World

અમેરિકાનો ઈરાન પર ભયંકર હુમલો: 6 કલાક સુધી આકાશ અને સમુદ્રમાંથી વરસ્યા બોમ્બ

અમેરિકા અને ઈરાન વચ્ચેનો લશ્કરી સંઘર્ષ ફરી એકવાર અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. અમેરિકી સેના સતત કેટલીક રાતોથી ઈરાનના વ્યૂહાત્મક ઠેકાણાઓ પર ભીષણ બોમ્બમારો કરી રહી છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, યુએસ એરફોર્સના ફાઈટર પ્લેન, ડ્રોન અને નેવીના યુદ્ધજહાજોએ સાથે મળીને દક્ષિણ ઈરાનના દરિયાકાંઠાના વિસ્તારો પર મોટા પાયે હુમલા કર્યા છે. આ આક્રમણથી ઈરાન સંપૂર્ણપણે અકળાયું છે અને તેના પરિણામે તેણે ખાડીના એવા દેશો પર મિસાઈલો દાગી છે, જે અમેરિકાના નજીકના સાથી માનવામાં આવે છે. વોશિંગ્ટનના આકરા વલણ બાદ તેહરાને જવાબી કાર્યવાહીમાં કતાર અને કુવૈતને નિશાન બનાવ્યા છે, જેના લીધે સમગ્ર ખાડી વિસ્તારમાં યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે.

ઈરાનની સૈન્ય ક્ષમતા પર પ્રહાર અને માળખાકીય નુકસાન

અમેરિકાના આ આક્રમણનો મુખ્ય હેતુ ઈરાનની સૈન્ય તાકાતને તોડી પાડવાનો હતો.

  • અમેરિકી સેનાએ કલાકો સુધી ચાલેલા ઓપરેશનમાં ઈરાનના બંદર અબ્બાસ, જાસ્ક, બુશેહર, કોનાર્ક અને ચાબહાર પોર્ટ જેવા અત્યન્ટ મહત્વના સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે.
  • હુમલામાં ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ, કોસ્ટલ રડાર સાઈટ્સ, મિસાઈલ-ડ્રોન સ્ટોરેજ સેન્ટર્સ અને સૈન્ય લોજિસ્ટિક્સ નેટવર્કને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
  • આ ભીષણ બોમ્બમારાના કારણે ઈરાનનું વીજળી અને ટ્રાન્સપોર્ટ નેટવર્ક સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે, જેનાથી સ્થાનિક બજારોમાં ભયનો માહોલ છે અને લોકોના જીવનને માઠી અસર થઈ છે.
  • ઈરાની મીડિયાનો દાવો છે કે અમેરિકાએ રેલ્વે સ્ટેશન, પુલ અને એરપોર્ટ જેવા નાગરિક ઠેકાણાઓને પણ નુકસાન પહોંચાડ્યું છે, જેના લીધે હોર્મુઝની સામુદ્રધુનીની આસપાસના વિસ્તારો અંધારપટમાં ડૂબી ગયા છે.

તણાવ વધવાનું મુખ્ય કારણ અને ઈરાનનો વળતો પ્રહાર

આ નવો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઈરાને હોર્મુઝની સામુદ્રધુની બંધ કરવાની જાહેરાત કરી અને ત્યાંથી પસાર થતા કોમર્શિયલ જહાજો પર ડ્રોન હુમલા તેજ કર્યા હતા.

  • જહાજોની સુરક્ષા માટે અમેરિકાએ ઈરાનની આર્થિક અને સૈન્ય ઘેરાબંધી કરવા ત્યાં કડક નાકાબંધી લાગુ કરી દીધી છે.
  • અમેરિકી હુમલાના જવાબમાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ પણ બહેરીન, કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવીને બેલિસ્ટિક મિસાઈલો અને સુસાઈડ ડ્રોન છોડ્યા છે.
  • ખાડી વિસ્તારમાં બંને તરફથી થઈ રહેલા આ આંધળા બોમ્બમારાના કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે, જેના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાની પ્રબળ આશંકા છે.

તેહરાન સરકારે આ હુમલાને પોતાની સાર્વભૌમત્વ સામે ગંભીર પડકાર ગણાવ્યો છે અને અમેરિકાને સાથ આપનારા દેશોને ખુલ્લી ચેતવણી આપી છે. મધ્યસ્થની ભૂમિકા ભજવતું કતાર પોતે પણ હવે આ વિવાદના કારણે જોખમમાં આવી ગયું છે. નિષ્ણાતો માને છે કે જો બંને પક્ષો નમતું જોખવા તૈયાર નહીં થાય, તો આ વિવાદ વૈશ્વિક સ્તરે મોટી આર્થિક અને રાજકીય અસ્થિરતા લાવી શકે છે.

Most Popular

To Top