ખેતરે જતા સમયે અજાણ્યા બાઇક ચાલકે મારી જોરદાર ટક્કર
કાલોલ: કાલોલ તાલુકાના સુરેલી ગામમાં હિટ એન્ડ રનની કરુણ ઘટના સામે આવી છે. સુરેલી ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતા 45 વર્ષીય રયજીભાઈ સામતભાઈ પરમાર શુક્રવાર સવારે આશરે 9:30 વાગ્યે પોતાના ‘પીપળાવાળા ખેતર’ તરફ પગપાળા જઈ રહ્યા હતા. તે દરમિયાન સુરેલી–વિજય ભગતની મુવાડી ગામ રોડ પર પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા અજાણ્યા મોટરસાયકલ ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે રયજીભાઈ રોડ પર પટકાતા તેમના માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ બાઇક ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
▶ સારવાર દરમિયાન તોડ્યો દમ, વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
અકસ્માતની જાણ થતાં ગ્રામજનો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત રયજીભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના મોટા ભાઈ નાનુભાઈ સામતભાઈ પરમાર (ઉંમર 58 વર્ષ, ધંધો: મજૂરી)એ વેજલપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી ફરાર બાઇક ચાલકને ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી અને તપાસ શરૂ કરી છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા