ઓટો ભાડા અંગે ખોટી માહિતી આપવા બદલ જીવીબા ગર્લ્સ હોસ્ટેલને 19,000 ચૂકવવાનો આદેશ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.22
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને કોલેજ જવા-આવવાના ઓટો રિક્ષાના ભાડા બાબતે ગેરમાર્ગે દોરવા બદલ કારેલીબાગમાં આવેલી જીવીબા ગર્લ્સ હોસ્ટેલને કન્ઝ્યુમર ફોરમે દોષિત ઠેરવી દંડ ફટકાર્યો છે.
અંકલેશ્વરની એક વિદ્યાર્થિનીએ સપ્ટેમ્બર 2022માં આ હોસ્ટેલમાં પ્રવેશ મેળવતા પહેલા હોસ્ટેલથી કોલેજ જવા રિક્ષાનું ભાડું કેટલું થશે તે અંગે પૂછપરછ કરી હતી. તે સમયે હોસ્ટેલના સ્ટાફે ભાડું 10 થી 20 જેટલું થશે તેવી જાણકારી આપી હતી. પરંતુ, જ્યારે વિદ્યાર્થિનીએ એપ દ્વારા રિક્ષા બુક કરાવી ત્યારે ભાડું 60 થી 100 જેટલું આવતું હતું. આ તફાવતના કારણે તેણે હોસ્ટેલ છોડીને એડવાન્સમાં ચૂકવેલા 35,000 રિફંડ માંગ્યા હતા. જોકે હોસ્ટેલ દ્વારા રિફંડ આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. આ મામલે વડોદરા ગ્રાહક તકરાર નિવારણ પંચમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટે હોસ્ટેલને દોષિત ઠેરવી વિદ્યાર્થિનીને વળતર, માનસિક ત્રાસ અને કાનૂની ખર્ચ પેટે કુલ 19,000 ચૂકવવાનો આદેશ આપ્યો છે.