાં ઘણી વધારે હોવાથી સરકારને લોટરી સિસ્ટમ લાગુ કરવાની ફરજ પડી હતી. છેલ્લે વર્ષ 2020માં સરકારે નવા “Interest to Sponsor” ફોર્મ મંગાવ્યા હતા. તે સમયે લગભગ 2.03 લાખથી વધુ અરજીઓ મળી હતી. ત્યારથી સરકાર આ જ અરજદારોના પૂલમાંથી રેન્ડમ રીતે પસંદગી કરીને સ્પોન્સરશિપ માટે આમંત્રણ આપી રહી હતી. હવે નવી અરજીઓ સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવી છે.

સરકારે એવા પરિવારોને સુપર વિઝા (Super Visa) વિકલ્પ અપનાવવાની સલાહ આપી છે, જેઓ પોતાના માતા-પિતા અથવા દાદા-દાદીને કેનેડા બોલાવવા માંગે છે. સુપર વિઝા હેઠળ માતા-પિતા અને દાદા-દાદી એક વખતમાં પાંચ વર્ષ સુધી કેનેડામાં રહી શકે છે, જ્યારે આ વિઝાની કુલ માન્યતા 10 વર્ષ સુધી હોઈ શકે છે. જોકે, સુપર વિઝા મેળવવા માટે કેટલીક શરતો પણ છે. અરજદાર પાસે માન્ય હેલ્થ ઇન્શ્યોરન્સ હોવું જરૂરી છે. ઉપરાંત કેનેડામાં રહેતા સંબંધીએ તેમની સંપૂર્ણ આર્થિક જવાબદારી લેવાની રહેશે અને સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ આવકના માપદંડ પણ પૂર્ણ કરવા પડશે.

આ નિર્ણયની સૌથી વધુ અસર કેનેડામાં વસતા ભારતીય પરિવારો પર પડશે. ઘણા ભારતીયો વર્ષોથી PGP દ્વારા પોતાના માતા-પિતાને કાયમી રીતે કેનેડા લાવવાની રાહ જોઈ રહ્યા હતા. હવે નવી અરજીઓ બંધ થતાં તેમને સુપર વિઝા અથવા અન્ય વિકલ્પો પર આધાર રાખવો પડશે. તાજેતરના સમયમાં કેનેડા સરકાર ઇમિગ્રેશનની સંખ્યાને નિયંત્રિત કરવા માટે સતત નવા પગલાં લઈ રહી છે. વધતી વસ્તી, રહેઠાણની અછત અને જાહેર સેવાઓ પર વધી રહેલા દબાણને ધ્યાનમાં રાખીને સરકાર વિવિધ ઇમિગ્રેશન કાર્યક્રમોમાં ફેરફાર કરી રહી છે. PGP હેઠળ નવી સ્પોન્સરશિપ બંધ કરવાનો નિર્ણય પણ આ જ વ્યાપક નીતિનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top