National

માત્ર ગાળો બોલવી એટલે અશ્લીલતા નહીં: સુપ્રીમ કોર્ટે IPC કલમ 294ની વ્યાખ્યા સ્પષ્ટ કરી

સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 294 હેઠળ અશ્લીલતા અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. કોર્ટે કહ્યું છે કે માત્ર અપશબ્દો બોલવા, અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો અથવા કોઈને ગાળો આપવી માત્રથી તેને કાયદાકીય રીતે “અશ્લીલતા” કહી શકાય નહીં. અશ્લીલતા અને અભદ્રતા બંને અલગ બાબતો છે અને બંનેને એકસમાન ગણી શકાય નહીં. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે તમિલનાડુના 70 વર્ષીય વ્યક્તિની અરજી પર સુનાવણી દરમિયાન આ મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું. આ કેસ વર્ષ 2017ના જમીન વિવાદ સાથે જોડાયેલો હતો, જેમાં આરોપી પર ફરિયાદી સાથે ગાળો બોલવાનો, ધમકી આપવાનો અને ધારદાર બિલહૂક હથિયારથી હુમલો કરવાનો આરોપ હતો. ફરિયાદ મુજબ ઓગસ્ટ 2017માં જમીનના વિવાદ દરમિયાન બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપીએ ફરિયાદીને અપશબ્દો કહ્યા અને બાદમાં બિલહૂકથી હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીના નાકનું હાડકું તૂટી ગયું હતું.

ટ્રાયલ કોર્ટે આરોપીને ભારતીય દંડ સંહિતા તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) અધિનિયમ હેઠળ દોષિત ઠેરવ્યો હતો. જોકે બાદમાં મદ્રાસ હાઈકોર્ટે SC/ST અધિનિયમ હેઠળના આરોપોમાંથી મુક્ત કર્યા હતા. સાથે જ IPC કલમ 294(B) એટલે કે જાહેર સ્થળે અશ્લીલ શબ્દો બોલવા અને કલમ 506(II) એટલે કે ગુનાહિત ધાકધમકીના આરોપો પણ રદ કર્યા હતા. જોકે, ખતરનાક હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડવાના ગુના હેઠળ IPC કલમ 326 મુજબની સજા યથાવત રાખી હતી. આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચતા કોર્ટે અશ્લીલતાની વ્યાખ્યા વધુ સ્પષ્ટ કરી. કોર્ટે કહ્યું કે માત્ર ગાળો બોલવી અથવા અભદ્ર ભાષાનો ઉપયોગ કરવો પૂરતો નથી. કલમ 294 લાગુ કરવા માટે તે સાબિત કરવું જરૂરી છે કે ઉપયોગમાં લેવાયેલા શબ્દો જાતીય અર્થ ધરાવતા હોય, કામુક ભાવનાઓને ઉશ્કેરતા હોય અથવા લોકોના નૈતિક મૂલ્યોને ભ્રષ્ટ કરવાની ક્ષમતા ધરાવતા હોય.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈની લાગણી દુભાય અથવા ભાષા ખરાબ હોય એટલા માટે તેને અશ્લીલતા ગણાવી શકાય નહીં. અશ્લીલતાનો ગુનો સાબિત કરવા માટે ફરિયાદ પક્ષે બે મહત્વપૂર્ણ બાબતો સાબિત કરવી જરૂરી છે. પ્રથમ, કથિત અશ્લીલ શબ્દો જાહેર સ્થળે અથવા જાહેર સ્થળની નજીક બોલવામાં આવ્યા હોવા જોઈએ. બીજું, તે શબ્દોના કારણે ત્યાં હાજર અન્ય લોકોને વાસ્તવિક રીતે અસુવિધા કે તકલીફ થઈ હોવી જોઈએ. કોર્ટે નોંધ્યું કે આ કેસમાં આ બંને શરતો પૂર્ણ થતી નહોતી. તેથી IPC કલમ 294 હેઠળ આરોપીને દોષિત ઠેરવી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે ધમકી અંગે પણ મહત્વની સ્પષ્ટતા કરી. કોર્ટે જણાવ્યું કે ઝઘડા દરમિયાન ગુસ્સામાં બોલાયેલી દરેક ધમકીને ગુનાહિત ધાકધમકી ગણાવી શકાય નહીં. IPC કલમ 506 હેઠળ ગુનો સાબિત કરવા માટે એ સાબિત કરવું જરૂરી છે કે ધમકીનો હેતુ સામેની વ્યક્તિમાં ડર પેદા કરવાનો હતો અથવા તેને કોઈ કામ કરવા કે ન કરવા માટે દબાણ કરવાનો હતો. આ કેસમાં એવો કોઈ પુરાવો મળ્યો નહોતો કે આરોપીએ ધમકી દ્વારા ફરિયાદીને ડરાવવા અથવા દબાણ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેથી ધાકધમકીનો આરોપ પણ ટકી શક્યો નહીં. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આરોપીએ ફરિયાદી પર બિલહૂક જેવા ખતરનાક હથિયારથી હુમલો કરીને તેના નાકનું હાડકું તોડી નાખ્યું હતું. તબીબી પુરાવા અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો આ ઘટનાને સમર્થન આપતા હોવાથી IPC કલમ 326 હેઠળ ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો સંપૂર્ણપણે સાબિત થયો હતો.

આરોપીની 70 વર્ષની ઉંમર, ખરાબ તબિયત અને જમીન વિવાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે સજામાં રાહત આપી. કોર્ટે જેલની સજા ઘટાડીને કોર્ટ ઊઠે ત્યાં સુધીની કેદ કરી અને સાથે 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં અગાઉના અનેક મહત્વપૂર્ણ ચુકાદાઓનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અદાલતોએ સમયાંતરે સ્પષ્ટ કર્યું છે કે અપમાનજનક અથવા અભદ્ર ભાષા અને અશ્લીલતા વચ્ચે સ્પષ્ટ તફાવત છે. અશ્લીલતા નક્કી કરતી વખતે શબ્દોની જાતીય અસર, તેનો સામાજિક સંદર્ભ અને સમકાલીન સામાજિક ધોરણોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ ચુકાદો ભવિષ્યમાં આવા કેસોની સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ માર્ગદર્શિકા તરીકે કામ કરશે અને અશ્લીલતા તથા અભદ્ર ભાષા વચ્ચેનો કાનૂની તફાવત વધુ સ્પષ્ટ બનાવશે.

Most Popular

To Top