જોર્ડનમાં અમેરિકન સૈનિકો પર થયેલા ઘાતક હુમલા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ વધુ ગંભીર બની ગયો છે. શુક્રવારે રાત્રે જોર્ડનમાં થયેલા હુમલામાં બે અમેરિકન સૈનિકોના મોત થયા હતા, જ્યારે એક સૈનિક હજુ પણ લાપતા હોવાનું અમેરિકન સેનાએ જણાવ્યું છે. આ ઘટનાને અમેરિકાએ ગંભીરતાથી લેતાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર ઈરાન વિરુદ્ધ મોટાપાયે હવાઈ હુમલાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ સત્તાવાર રીતે આ કાર્યવાહી અંગે માહિતી આપી છે. CENTCOMના જણાવ્યા મુજબ, આ હવાઈ હુમલાનો મુખ્ય હેતુ ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની સૈન્ય ક્ષમતાને નબળી પાડવાનો છે. અમેરિકાનો આરોપ છે કે જોર્ડનમાં અમેરિકન સૈનિકો પર બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન વડે થયેલા હુમલા પાછળ IRGCનો સીધો હાથ હતો. અમેરિકા હવે આ હુમલાનો કડક જવાબ આપવા સાથે હોર્મુઝ સ્ટ્રેટમાં આંતરરાષ્ટ્રીય વેપારી જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ કાર્યવાહી કરી રહ્યું છે.

અમેરિકન સેનાના જણાવ્યા અનુસાર, 17 જુલાઈના હુમલામાં બે સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે એક સૈનિક હજુ સુધી ગુમ છે. હુમલામાં ઘાયલ થયેલા ચાર સૈનિકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્ત જવાનો ફરી ફરજ પર પરત ફર્યા છે. શહીદ સૈનિકોના પરિવારજનોને જાણ કર્યા બાદ જ તેમના નામ જાહેર કરવામાં આવશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી શહીદ સૈનિકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે પણ સોશિયલ મીડિયા પર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને જણાવ્યું હતું કે આ બલિદાન અમેરિકાના આતંકવાદ અને હુમલાખોરો સામેના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.
અમેરિકાના નવા હવાઈ હુમલાઓ બાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે જો બંને દેશો વચ્ચે સૈન્ય કાર્યવાહી સતત વધતી રહેશે તો સમગ્ર મધ્યપૂર્વ વિસ્તાર વધુ અસ્થિર બની શકે છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ વૈશ્વિક કાચા તેલના પુરવઠા પર સીધી અસર કરી શકે છે.
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંનું એક છે, જ્યાંથી વિશ્વના મોટા ભાગના ક્રૂડ ઓઈલના જહાજો પસાર થાય છે. જો અહીં તણાવ વધશે અથવા જહાજોની અવરજવર પ્રભાવિત થશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. તેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર, પરિવહન ખર્ચ અને મોંઘવારી પર પણ પડી શકે છે. અમેરિકાની આ કાર્યવાહી બાદ હવે સમગ્ર વિશ્વની નજર ઈરાનના આગામી પગલાં પર છે. જો ઈરાન તરફથી પણ જવાબી કાર્યવાહી કરવામાં આવશે તો બંને દેશો વચ્ચેનો સંઘર્ષ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સમુદાય બંને પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી રહ્યો છે જેથી પશ્ચિમ એશિયામાં વધુ મોટા યુદ્ધની સ્થિતિ ઊભી ન થાય.