Business

અમેરિકા અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો, અમેરિકાએ કેનેડા પર ઝીંક્યો 50 ટકા ટેરિફ

અમેરિકાએ કેનેડાથી આયાત થતી કેટલીક ચોક્કસ વસ્તુઓ પર 50 ટકાનો ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરીને વૈશ્વિક વેપાર જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. વોશિંગ્ટને કેનેડા પર ઓટોમોબાઇલ, ડેરી અને લિકર જેવા ક્ષેત્રોમાં અમેરિકન સામાન સામે ભેદભાવપૂર્ણ નીતિ અપનાવવાનો ગંભીર આરોપ મૂક્યો છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સત્તાવાર આદેશો પર હસ્તાક્ષર કર્યાના 30 દિવસ પછી આ આકરા નિયમો અમલમાં આવશે.

વાઈટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા ફેક્ટ શીટ અનુસાર, આ નવો આયાત કર ‘ટેરિફ એક્ટ 1930’ ની સેક્શન 338 હેઠળ લાદવામાં આવ્યો છે. કેનેડાના અયોગ્ય વેપાર વલણને કારણે અમેરિકન બજાર પર પડેલા નાણાકીય બોજને ઓછો કરવો અને અમેરિકાના નિકાસકારોને સમાન તકો પૂરી પાડવી એ આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ છે.

કેનેડાના વિવિધ ઉત્પાદનો પર લાગશે આકરો ટેરિફ

પ્રમુખ ટ્રમ્પે સેક્શન 338 હેઠળ 3 અલગ-અલગ જાહેરાતો પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી કેનેડિયન વસ્તુઓની વિવિધ શ્રેણીઓ પર 50 ટકાનો વધારાનો ટેરિફ લાગશે:

  • અસરગ્રસ્ત વસ્તુઓ: વાઈટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણયથી વાઇન, હોકી સ્ટીક્સ અને સિમેન્ટ જેવી અનેક વસ્તુઓ પ્રભાવિત થશે. ‘યુએસએમસીએ’ કરાર હેઠળ આવતી વસ્તુઓને પણ આ ટેરિફમાંથી રાહત મળશે નહીં.
  • ટેરિફમુક્ત ક્ષેત્રો: ઊર્જા ઉત્પાદનો, પોટાશ, સેક્શન 232 હેઠળ પહેલાથી જ કર હેઠળ આવરી લેવાયેલી વસ્તુઓ તેમજ માછલી અને મહત્વપૂર્ણ ખનિજો પર આ નવો ટેરિફ લાગુ થશે નહીં.

ભેદભાવપૂર્ણ વેપાર નીતિઓ અંગે અમેરિકાના ગંભીર આરોપો

અમેરિકન પ્રશાસને કેનેડા પર આરોપ લગાવ્યો છે કે તે પોતાના બજારમાં અમેરિકન વેપારીઓને નુકસાન પહોંચાડે તેવા અવરોધો ઊભા કરી રહ્યું છે, ખાસ કરીને વાહન ઉત્પાદન ક્ષેત્રે વધારે અન્યાય થઈ રહ્યો છે:

  • વાહન ક્ષેત્રે અસમાનતા: કેનેડા અમેરિકાથી આયાત થતા વાહનો પર ભારે ટેરિફ અને લિમિટ લાદે છે, જ્યારે અન્ય દેશોને આવી શરતોમાંથી મુક્તિ આપે છે. આ સિસ્ટમ અમેરિકન કાર કંપનીઓને અમેરિકામાં રોકાણ કરવાને બદલે કેનેડામાં પ્લાન્ટ સ્થાપવા મજબૂર કરે છે.
  • આયાતમાં મોટો ઘટાડો: 2024-25 ના સરખામણીના ગાળા સામે કેનેડામાં અમેરિકન વાહનોની આયાત 22 ટકા એટલે કે આશરે 5.6 બિલિયન ડોલર ઘટી ગઈ છે. આ ઉપરાંત, માર્ચ 2025 થી ફેબ્રુઆરી 2026 વચ્ચે આલ્કોહોલિક પીણાંની આયાતમાં 81 ટકા એટલે કે 582 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે.

વાઈટ હાઉસે નિર્ણયનો કર્યો બચાવ

વાયટ હાઉસના જણાવ્યા મુજબ, છેલ્લા 1.5 વર્ષમાં ટ્રમ્પ પ્રશાસને લાદેલા ટેરિફ સામે માત્ર ચીન અને કેનેડાએ જ વળતા પગલાં ભર્યા છે. પોતાના નિર્ણયનો બચાવ કરતા વાઈટ હાઉસે જણાવ્યું કે કેનેડાના અસમાન વ્યવહાર સામે અમેરિકાને વધુ સમૃદ્ધ અને મજબૂત બનાવવા માટે આ નિર્ણય લેવો જરૂરી હતો. પ્રમુખ ટ્રમ્પના નિર્ણયથી વિશ્વભરમાં 18 નવા વેપાર કરારો શક્ય બન્યા છે.

આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પ્રમુખ ટ્રમ્પે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથે જંગલોની આગનો ધુમાડો અમેરિકામાં આવવા અંગે કડક શબ્દોમાં વાતચીત કરી હતી અને આર્થિક પરિણામોની ચેતવણી આપી હતી.

Most Popular

To Top