World

પાકિસ્તાનમાં ઊર્જા સંકટ ઘેરાયું: બજારો રાત્રે 9 વાગ્યે બંધ, લગ્નમાં માત્ર ‘એક ડિશ’ની મંજૂરી

મોંઘા ઇંધણ અને મધ્યપૂર્વના તણાવ વચ્ચે પાકિસ્તાન સરકારનો કડક મિતવ્યયી નિર્ણય; સરકારી વાહનોના ઈંધણમાં 50% કાપ અને અધિકારીઓની વિદેશયાત્રા પર પણ રોક

પાકિસ્તાનમાં વધતી ઇંધણની કિંમતો અને ઊર્જા સંકટની અસર હવે સામાન્ય લોકોના રોજિંદા જીવનથી લઈને બજારો અને લગ્ન સમારંભો સુધી જોવા મળી રહી છે. પાકિસ્તાન સરકારે ઊર્જા અને ઇંધણની બચત તેમજ સરકારી ખર્ચ ઘટાડવા માટે નવા મિતવ્યયી પગલાં જાહેર કર્યા છે. હાલમાં આ સમયમર્યાદાની મુખ્ય જોગવાઈઓ ઇસ્લામાબાદમાં લાગુ કરવામાં આવી છે અને કેન્દ્ર સરકારે અન્ય પ્રાંતો તથા વિસ્તારોને પણ સમાન પગલાં અંગે વિચારવા જણાવ્યું છે.સરકારના નવા નિયમ મુજબ દુકાનો, બજારો, શોપિંગ મોલ, બજાર કોમ્પ્લેક્સ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર, ગ્રોસરી અને કિરાણા સ્ટોર રાત્રે 9 વાગ્યા સુધીમાં બંધ કરવા પડશે. જ્યારે લગ્ન હોલ, મેરેજ માર્કી અને અન્ય કાર્યક્રમો યોજાતા કોમર્શિયલ સ્થળોને રાત્રે 10 વાગ્યા સુધીમાં બંધ કરવા પડશે.

રેસ્ટોરન્ટ, કેફે, ઈટરીઝ અને અન્ય ફૂડ આઉટલેટ્સ માટે રાત્રે 11 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જોકે ટેકઅવે અને હોમ ડિલિવરી સેવાઓને આ સમયમર્યાદામાંથી છૂટ આપવામાં આવી છે.સૌથી વધુ ચર્ચામાં રહેલો નિર્ણય લગ્ન સમારંભોને લઈને છે. સરકારના આદેશ મુજબ લગ્ન તથા અન્ય સંબંધિત સમારંભોમાં માત્ર એક જ ડિશ પીરસવાની મંજૂરી રહેશે. સરકારનો હેતુ લગ્ન પ્રસંગોમાં થતો બિનજરૂરી ખર્ચ તેમજ ખાદ્ય સામગ્રી અને ઊર્જાના વપરાશમાં ઘટાડો કરવાનો છે. એટલે હવે પાકિસ્તાનમાં લગ્નના ભોજનમાં અગાઉની જેમ અનેક વાનગીઓ પીરસવાને બદલે માત્ર એક મુખ્ય ડિશ રાખવી પડશે.

આ કડક પગલાં પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલી ઇંધણની કિંમતો અને મધ્યપૂર્વમાં ચાલી રહેલો તણાવ હોવાનું સરકાર દ્વારા જણાવાયું છે. હોર્મુઝ સ્ટ્રેટ અને અન્ય મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગો મારફતે તેલ તથા ગેસના પરિવહન અંગેની ચિંતાઓ વધી છે. પાકિસ્તાન પોતાની ઊર્જાની જરૂરિયાત માટે મોટા પ્રમાણમાં આયાત પર આધાર રાખે છે, તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને ઈંધણ મોંઘું થતાં દેશના વિદેશી ચલણ પર પણ દબાણ વધે છે. સરકારે માત્ર સામાન્ય લોકો અને વેપારીઓ માટે જ નહીં, પરંતુ પોતાના ખર્ચમાં પણ ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારી વાહનો માટેના ઈંધણના ક્વોટામાં આગામી ત્રણ મહિના માટે 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા સરકારી વાહનોની ખરીદી પર રોક મૂકવામાં આવી છે અને સરકારી અધિકારીઓ, મંત્રીઓ તથા અન્ય સંબંધિત લોકોની વિદેશ યાત્રાઓ પર પણ ત્રણ મહિના માટે નિયંત્રણ મૂકાયું છે. જોકે જરૂરી કામગીરી, સ્કોલરશિપ અને કેટલીક તાલીમ જેવી બાબતોને અપવાદ આપવામાં આવ્યા છે.

સરકારી વિભાગોને શક્ય હોય ત્યાં સુધી સામસામે બેઠકને બદલે ટેલિકોન્ફરન્સિંગનો ઉપયોગ કરવા જણાવાયું છે. સરકારી ખર્ચે યોજાતા સેમિનાર, કોન્ફરન્સ અને તાલીમ કાર્યક્રમો પર પણ નિયંત્રણ મૂકાયું છે. વિદેશી પ્રતિનિધિમંડળોની મુલાકાત સિવાય સરકારી ખર્ચે સત્તાવાર ડિનર યોજવા પર રોક છે. નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન કર્મચારીઓ સાથે સીધા સંબંધિત ન હોય તેવા નિયમિત સરકારી ખર્ચમાં દર મહિને 5 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.જોકે હોસ્પિટલ, ક્લિનિક, મેડિકલ લેબ, ફાર્મસી, બેકરી, તંદૂર, દૂધ-દહીંની દુકાનો, પેટ્રોલ અને CNG પંપ, EV ચાર્જિંગ સ્ટેશન, જિમ, સ્પોર્ટ્સ સેન્ટર, IT કંપનીઓ અને કોલ સેન્ટર જેવી આવશ્યક સેવાઓને સમયમર્યાદામાંથી છૂટ આપવામાં આવી છે. પાકિસ્તાન સરકારનો સમગ્ર પ્રયાસ હાલ ઊર્જા વપરાશ ઘટાડવા, ઇંધણ બચાવવા અને વધતા ખર્ચ તથા વિદેશી ચલણ પરના દબાણને નિયંત્રિત કરવાનો છે.

Most Popular

To Top