બોલીવુડ અભિનેતા રાજેશ શર્માની તબિયતમાં સુધારો થયો છે. તેઓ હાલમાં મુંબઈમાં તેમના ઘરે આરામ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં કામ પર પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે. પ્રભાસ અભિનીત ફિલ્મ ફૌજી ના સેટ પર એક જંતુએ કરડ્યા બાદ અભિનેતા બીમાર પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમની તબિયત ડાયાબિટીસને કારણે બગડી હતી જંતુના કરડવાને કારણે નહીં.
FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયીઝ) ના પ્રમુખ બી.એન. તિવારીએ બોલીવુડ હંગામા ને જણાવ્યું હતું કે રાજેશ શર્મા હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા છે અને ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. તેમણે કહ્યું, “રાજેશ શર્માજીને તાજેતરમાં જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેઓ હાલમાં મુંબઈમાં તેમના ઘરે આરામ કરી રહ્યા છે. આગામી દિવસોમાં, તેઓ એક પ્રોજેક્ટ માટે શૂટિંગ માટે વિદેશ જવાના પણ છે.”
જુલાઈની શરૂઆતમાં રાજેશ શર્માના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર સામે આવ્યા હતા. બાદમાં અભિનેત્રી સુદિપ્તા ચેટર્જી અને ફિલ્મ નિર્માતા અગ્નિદેવ ચેટર્જીએ ખુલાસો કર્યો કે શર્મા હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં પ્રભાસ અભિનીત ફિલ્મ ફૌજી ના સેટ પર ટેકનિશિયનો સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમને ગીચ વિસ્તારમાં એક જંતુએ કરડ્યો. શરૂઆતમાં તેમણે તેને ગંભીરતાથી લીધું ન હતું, પરંતુ ત્યારબાદ તેમની સ્થિતિ ઝડપથી બગડતી ગઈ.
સુદિપ્તાની પોસ્ટ અનુસાર ડંખ માર્યાના લગભગ છ કલાક પછી શર્માને તેના જમણા પગમાં તીવ્ર દુખાવો થવા લાગ્યો અને તે અસ્વસ્થ થવા લાગ્યા. આમ છતાં તે કોલકાતા જતી ફ્લાઇટમાં ચઢી ગયા. મુસાફરી દરમિયાન તેમને ખૂબ તાવ આવ્યો અને તે ખૂબ જ બેચેન થઈ ગયા. કોલકાતા પહોંચ્યાના બીજા દિવસે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ, જેના કારણે તેમના પરિવારે તેમને તાત્કાલિક ધાકુરિયાની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કર્યા.
અક્ષય કુમાર: “જલ્દી સ્વસ્થ થાઓ, મિત્ર”
રાજેશ શર્માની બીમારીની જાણ થતાં અક્ષય કુમારે ચિંતા વ્યક્ત કરી અને જંતુના ડંખ અંગેના અહેવાલોની પુષ્ટિ કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાજેશ શર્મા સાથેનો ફોટો શેર કરતા તેમણે લખ્યું: “મારા પ્રિય મિત્ર રાજેશના સ્વાસ્થ્ય વિશે સાંભળીને મને ખૂબ જ ચિંતા થઈ. શૂટિંગ દરમિયાન જંતુ કરડ્યા બાદ તેમની હાલત બગડી ગઈ. મહાદેવ તેમને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવા દો. જલ્દી સ્વસ્થ થાઓ મિત્ર; આપણે હજુ પણ સાથે મળીને ઘણું હસવાનું બાકી છે.”
એસોસિએશનની મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પાસેથી હસ્તક્ષેપની માંગ
સમાચાર એજન્સી IANS ના અહેવાલ મુજબ ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશને ફિલ્મ ‘ફૌજી’ના સેટ પર બનેલી ઘટનાની તાત્કાલિક અને પારદર્શક તપાસની માંગ કરી છે. એસોસિએશને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પત્ર લખીને આ બાબતની સંપૂર્ણ તપાસ કરવાની વિનંતી કરી છે. નોંધનીય છે કે રાજેશ શર્માએ થિયેટરમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને 1996માં ફિલ્મ ‘માચીસ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે ‘પરિણીતા’, ‘ખોસલા કા ઘોસલા’, ‘ઈશ્કિયા’, ‘સ્પેશિયલ 26’, ‘બજરંગી ભાઈજાન’, ‘એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘ટોયલેટઃ એક પ્રેમ કથા’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ માં કામ કર્યું.