મધ્ય પ્રદેશ વિધાનસભામાં મંગળવારે ભારે હોબાળા અને રાજકીય ઘર્ષણ વચ્ચે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે કે સમાન નાગરિક સંહિતા બિલ પસાર કરવામાં આવ્યું છે. બિલ રજૂ થતાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી બે વખત મુલતવી રાખવાની ફરજ પડી હતી. જોકે અંતે સત્તારૂઢ ભાજપે બહુમતીના આધારે બિલ પસાર કરાવ્યું. આ સાથે જ મધ્ય પ્રદેશ UCC લાગુ કરનાર દેશનું ચોથું રાજ્ય બન્યું છે. બિલ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસે દલીલ કરી હતી કે UCC જેવા મહત્વના કાયદાને રાજ્ય વિધાનસભામાં રજૂ કરતા પહેલાં સંસદમાં ચર્ચા અને મંજૂરી મળવી જોઈએ. કોંગ્રેસે બિલને વધુ અભ્યાસ અને ચર્ચા માટે વિધાનસભાની પસંદગી સમિતિ (સિલેક્ટ કમિટી) પાસે મોકલવાની પણ માંગ કરી હતી. વિપક્ષનું કહેવું હતું કે રાજ્યમાં અન્ય મહત્વના મુદ્દાઓ, ખાસ કરીને અન્ય પછાત વર્ગ (OBC) માટે 27 ટકા અનામતનો અમલ, સરકાર માટે વધુ પ્રાથમિકતા હોવી જોઈએ. બીજી તરફ ભાજપના સભ્યોએ બિલનું જોરદાર સમર્થન કર્યું હતું. સત્તાપક્ષના સભ્યોનું કહેવું હતું કે સમાન નાગરિક સંહિતા મહિલાઓના અધિકારોને મજબૂત બનાવશે અને તમામ નાગરિકોને સમાન કાનૂની હક્કો આપવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી મોહન યાદવે વિપક્ષના આરોપોનો જવાબ આપતાં કહ્યું કે, “જે લોકો હિંદુની વાત કરશે, રાજ તેમનું જ રહેશે.” તેમણે વધુમાં કહ્યું કે જ્યારે કુદરત અને ઈશ્વરે દરેક માણસને સમાન બનાવ્યો છે, ત્યારે દેશના કાયદા પણ દરેક નાગરિક માટે સમાન હોવા જોઈએ. મુખ્યમંત્રીના નિવેદન બાદ સત્તાપક્ષના સભ્યોએ પાટલીઓ થાપટીને બિલનું સ્વાગત કર્યું હતું. આ બિલ નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી વિશેષ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. બિલ તૈયાર કરતા પહેલાં સમિતિએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં લોકોના અભિપ્રાયો મેળવ્યા હતા. સમિતિને 9.58 લાખથી વધુ લેખિત અને મૌખિક સૂચનો મળ્યા હતા, જેના આધારે બિલનો અંતિમ મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો.
UCC બિલનો મુસદ્દો ખૂબ જ વિગતવાર છે. તેમાં કુલ ચાર ભાગ, 404 કલમો અને સાત પરિશિષ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે વિવિધ ધર્મો માટે અલગ-અલગ વ્યક્તિગત કાયદાને બદલે હવે રાજ્યમાં તમામ નાગરિકો માટે પારિવારિક બાબતોમાં એકસરખા નિયમો લાગુ થશે. નવા કાયદા હેઠળ લગ્ન, લગ્ન નોંધણી, છૂટાછેડા, ભરણપોષણ, દત્તક અને વારસા જેવી અનેક પારિવારિક બાબતો માટે સમાન કાનૂની વ્યવસ્થા રહેશે. લગ્ન નોંધણી તમામ માટે ફરજિયાત રહેશે અને છૂટાછેડાની પ્રક્રિયા પણ એકસરખા નિયમો હેઠળ થશે. ઉપરાંત, અલગ થવા અથવા છૂટાછેડાના કિસ્સામાં ભરણપોષણના અધિકારો પણ તમામ નાગરિકો માટે સમાન રહેશે. સરકારનું માનવું છે કે આ કાયદાથી મહિલાઓને વધુ કાનૂની સુરક્ષા મળશે અને વિવિધ વ્યક્તિગત કાયદાઓ વચ્ચે રહેલી અસમાનતા દૂર થશે. બીજી તરફ વિપક્ષનું કહેવું છે કે આવા મહત્વના કાયદા પર વધુ વ્યાપક ચર્ચા અને સર્વસંમતિ જરૂરી હતી.
મધ્ય પ્રદેશમાં UCC બિલ પસાર થયા બાદ હવે આ મુદ્દે રાજકીય ચર્ચા વધુ તેજ બનવાની શક્યતા છે. એક તરફ ભાજપ તેને સામાજિક સમાનતા અને મહિલા સશક્તિકરણ તરફનું ઐતિહાસિક પગલું ગણાવી રહી છે, જ્યારે કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો તેને ઉતાવળમાં લેવામાં આવેલ નિર્ણય ગણાવી રહ્યા છે. હવે બિલ રાજ્યપાલની મંજૂરી અને સરકાર દ્વારા જાહેર કરાયેલા અમલીકરણના નિયમો બાદ રાજ્યમાં અમલમાં આવશે. મધ્ય પ્રદેશમાં UCC લાગુ થતાં દેશના માત્ર ચાર રાજ્યોમાં સમાન નાગરિક સંહિતાનો અમલ થશે, જેને દેશના કાયદાકીય અને રાજકીય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહી છે.