કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ તેના કરોડો સભ્યો માટે મહત્વનો ફેરફાર કર્યો છે. હવે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એક્ટિવેટ કરવા અથવા નવો UAN જનરેટ કરવા માટે EPFOની સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરી શકાશે નહીં. આ બંને સેવાઓ હવે સંપૂર્ણપણે ‘Umang’ એપ પર ખસેડવામાં આવી છે. સાથે જ, સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે આધાર આધારિત ફેસ ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. EPFOના જણાવ્યા અનુસાર, ડેટાબેઝ કન્સોલિડેશન અને સોફ્ટવેર અપગ્રેડ બાદ ઓનલાઈન સેવાઓને વધુ ઝડપી, સુરક્ષિત અને સરળ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તમામ નવા UAN સંબંધિત કામ Umang એપ દ્વારા જ કરવામાં આવશે. જો કોઈ કર્મચારી પોતાનો UAN એક્ટિવેટ કરવા માંગે છે, તો સૌથી પહેલા તેને પોતાના મોબાઇલમાં Google Play Store અથવા Apple App Store પરથી Umang એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબરની મદદથી એપમાં રજિસ્ટ્રેશન કરવું પડશે અને સુરક્ષા માટે 4 અંકનો PIN સેટ કરવો પડશે.
લોગિન કર્યા પછી એપમાં ‘EPFO’ સર્ચ કરવું પડશે. ત્યારબાદ ‘UAN Services Through Face Auth’ વિભાગમાં જઈ ‘UAN Activation’ વિકલ્પ પસંદ કરવો રહેશે. પછી UAN નંબર, આધાર નંબર અને આધાર સાથે જોડાયેલો મોબાઇલ નંબર દાખલ કરીને ‘Send OTP’ પર ક્લિક કરવું પડશે. મોબાઇલ પર આવેલ OTP દાખલ કર્યા બાદ એપ ‘Aadhaar Face RD’ એપ ઇન્સ્ટોલ કરવાની સૂચના આપશે. આ એપ ઇન્સ્ટોલ કર્યા પછી ચહેરાનું સ્કેન કરવું પડશે. સ્કેનિંગ દરમિયાન સ્ક્રીન પર લીલું વર્તુળ દેખાશે, જે સફળ ફેસ ઓથેન્ટિકેશનનો સંકેત હશે. ત્યારબાદ એપમાં અરજદારનું નામ, જન્મ તારીખ સહિતની વિગતો દેખાશે. તમામ માહિતી ચકાસીને ‘Submit’ બટન દબાવતા UAN સફળતાપૂર્વક એક્ટિવેટ થઈ જશે. ત્યારબાદ મોબાઇલ નંબર પર SMS દ્વારા ટેમ્પરરી પાસવર્ડ મોકલવામાં આવશે, જેના આધારે આગળની પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે જો કોઈને તપાસવું હોય કે તેનું UAN પહેલેથી એક્ટિવેટ છે કે નહીં, તો Umang એપમાં ‘UAN Services Through Face Auth’ હેઠળ ‘UAN Allotment and Activation’ વિકલ્પ પસંદ કરવો પડશે. ત્યાં UAN નંબર, આધાર નંબર અને મોબાઇલ નંબર દાખલ કરીને OTP વેરિફિકેશન પૂર્ણ કરવું પડશે. જો UAN પહેલેથી સક્રિય હશે તો સ્ક્રીન પર ‘The UAN entered is already activated’ એવો સંદેશ જોવા મળશે.
EPFOએ તેના સભ્યો માટે એક અન્ય સારા સમાચાર પણ આપ્યા છે. નાણાં મંત્રાલયે નાણાકીય વર્ષ 2025-26 માટે EPF જમા રકમ પર 8.25 ટકા વ્યાજ દરને મંજૂરી આપી છે. સતત ત્રીજા વર્ષે સભ્યોને 8.25 ટકા વ્યાજ મળશે, જે કરોડો કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. આ સાથે EPFOએ PFમાંથી પૈસા ઉપાડવાના નિયમો અંગે પણ સ્પષ્ટતા કરી છે. નિયમો મુજબ, ખાતાધારકે પોતાના EPF ખાતામાં ઓછામાં ઓછું 25 ટકા બેલેન્સ જાળવી રાખવું ફરજિયાત છે. એટલે કે નોકરી દરમિયાન આંશિક ઉપાડ કરવો હોય તો કુલ જમા રકમમાંથી વધુમાં વધુ 75 ટકા સુધીની જ રકમ ઉપાડી શકાય છે. સંપૂર્ણ રકમનો ક્લેમ માત્ર નોકરી છોડ્યા બાદ અથવા નિયમો મુજબની પરિસ્થિતિમાં જ મંજૂર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીના EPF ખાતામાં કુલ 2 લાખ રૂપિયા જમા હોય, તો તે મહત્તમ 1.50 લાખ રૂપિયા સુધી જ આંશિક ઉપાડ કરી શકશે. બાકીના 50 હજાર રૂપિયા ખાતામાં જ રાખવા ફરજિયાત રહેશે. EPFOનો આ નવો નિર્ણય ડિજિટલ સેવાઓને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવાના પ્રયાસનો ભાગ માનવામાં આવી રહ્યો છે. હવે UAN સંબંધિત તમામ પ્રક્રિયા Umang એપ અને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા થવાને કારણે છેતરપિંડીની શક્યતા પણ ઘટશે અને સભ્યોને વધુ સુરક્ષિત સેવા મળશે.