કરજણ પાસે એક્સપ્રેસ-વે પર ફિલ્મી સ્ટાઈલમાં ભાગ્યો બુટલેગર, રૂ.15.66 લાખનો વિદેશી દારૂ અને ટેમ્પો મળી રૂ.20.66 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોલર તા.22
વડોદરા જિલ્લાના કરજણ નજીક એક્સપ્રેસ-વે પર પોલીસે દારૂની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને જોતાં જ ડ્રાઈવરે દારૂ ભરેલું ટેમ્પો ચાલુ હાલતમાં મૂકીને હાઈવેની રેલિંગ કૂદી ફરાર થઈ જતાં ઘટનાએ ફિલ્મી દૃશ્ય સર્જ્યું હતું. તપાસ દરમિયાન વાહન પર બનાવટી નંબર પ્લેટ અને ડુપ્લિકેટ RC બુક હોવાનું પણ સામે આવતાં સમગ્ર કૌભાંડ વધુ ગંભીર બન્યું છે.
વડોદરા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વે દારૂની હેરાફેરી માટે સલામત માર્ગ બની રહ્યા હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે. કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એમ. પટેલ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ભરૂચ તરફથી વડોદરા તરફ આવતું સફેદ રંગનું અશોક લેલેન્ડ દોસ્ત ડાલું કણભા ગામની સીમમાંથી પસાર થવાનું છે, જેમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો છે.
બાતમીના આધારે પોલીસે કણભા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ વાહન આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો. શરૂઆતમાં ડ્રાઈવરે વાહન ધીમું પાડ્યું, પરંતુ પોલીસ નજીક પહોંચતા જ તેણે ચાલું ગાડી છેલ્લી લેનમાં ઉભી રાખી દીધી અને હાઈવેની રેલિંગ કૂદીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.
પોલીસે વાહનની તપાસ કરતાં પાછળ કાળી તાડપત્રી નીચે છુપાવેલી 9,552 પ્લાસ્ટિકની નાની બોટલોમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂનો જથ્થો રૂ.15.66 લાખ અને વાહન સહિત મુદ્દામાલની કિંમત રૂ.20.66 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.
તપાસ દરમિયાન પોલીસે વધુ એક ચોંકાવનારી હકીકત શોધી કાઢી હતી. ડાલા પર લગાવેલી નંબર પ્લેટ બનાવટી હોવાનું અને વાહનની RC બુક પણ ડુપ્લિકેટ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેના કારણે દારૂની હેરાફેરી માટે વાહનની ઓળખ છુપાવવાનો સુનિયોજિત પ્રયાસ કરવામાં આવ્યો હોવાની શંકા વધુ મજબૂત બની છે.
કરજણ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી નાસી છૂટેલા ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે. ઉપરાંત દારૂનો જથ્થો ક્યાંથી ભરાયો હતો, કોના સુધી પહોંચાડવાનો હતો અને બનાવટી નંબર પ્લેટ તથા ડુપ્લિકેટ RC પાછળ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે