Vadodara

પાલિકાની રિવ્યુ બેઠકમાં વડોદરાના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાઓ અંગે લેવાયા મહત્વના નિર્ણયો​

શહેરના સૌંદર્યીકરણ, ટ્રાફિક મુક્તિ અને ઇ-બસોથી લઈને ઐતિહાસિક વારસાના જતન સુધીના વિવિધ પ્રોજેક્ટ્સને ઝડપથી આખરી ઓપ અપાશે

વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે દર મંગળવારે યોજાતી સાપ્તાહિક રિવ્યુ બેઠક આજે મળી હતી. આ બેઠકમાં સંસ્કારી નગરી વડોદરાના સર્વાંગી વિકાસ, સૌંદર્યીકરણ, ટ્રાફિક નિયંત્રણ, જાહેર પરિવહન અને નાગરિક સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. પાલિકા તંત્ર દ્વારા શહેરના ઐતિહાસિક વારસાને જાળવી રાખવાની સાથે આધુનિક સુવિધાઓનો સમન્વય સાધીને વડોદરાને વધુ સુવિધાજનક બનાવવા પર ભાર મુકાયો છે.
​શહેરના પ્રવાસન અને વારસાને પ્રોત્સાહન આપવા સોવેનિયર શોપ પુનઃ શરૂ કરાશે, જ્યારે લાલ કોર્ટ અને માંડવી ગેટના નવીનીકરણની કામગીરી હાલ ઝડપથી ચાલી રહી છે. આ સિવાય, અકોટા-આજવા ખાતે વિશાળ એક્વેરિયમ, સેવાસીમાં લીનિયર પાર્ક અને કમાટીબાગ ખાતે ખાસ ક્રોકોડાઇલ વ્યુઇંગ પાર્ક બનાવવાનું ભવ્ય આયોજન હાથ ધરાયું છે.
​શહેરમાં જટિલ બનતી ટ્રાફિક સમસ્યાના નિવારણ અર્થે પોલીસ તંત્ર સાથે સંયુક્ત બેઠક યોજી નવા પાર્કિંગ ઝોન, ચાર્જીસ અને બ્રિજ નીચે ખાલી જગ્યાઓમાં પાર્કિંગ સ્પોટ્સ ઊભા કરાશે. માર્ગો પર ગેરકાયદેસર પાર્કિંગ અટકાવવા બોલાર્ડ્સ લગાવવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. પર્યાવરણની જાળવણી માટે શહેરમાં ટૂંક સમયમાં ૨૦ નવી ઇલેક્ટ્રિક બસો દોડતી થશે અને ભવિષ્યમાં વધુ ૮૦ ઇ-બસો ઉમેરાશે, જેના માટે જરૂરી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે.
​વિકાસકામોની ગુણવત્તા જાળવવા ક્વોલિટી કંટ્રોલ અને પ્લાનિંગ સેલને સક્રિય કરાયા છે. કામગીરીમાં બેદરકારી દાખવનાર ઇજારાદારો, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમ અને PMC સામે કડક દંડાત્મક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.
​આ ઉપરાંત, સમા ડાઇવિંગ પૂલ તથા માંજલપુર ટ્રેકનું રેનોવેશન કરાશે. નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ સરળતાથી મળે તે માટે દૂષિત પાણી અને ડ્રેનેજની સમસ્યાઓનો ઉકેલ લાવવા તેમજ સરકારી શાળાઓ, આંગણવાડીઓ અને હોસ્પિટલોના નવીનીકરણ માટે સંબંધિત એન્જિનિયરોને કડક આદેશો આપવામાં આવ્યા છે.

Most Popular

To Top