સુરત શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુમાં આવેલા શુભમ ભાર્ગવ આવાસમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે સ્થાનિક રહિશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. થોડાક જ વરસાદમાં આખું આવાસ અને આસપાસના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં કંટાળેલા લોકોએ સુરત મહાનગરપાલિકા (SMC) સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. રહિશો પાણી ભરાયેલા રસ્તા પર જ બેસી ગયા અને ચક્કાજામ કરીને તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી વેસુ વિસ્તારમાં વરસાદ પડતાં જ પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા યથાવત છે. આ મુદ્દે અનેક વખત સુરત મહાનગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિરોધ દરમિયાન લોકોએ “SMC જાગો”ના નારા લગાવી તંત્રને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.
સ્થાનિકોનું કહેવું છે કે પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે. ડ્રેનેજ લાઇન અને વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી સફાઈ તથા જાળવણી યોગ્ય રીતે કરવામાં આવી નથી. પરિણામે સામાન્ય વરસાદમાં પણ વેસુનો હાઈપ્રોફાઈલ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે અને રહિશોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને શ્યામ મંદિર નજીક અને શુભમ ભાર્ગવ આવાસ આસપાસના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા અને લોકોને રોજિંદી અવરજવર માટે ભારે હાલાકી વેઠવી પડી હતી. રહિશોએ મનપા સમક્ષ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અસરકારક આયોજન કરવાની માંગ કરી છે.
બીજી તરફ, સુરતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરના અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉધના રોડ અને ખાડી રોડ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. ઉધના બસ ડેપોથી લઈને લક્ષ્મીનારાયણ મંદિર સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. અનેક વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા હોવાથી ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે. સ્થાનિકોમાં હવે એક જ માંગ ઉઠી રહી છે કે દર વર્ષે વરસાદ બાદ સર્જાતી આવી પરિસ્થિતિથી કાયમી મુક્તિ મળે અને વરસાદી પાણીના નિકાલ માટે મનપા તાત્કાલિક તેમજ લાંબા ગાળાનું આયોજન અમલમાં મૂકે.