Vadodara

સાવલી-વડોદરા રોડ પર આખલાઓનું ધમસાણ, વાહનચાલકોના જીવ અધ્ધર થયા

મધ્ય માર્ગ પર શિંગડા ભીડતાં ટ્રાફિક જામ, રાહદારીઓમાં ભયનો માહોલ

રખડતા ઢોરના વધતા ત્રાસથી સ્થાનિકોમાં રોષ, તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

(પ્રતિનિધિ) વડોદરા, તા. 19

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે. તંત્રની ઉદાસીનતાના કારણે મુખ્ય માર્ગો પર ગાય, ભેંસ અને આખલાઓના ટોળાં ખુલ્લેઆમ ફરી રહ્યાં છે, જેના કારણે અકસ્માતનો સતત ભય ઉભો થયો છે.

રવિવારે સાવલી-વડોદરા રોડ પર બે આખલાઓ વચ્ચે જોરદાર ધમસાણ થતાં મુખ્ય માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રસ્તાની વચ્ચે જ બંને આખલાઓ શિંગડા ભટકાવીને એકબીજા પર તૂટી પડતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભય ફેલાઈ ગયો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોએ પોતાના વાહનો અચાનક રોકી દેવા પડ્યા હતા. જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. દ્વિચક્રી વાહનચાલકો અને રાહદારીઓએ રસ્તાની બાજુમાં દોડી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે અકસ્માત સર્જાયો ન હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ સાવલી શહેર અને આસપાસના ગામોમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. બજાર વિસ્તાર, શાળા-કોલેજોના માર્ગો તેમજ હાઇવે પર ઢોરના ટોળાં બેફામ ફરતા જોવા મળે છે. અનેક વખત દ્વિચક્રી વાહનચાલકો ઢોર સાથે અથડાતા ઇજાગ્રસ્ત પણ થયા છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજના સમયે રસ્તાની વચ્ચે બેસી રહેતા ઢોરના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત રખડતા ઢોર ખેતીના પાકને પણ નુકસાન પહોંચાડી રહ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

આ બનાવ બાદ સ્થાનિક નાગરિકો અને વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. લોકોની માંગ છે કે તંત્ર રખડતા ઢોરને તાત્કાલિક પકડી ગૌશાળામાં મોકલે તેમજ બેદરકાર ઢોર માલિકો સામે કડક કાર્યવાહી કરે. સાવલી-વડોદરા રોડ પર રોજ હજારો વાહનોની અવરજવર રહેતી હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં જ તંત્ર અસરકારક પગલાં ભરે તેવી લોકોની પ્રબળ માંગ ઉઠી છે.

Most Popular

To Top