Dahod

અમદાવાદની ફટાકડા ફેક્ટરી વિસ્ફોટમાં સંજેલીના એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

ગોવિંદ તળાઈ ગામમાં શોકનો માહોલ, રોજગારી માટે ગયેલો પરિવાર કાળનો કોળિયો બન્યો

પાંચ સભ્યોના અંતિમ સંસ્કારથી ગામ ગમગીન, પરિવારના વડા ગંભીર હાલતમાં સારવાર હેઠળ

(પ્રતિનિધિ) દાહોદ, તા. 19

અમદાવાદ સ્થિત ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ અને આગની દુર્ઘટનાએ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગોવિંદ તળાઈ ગામને હચમચાવી નાખ્યું છે. આ દુર્ઘટનામાં ચારેલ પરિવારના એક જ ઘરના પાંચ સભ્યોના કરુણ મોત નિપજતાં સમગ્ર સંજેલી પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચારેલ પરિવાર રોજગારી અર્થે અમદાવાદ ગયો હતો. દરમિયાન ફટાકડા ફેક્ટરીમાં અચાનક થયેલા જોરદાર વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળતા પરિવારના પાંચ સભ્યો જીવતા ભડથું થઈ ગયા હતા. જ્યારે પરિવારના વડા ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

દુર્ઘટનાના સમાચાર ગોવિંદ તળાઈ ગામમાં પહોંચતા જ સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આજે મૃતદેહો વતન પહોંચતા પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ગ્રામજનો, સગાસંબંધીઓ અને આગેવાનો ઉમટી પડ્યા હતા. ભીની આંખે સૌએ દિવંગતોને અંતિમ વિદાય આપી હતી.

આ કરુણ ઘટનાએ માત્ર ચારેલ પરિવાર જ નહીં, પરંતુ સમગ્ર સંજેલી તાલુકાને ઊંડા શોકમાં ગરકાવ કરી દીધો છે. ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગ્રામજનો દ્વારા દિવંગત આત્માઓને શાંતિ મળે તેમજ શોકગ્રસ્ત પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે.

રિપોર્ટર: વિનોદ પંચાલ

Most Popular

To Top