પોલીસ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત, ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં ટ્રાફિક, સાયબર ક્રાઈમ અને સ્ટ્રીટ ક્રાઈમ સામે કડક કાર્યવાહી પર ભાર, સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા સુચના
વડોદરા તા.21
ગુજરાતના નવા પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) જી.એસ. મલિક વડોદરાની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવ્યા છે. દરમિયાન શહેરની કાયદો-વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાની ઊંડાણપૂર્વક સમીક્ષા કરી હતી. પોલીસ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમણે શહેરને વધુ સુરક્ષિત અને ગુનામુક્ત બનાવવા માટે પોલીસ અધિકારીઓને અનેક મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા.

ગુજરાતના નવા નિયુક્ત પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) જી.એસ. મલિક મંગળવારે વડોદરાની પ્રથમ મુલાકાતે પહોંચ્યા હતા. પોલીસ ભવન ખાતે પહોંચતા જ વડોદરા શહેર પોલીસ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરવામાં આવ્યો હતો. શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે પુષ્પગુચ્છ અર્પણ કરી ડીજીપીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ત્યારબાદ પોલીસ ભવન ખાતે વડોદરા શહેર તેમજ આસપાસના જિલ્લાઓના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ડીજીપી મલિકે શહેરની કાયદો-વ્યવસ્થા, ગુનાખોરીની સ્થિતિ, ટ્રાફિક વ્યવસ્થા, આંતરિક સુરક્ષા અને પોલીસ કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.
ડીજીપીએ ખાસ કરીને સ્ટ્રીટ ક્રાઈમ, સાયબર ક્રાઈમ અને સંગઠિત ગુનાખોરી સામે વધુ અસરકારક અને ઝડપી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. સાથે જ ટેક્નોલોજીના વ્યાપક ઉપયોગ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા, ટ્રાફિક જામ અને અકસ્માતો ઘટાડવા માટે નવીન આયોજન અમલમાં મૂકવા ભાર મૂક્યો હતો. તેમણે પોલીસ-જનતા વચ્ચે વિશ્વાસ અને સંવાદ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. શહેરમાં રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવા, સંવેદનશીલ વિસ્તારોમાં સતત નજર રાખવા તેમજ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે તમામ અધિકારીઓને સતર્ક અને જવાબદાર રીતે કામગીરી કરવાની સૂચના આપી હતી.