Vadodara

ડભોઇમાં પારુલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ નશામાં ઝડપાયા, કારમાંથી બિયરના ટીન જપ્ત

મહુડી ભાગોળ પાસે સ્થાનિકોએ રોકી પોલીસને સોંપ્યા, ડ્રાઇવર સામે ‘ડ્રીંક એન્ડ ડ્રાઇવ’ અને અન્ય વિદ્યાર્થી સામે પ્રોહિબિશનનો ગુનો
કારમાંથી બિયર ટીન મળ્યા છતાં માત્ર બે સામે કાર્યવાહીથી ઉઠ્યા સવાલો, પોલીસની તપાસ પર ચર્ચા

(પ્રતિનિધિ), વડોદરા, તા. 22
ડભોઇના મહુડી ભાગોળ વિસ્તારમાં ગફલતભરી અને બેફામ રીતે થાર કાર હંકારી રહેલા પારુલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓને સ્થાનિક નાગરિકોએ ઝડપી પાડી પોલીસના હવાલે કર્યા હતા. ઘટનામાં કારમાં સવાર વિદ્યાર્થીઓ નશાની હાલતમાં હોવાનું સામે આવતા ડભોઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહુડી ભાગોળ વિસ્તારમાં પસાર થઈ રહેલી થાર કારનો ચાલક જોખમી અને બેફામ રીતે વાહન ચલાવી રહ્યો હતો, જેના કારણે રાહદારીઓ અને અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા. કારની શંકાસ્પદ હિલચાલ જોતા સ્થાનિકો સતર્ક બન્યા હતા અને વાહનને રોકીને તેમાં સવાર યુવક-યુવતીઓને અટકાવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી તમામને પોલીસ સ્ટેશન લઈ ગયો હતો.
પોલીસે કારમાં સવાર કુલ પાંચ યુવકો અને એક યુવતીની પૂછપરછ તેમજ મેડિકલ તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન કાર ચલાવી રહેલા જોર્જમેન જોન એતેપ સામે નશાની હાલતમાં વાહન ચલાવવા બદલ **’ડ્રીંક એન્ડ ડ્રાઇવ’**નો ગુનો નોંધવામાં આવ્યો છે.

કારની તલાશી દરમિયાન આરોપી પૌલ પાવન સાયમનની બેગમાંથી અંદાજે સાત બિયરના ટીન મળી આવ્યા હતા. તેના આધારે તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તમામ વિદેશી વિદ્યાર્થીઓ વાઘોડિયા રોડ સ્થિત પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. વિદેશથી અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ દ્વારા જાહેરમાં નશાની હાલતમાં કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. પોલીસે સમગ્ર ઘટનાની તમામ દિશામાં તપાસ શરૂ કરી છે.

જોકે સમગ્ર કાર્યવાહી દરમિયાન કેટલાક સવાલો પણ ઊભા થયા છે. કારમાં કુલ છ વિદેશી વિદ્યાર્થીઓ સવાર હતા અને વાહનમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા હતા. તેમ છતાં પોલીસના જણાવ્યા મુજબ મેડિકલ પરીક્ષણમાં માત્ર ડ્રાઇવર જોર્જમેન જોન એતેપે જ દારૂ પીધો હોવાનું સામે આવ્યું છે. બિયર ટીન મળી આવ્યા હોવા છતાં અન્ય વિદ્યાર્થીઓ સામે કોઈ કાર્યવાહી ન થતાં પોલીસની તપાસ અને કાર્યવાહીની નિષ્પક્ષતા અંગે ચર્ચા શરૂ થઈ છે.

Most Popular

To Top