Shinor

શિનોર પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત

શિનોર સહિત અનેક ગામોમાં વરસાદી માહોલ, મુખ્ય બજારમાં રસ્તાઓ બન્યા જળમાર્ગ

ખેડૂતોમાં ખુશીની લહેર, લાંબા વિરામ બાદ વરસાદથી વાવણી માટે નવી આશા જાગી

(પ્રતિનિધિ) શિનોર

વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. શિનોર, માલસર, સાધલી, ઉતરાજ, મીઢોળ, સુરાસામળ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને જનજીવન પર તેની અસર જોવા મળી હતી.

શિનોરના મુખ્ય બજારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. અનેક સ્થળોએ જાણે રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી.

બીજી તરફ, લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને હવે વાવણી તેમજ ઉભા પાક માટે નવી આશા જાગી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના પગલે ખેડૂતોમાં આશાવાદ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટર: અમિત સોની

Most Popular

To Top