ભારતીય ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય ક્વિઝ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) પોતાની 18 મી સીઝન સાથે દર્શકોનું મનોરંજન કરવા માટે પૂરી રીતે તૈયાર છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર હોસ્ટ તરીકે શોની કમાન સંભાળતા જોવા મળશે. જોકે, આ વખતે આ શો માત્ર સવાલ-જવાબ પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ દર્શકો અને સ્પર્ધકોને ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરશે. આ વર્ષે શોની ખાસ થીમ ‘સોચના પડેગા’ રાખવામાં આવી છે, જે ઝડપથી બદલાતી દુનિયા અને AI ના યુગમાં સમજદારીપૂર્વક નિર્ણય લેવાના મહત્વ પર ભાર મૂકે છે.
પ્રોમો લોન્ચ અને કેબીસીના ફોર્મેટમાં મોટો ફેરફાર
શોના નિર્માતાઓએ નવી સીઝનના 3 શાનદાર પ્રોમો જાહેર કર્યા છે, જેમાં અમિતાભ બચ્ચન આ વર્ષે થનારા મુખ્ય ફેરફારો વિશે વાત કરી રહ્યા છે.
- આજના ડિજિટલ યુગમાં સામાન્ય માહિતી દરેક વ્યક્તિના ખિસ્સામાં એટલે કે તેના મોબાઈલ ફોનમાં હાજર છે. તેથી હવે માત્ર જવાબો ગોખવા પૂરતા નથી, પરંતુ યોગ્ય સમયે તેનો સાચો ઉપયોગ કરવો વધુ જરૂરી બન્યો છે.
- પહેલા પ્રોમોમાં અમિતાભ બચ્ચન કહે છે કે, આજકાલ જવાબો બધી જગ્યાએ સરળતાથી મળી જાય છે, તમારા ફોનમાં પણ. આથી આ વખતે કેબીસીમાં અમે કંઈક નવું લાવવાનો પ્રયાસ કર્યો છે. માત્ર જવાબ યાદ રાખવાથી કામ નહીં ચાલે, તે જવાબ પાછળ તમારે વિચારવું પડશે.
- બીજા પ્રોમોમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે સ્પર્ધકો માટે માત્ર ઇતિહાસ, ભૂગોળ કે વિજ્ઞાનનું પુસ્તકીય જ્ઞાન પૂરતું નહીં હોય. આ નવું ફોર્મેટ સ્પર્ધકોની તાર્કિક વિચારસરણી અને નિર્ણય લેવાની ક્ષમતાની કસોટી કરશે.
- ત્રીજા પ્રોમોમાં અમિતાભ બચ્ચન AIનો ઉલ્લેખ કરતા કહે છે કે, AIએ દુનિયાને બદલી નાખી છે અને આ બદલાવ અટકવાનો નથી. જે ગઈકાલ સુધી અશક્ય લાગતું હતું, તે આજે પળવારમાં શક્ય બની જાય છે. તેથી જ આ વખતે ઉત્તર આપતા પહેલાં તમારે વિચારવું જ પડશે.
ક્યારે અને ક્યાં જોઈ શકાશે નવો શો?
ટેલિવિઝન પ્રેમીઓ આ નવા રોમાંચક શોનો આનંદ ખૂબ જ ટૂંક સમયમાં માણી શકશે.
- ‘કૌન બનેગા કરોડપતિ 18’ નું ભવ્ય પ્રસારણ આગામી 10 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યું છે.
- આ શોના નવા એપિસોડ દર સોમવારથી શુક્રવાર રાત્રે 9 વાગ્યે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન ચેનલ પર જોઈ શકાશે.
- ટીવી સિવાય ડિજિટલ દર્શકો સોની લિવ એપ્લિકેશન પર પણ આ શોને લાઈવ અથવા ગમે ત્યારે નિહાળી શકશે.