બોરસદના બોચાસણ ગામમાંથી ધરપકડ કરી આણંદ એલસીબી પોલીસ લઈ જતી હતી તે વખતે રસ્તામાં ઉલ્ટીનું બહાનું કાઢી ગાડી રોકાવ્યા બાદ ચપ્પુ કાઢી પોલીસ પર હુમલો કરતા સ્વબચાવમાં ફાયરિંગ કર્યું
આણંદ.
આણંદના અડાસ ગામ પાસે રેલવે ટ્રેક પર 4 વરસની માસુમ બાળકી નો મૃતદેહ મળ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં વાસદ રેલવે સ્ટેશનથી બાળકીનું અપહરણ કરી જાતીય સતામણી કરી હત્યા કરાય હોવાનું ખુલ્યું હતું. સીસીટીવી ફુટેજમાં આ અપહરણ કરનારો શખ્સ ઓળખાતા તેની ધરપકડ કરી રેલવે પોલીસ ને હવાલે કરતા સમયે તેને પોલીસ પર ચપ્પાથી હુમલો કરતા સ્વબચાવ માં એન્કાઉન્ટર કરાયું હતું.
વાસદ ગામના રેલવે સ્ટેશન પર મુસાફર ખાનામાં શનિવાર ની રાતે સુતેલી 4 વરસની માસુમ બાળકીનું અપહરણ થયું હતું. આ અંગે રેલ્વે અને સ્થાનિક પોલીસ તપાસ કરતા અડાસ ગામના રેલવેના ટ્રેક પર બાળકીના માથા વગર નો મૃતદેહ મળતા હાહાકાર મચી ગયો હતો. આ અંગે રેલ્વે પોલીસ અને આણંદ જિલ્લા પોલીસે સયુંકત તપાસ હાથ ધરી હતી.
વાસદ રેલવે સ્ટેશનના સીસીટીવી ફુટેજમાં અપહરણ કરનારો શખ્સ દેખાયો હતો. જેની ઓળખ માટે કાર્યવાહી કરતા તે બોરસદના બોચાસણ ગામનો સુરેશ વિઠ્ઠલ પરમાર (ઉ.વ. આ.30) હોવાનું ખુલ્યું હતું. આથી, બોરસદ ગ્રામ્ય અને આણંદ લોકલ ક્રાઇમ પોલીસની ટીમ મોડી રાતે બોચાસણ થી સુરેશની અટક કરી રેલવે પોલીસ ના હવાલે કરવા લઈ જતા હતા. દરમિયાનમાં આસોદર ચોકડીથી કાંથરિયા રેલવે બ્રીઝ પર સુરેશે ઉલટી કરવાનું બહાનું કાઢી ગાડી રોકાવી હતી. આ દરમિયાન તેણે તેની પાસેનું તિક્ષણ હથિયાર કાઢી હુમલો કર્યો હતો. જોકે પોલીસ ટીમે સ્વબચાવમાં ફાયરિંગ કરતા સુરેશનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ એન્કાઉન્ટર રાત્રીના 11.15 વાગ્યા આસપાસ થયું હતું.