Vadodara

બાપોદ વિસ્તારમાં પોલીસનું આકસ્મિક કોમ્બિંગ, 12 શંકાસ્પદોને ડિટેન કરાયા

વિવિધ ગુનામાં સંડોવાયેલા લોકો તપાસ, દસ્તાવેજ વગરના વાહનો સામે કાર્યવાહી

વડોદરા તા.20

વડોદરા શહેરમાં ગુનાખોરી પર નિયંત્રણ અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા આકસ્મિક કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડીસીપી ઝોન-4 એન્ડ્રૂ મેકવાન, એસીપી જી.બી. બામણિયા તેમજ બાપોદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ 12 વ્યક્તિઓને ડિટેન કરાયા છે, ફરાર આરોપીઓ અને વાહનોની પણ તપાસ કરવામાં આવી હતી.

વડોદરા શહેર પોલીસ દ્વારા આજવા રોડ પર આવેલા એકતા નગર સહિત બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ સ્થળોએ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. ડીસીપી ઝોન-4 એન્ડ્રૂ મેકવાનના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસની વિવિધ ટીમોએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી કરી હતી. પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓ અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા લોકોની ઓળખ અને તપાસ માટે સઘન કાર્યવાહી કરવામાં આવી હતી.

કોમ્બિંગ દરમિયાન 12 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓને ડિટેન કરી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ઉપરાંત, જુદા જુદા ગુનાઓમાં ફરાર અને વોરંટ ધરાવતા આરોપીઓની પણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. પોલીસે વાહન ચેકિંગ અભિયાન પણ ચલાવી લાયસન્સ અને જરૂરી દસ્તાવેજો વગર ચાલતા ટુ-વ્હીલર વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરીને કેટલાક વાહનો જપ્ત કર્યા હતા.

ડીસીપી એન્ડ્રૂ મેકવાને જણાવ્યું હતું કે શહેરમાં ગુનાખોરીને કાબૂમાં રાખવા અને અસામાજિક તત્વો પર નજર રાખવાના હેતુથી આવા આકસ્મિક કોમ્બિંગ ઓપરેશન સતત હાથ ધરવામાં આવશે. આ પ્રકારની કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો.

Most Popular

To Top