સુરતીઓ ખાવા-પીવાના શોખીન તરીકે જાણીતા છે અને હવે તેમની બદલાતી ટેસ્ટની અસર ગણપતિ બાપ્પાના પ્રસાદ પર પણ જોવા મળી રહી છે. ગણેશોત્સવ દરમિયાન બાપ્પાને મોદકનો પ્રસાદ ધરાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે, પરંતુ હવે આ પરંપરાગત પ્રસાદમાં પણ નવીનતા જોવા મળી રહી છે. સુરતના મીઠાઈ બજારમાં સાદા મોદકની સાથે સુરતી કોકો, ફ્રૂટ સલાડ, મિક્સ બેરી, કુલ્ફી, વોલનટ, સ્નીકર્સ, નટેલા અને ઓરિયો સહિત અનેક ફ્લેવરના મોદક વેચાઈ રહ્યા છે. કેટલાક વેપારીઓના જણાવ્યા મુજબ શહેરમાં 30થી વધુ પ્રકારના મોદકની માંગ જોવા મળી રહી છે.
ગણેશોત્સવ દરમિયાન અગાઉ મોટાભાગે સાદા મોદકનો જ પ્રસાદ ધરાવવામાં આવતો હતો. જોકે, સમય સાથે લોકોની પસંદગી બદલાઈ છે અને હવે પ્રસાદમાં પણ નવી વેરાયટીની માંગ વધી છે. ગ્રાહકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને મીઠાઈ વેપારીઓ દર વર્ષે નવા ફ્લેવરના મોદક બજારમાં લાવી રહ્યા છે. તેના કારણે પરંપરાગત મોદકની સાથે ચોકલેટ, ડ્રાયફ્રૂટ, કાજુ, કેસર અને અન્ય ફ્લેવરના મોદક પણ લોકપ્રિય બની રહ્યા છે.
મીઠાઈ વેપારીઓના જણાવ્યા મુજબ ગણેશોત્સવ દરમિયાન તેમની દુકાનોમાં 30થી વધુ પ્રકારના મોદકનું વેચાણ થાય છે. સુરતી કોકો અને ફ્રૂટ સલાડ જેવા ફ્લેવર ઉપરાંત મિક્સ બેરી, કુલ્ફી, વોલનટ, સ્નીકર્સ, નટેલા, ઓરિયો, કાર્નિવલ, બિસ્કોટ, ચોકલેટ બોન્ટી અને આલમન્ડ જેવા ફ્લેવરના મોદક પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગ્રાહકો પોતાની પસંદગી અને બજેટ પ્રમાણે અલગ અલગ પ્રકારના મોદક ખરીદી રહ્યા છે.
ઘોડદોડ રોડના મીઠાઈ વેપારીઓના જણાવ્યા મુજબ અગાઉ તેમની દુકાનોમાં મુખ્યત્વે સાદા મોદકનું જ વેચાણ થતું હતું. પરંતુ ફ્લેવર્ડ મોદકની માંગ શરૂ થયા બાદ વિવિધ પ્રકારના મોદક તૈયાર કરવામાં આવી રહ્યા છે. ગણેશજીની પ્રતિમામાં પણ તેમના હાથમાં મોદક અથવા લાડુ જોવા મળે છે અને ગણેશોત્સવ દરમિયાન બાપ્પાને મોદકનો ભોગ ધરાવવાની પરંપરા હોવાથી આ સમયગાળા દરમિયાન મોદકની માંગમાં વધારો થાય છે.
સમયની અછતને કારણે ઘરે મોદક બનાવવાનું પ્રમાણ પણ ઘટ્યું છે. અગાઉ પરિવારોમાં ઘરે મોદક બનાવવામાં આવતા હતા, પરંતુ હવે વ્યસ્ત જીવનશૈલી અને નવી પેઢીમાં રસોઈની પરંપરાગત વાનગીઓ બનાવવાનું પ્રમાણ ઓછું થતાં લોકો તૈયાર મોદક ખરીદવાનું પસંદ કરે છે. આ કારણે ગણેશોત્સવ દરમિયાન મીઠાઈની દુકાનોમાં મોદકનું વેચાણ વધી જાય છે.
વેડરોડના મીઠાઈ વેપારીઓના જણાવ્યા મુજબ ગણેશોત્સવ દરમિયાન દર વર્ષે મોદકની માંગમાં વધારો જોવા મળે છે. અગાઉ મર્યાદિત પ્રકારના મોદક જ ઉપલબ્ધ હતા, પરંતુ ગ્રાહકોની પસંદગી બદલાતા હવે મોદકમાં પણ અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. સાદા મોદક ઉપરાંત કોપરા, ચોકલેટ અને મોહનથાળના મોદકની પણ ગ્રાહકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. બાપ્પાના પ્રસાદ માટે મોદકની સાથે અલગ અલગ પ્રકારના લાડુ અને અન્ય મીઠાઈઓની માંગ પણ ગણેશોત્સવ દરમિયાન વધે છે.
મોદકમાં હવે માત્ર સ્વાદ જ નહીં પરંતુ આરોગ્યનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ડાયાબિટીસ ધરાવતા ભક્તો બાપ્પાના પ્રસાદથી વંચિત ન રહે તે માટે મીઠાઈ બજારમાં સુગર ફ્રી મોદક પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. ઘરે ગણપતિની સ્થાપના કરનારા કેટલાક પરિવારો સામાન્ય મોદકની સાથે સુગર ફ્રી મોદકની પણ ખરીદી કરી રહ્યા છે. આ પ્રકારના મોદક એવા ભક્તો માટે વિકલ્પ બની રહ્યા છે જેઓ ખાંડવાળી મીઠાઈથી દૂર રહે છે.
સુરતના મીઠાઈ બજારમાં હાલમાં સાદા મોદકથી લઈને અનેક ફ્લેવર્ડ અને ફેન્સી મોદક ઉપલબ્ધ છે. તેમાં સાદા, વેનીલા, ચોકલેટ, રોઝ, ડિલાઈટ, ટોપરા, ડ્રાયફ્રૂટ, પાઈનેપલ, ઓરેન્જ, કાજુ, બોન્ટી અને કેસર જેવા મોદકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અલગ અલગ દુકાનોમાં ગ્રાહકોની માંગ પ્રમાણે નવા ફ્લેવર પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ગણેશોત્સવમાં બાપ્પાના પરંપરાગત પ્રસાદ તરીકે મોદકનું મહત્વ યથાવત છે, પરંતુ સુરતીઓની બદલાતી ખાવાની પસંદગીના કારણે મોદકના સ્વરૂપ અને સ્વાદમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક તરફ પરંપરાગત સાદા મોદકની માંગ છે, તો બીજી તરફ નવી પેઢી અને ફૂડ લવર્સમાં ચોકલેટ, કોકો, ફ્રૂટ સલાડ, કુલ્ફી અને અન્ય ફેન્સી ફ્લેવરના મોદક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સાથે જ સુગર ફ્રી મોદકની વધતી માંગ દર્શાવે છે કે બાપ્પાના પ્રસાદમાં પરંપરા સાથે સ્વાદ અને આરોગ્ય બંનેને સ્થાન મળી રહ્યું છે.