Gujarat

નવસારી શહેર બન્યું જળબંબાકાર,જલાલપોરમાં 8 ઇંચ અને નવસારી શહેરમાં પોણા 6 ઇંચ વરસાદ

ધાનેરા પોઈન્ટ, કાલિયાવાડી, દુધિયા તળાવ સહિત અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ; મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકો ભારે પરેશાન

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ કરતા નવસારી જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત ધોધમાર વરસાદના કારણે જલાલપોર તાલુકામાં અંદાજે 8 ઇંચ અને નવસારી શહેરમાં પોણા 6 ઇંચ જેટલો વરસાદ નોંધાતા શહેર અને આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદને પગલે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને અનેક વિસ્તારોમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.તેમજ
શહેરના ધાનેરા પોઈન્ટ, કાલિયાવાડી, દુધિયા તળાવ સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ધાનેરા પોઈન્ટ નજીક મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતાં વાહનો ધીમી ગતિએ પસાર થતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક સ્થળોએ ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ટુ-વ્હીલર ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરની ડ્રેનેજ વ્યવસ્થા પર પણ ભારે દબાણ આવ્યું હતું. અનેક સોસાયટીઓ, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકો ઘરોમાંથી બહાર નીકળવામાં પણ મુશ્કેલી અનુભવી રહ્યા હતા. વરસાદી પાણીના નિકાલમાં વિલંબ થતાં અનેક વિસ્તારોમાં કલાકો સુધી પાણી ભરાયેલા રહ્યા હતા. હવામાનમાં આવેલા અચાનક પલટા બાદ સમગ્ર નવસારી જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો હતો. જલાલપોરમાં સૌથી વધુ વરસાદ નોંધાતા ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને કારણે નદીઓ અને કુદરતી જળાશયોમાં પાણીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેને પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ માત્ર થોડા કલાકોમાં પડેલા ભારે વરસાદે જનજીવનને અસર પહોંચાડી હતી.જ્યારે અનેક વિસ્તારોમાં દુકાનો અને રહેણાંક વિસ્તારોની બહાર પાણી ભરાઈ જતાં લોકોને અવરજવરમાં મુશ્કેલીઓ પડી હતી. વરસાદી માહોલને કારણે વીજળી અને વાહનવ્યવહાર પર પણ આંશિક અસર જોવા મળી હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને નીચાણવાળા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી સાવચેતીપૂર્વક પસાર થવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top