National

કાવડ યાત્રા પહેલા યોગીનો મોટો આદેશ, મ્યુઝિક સિસ્ટમથી લઈને ડ્રોન સર્વેલન્સ સુધી કડક નિયમો

શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. આ વર્ષે 30 જુલાઈથી શરૂ થનારી કાવડ યાત્રાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગયું છે. લાખો શિવભક્તો યાત્રામાં જોડાવાના હોવાથી તેમની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને અનેક મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. ગાઝિયાબાદમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મેરઠ અને સહારનપુર વિભાગના પોલીસ અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર અને અન્ય સંબંધિત વિભાગો સાથે તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે કાવડ યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. તમામ વિભાગોએ એકબીજા સાથે સંકલન રાખીને યાત્રા શરૂ થાય તે પહેલાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવાની રહેશે.

મુખ્યમંત્રી યોગીએ સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે કાવડ યાત્રાના સમગ્ર રૂટ પર માંસ અને દારૂની દુકાનો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તેમણે અધિકારીઓને ખાતરી કરવા જણાવ્યું કે યાત્રા દરમિયાન આ દુકાનો સંપૂર્ણપણે બંધ રહે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. સરકારનું માનવું છે કે યાત્રાળુઓની ધાર્મિક ભાવનાઓનું સન્માન જળવાઈ રહે અને સમગ્ર માર્ગ પર પવિત્ર વાતાવરણ જળવાય તે માટે આ નિર્ણય જરૂરી છે.

કાવડ યાત્રા દરમિયાન ડીજે અને મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો હોવાથી તેના માટે પણ નવા નિયમો બનાવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે મ્યુઝિક સિસ્ટમનો અવાજ નક્કી કરાયેલા ધોરણ મુજબ જ હોવો જોઈએ. વધુ અવાજને કારણે અન્ય લોકોને તકલીફ ન પડે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી સ્થાનિક વહીવટીતંત્રને સોંપવામાં આવી છે. સાથે જ કાવડની ઊંચાઈ પણ નક્કી કરાયેલા માપદંડ મુજબ રાખવાની રહેશે. આ માટે મ્યુઝિક સિસ્ટમ સંચાલકો, કાવડ બનાવનારા કારીગરો અને વિવિધ કાવડ સંગઠનો સાથે અગાઉથી બેઠક કરીને માર્ગદર્શન આપવા પણ સૂચના આપવામાં આવી છે.

સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સમગ્ર યાત્રા માર્ગ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને ડ્રોન દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને તો તરત કાર્યવાહી કરી શકાય. મુખ્યમંત્રી યોગીએ અધિકારીઓને તમામ સંવેદનશીલ સ્થળોની ઓળખ કરીને ત્યાં વધારાની સુરક્ષા ગોઠવવા જણાવ્યું છે. આજના સમયમાં સોશિયલ મીડિયા પર અફવાઓ ઝડપથી ફેલાતી હોવાથી સરકાર આ મુદ્દે પણ સાવચેત બની છે. મુખ્યમંત્રી યોગીએ અધિકારીઓને સોશિયલ મીડિયા પર સતત નજર રાખવાનો આદેશ આપ્યો છે. જો કોઈ વ્યક્તિ ખોટી માહિતી ફેલાવતો કે ધાર્મિક વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરતો જોવા મળશે તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈપણ અફવા કે ભ્રામક માહિતીના કારણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડવા દેવામાં આવશે નહીં.

કાવડ યાત્રામાં ઉત્તર પ્રદેશ ઉપરાંત દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. તેથી મુખ્યમંત્રી યોગીએ સંબંધિત તમામ રાજ્યોના વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં રહેવાનો નિર્દેશ આપ્યો છે. વિવિધ રાજ્યો વચ્ચે માહિતીની આપ-લે સરળતાથી થાય અને જરૂર પડ્યે તાત્કાલિક મદદ મળી શકે તે માટે સંકલન વધારવામાં આવશે.

યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે માર્ગો ખાડામુક્ત બનાવવા, રસ્તાની બંને બાજુની ઝાડીઓ દૂર કરવા અને જરૂરી મરામતનું કામ સમયસર પૂર્ણ કરવા પણ સૂચના આપવામાં આવી છે. કેમ્પોમાં પૂરતું પીવાનું પાણી, સ્વચ્છ શૌચાલય, સ્ટ્રીટલાઇટ, આરોગ્ય સેવાઓ અને સ્વચ્છતાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે. યાત્રાળુઓને તાજો અને પૌષ્ટિક ભોજન મળી રહે તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવશે.

વીજળી સંબંધિત અકસ્માતો ટાળવા માટે ટ્રાન્સફોર્મર અને ખુલ્લા વીજ તારની પણ ખાસ તપાસ કરવામાં આવશે. જ્યાં જરૂર હશે ત્યાં મરામતનું કામ કરાશે જેથી યાત્રા દરમિયાન કોઈ દુર્ઘટના ન બને. સાથે જ યાત્રામાં જોડાયેલા વાહનોના ડ્રાઈવરો દારૂ પીને વાહન ચલાવે નહીં તેની પણ કડક ચકાસણી કરવામાં આવશે. ટ્રાફિક પોલીસને નિયમિત ચેકિંગ કરીને નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી યોગીએ તમામ અધિકારીઓને સ્થાનિક જનપ્રતિનિધિઓ અને સામાજિક સંગઠનો સાથે સંકલન રાખીને કામ કરવાની પણ સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે કાવડ યાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી પરંતુ લાખો લોકોની આસ્થા સાથે જોડાયેલો વિશાળ કાર્યક્રમ છે. તેથી દરેક વિભાગે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જરૂરી છે.

આ વર્ષે કાવડ યાત્રા 30 જુલાઈથી શરૂ થઈને 28 ઓગસ્ટ સુધી ચાલવાની છે. આ દરમિયાન લાખો શિવભક્તો ગંગાજળ લઈને પોતાના વિસ્તારમાં આવેલા શિવ મંદિરોમાં જળાભિષેક કરશે. સરકારનો પ્રયાસ છે કે સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય. સુરક્ષા, ટ્રાફિક, સ્વચ્છતા, આરોગ્ય અને અન્ય તમામ વ્યવસ્થાઓ પર સતત નજર રાખવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે અને યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે.

Most Popular

To Top