Gujarat

જબ જબ મોદી ડરતા હૈ…’ના નારાથી ગુંજ્યું ગુજરાત: અમદાવાદ, સુરત, ભાવનગર અને જૂનાગઢમાં યુવાનો રસ્તા પર ઉતર્યા

દિલ્હીના જંતર-મંતર ખાતે સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા વિરોધ આંદોલનની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદ, સુરત, ભાવનગર અને જૂનાગઢ સહિત અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ, યુવાનો અને વિવિધ સંગઠનોના કાર્યકરો રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. કેટલાક સ્થળોએ પ્રદર્શન શાંતિપૂર્ણ રહ્યું, જ્યારે અમદાવાદમાં સ્થિતિ તંગ બનતા પોલીસે મોટી કાર્યવાહી કરી અનેક લોકોની અટકાયત કરી હતી. સમગ્ર દિવસ દરમિયાન વિરોધ, સૂત્રોચ્ચાર, પોલીસ કાર્યવાહી અને અટકાયતનો માહોલ જોવા મળ્યો.

અમદાવાદમાં વિરોધ પ્રદર્શનનું મુખ્ય કેન્દ્ર એમ.જે. લાઇબ્રેરી વિસ્તાર રહ્યું હતું. અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો એકત્ર થયા હતા. હાથમાં બેનરો, પોસ્ટરો અને રાષ્ટ્રીય ધ્વજ સાથે પ્રદર્શનકારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. “મોદી હાય… હાય…”, “આઝાદી હમ લે કે રહેંગે” તેમજ “જબ જબ મોદી ડરતા હૈ, પોલીસ કો આગે કરતા હૈ” જેવા નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.

વિરોધ વધતા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પ્રદર્શનકારીઓને આગળ વધતા અટકાવવા માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. સ્થળ પર મહિલા પોલીસ સહિત વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. સ્થિતિ કાબૂમાં લેવા પોલીસે વિરોધ કરી રહેલા યુવક-યુવતીઓની અટકાયત શરૂ કરી હતી. કેટલાક પ્રદર્શનકારીઓ પોલીસથી બચવા નજીકના કોમ્પ્લેક્સ અને દુકાનોમાં સંતાઈ ગયા હતા, પરંતુ પોલીસે તેમને શોધી બહાર કાઢીને અટકાયત કરી હતી. કેટલાક યુવાનો બ્રિજ નીચેની દીવાલો કૂદીને પણ ભાગવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

અમદાવાદ પોલીસના જણાવ્યા અનુસાર, દિવસ દરમિયાન અંદાજે 150 જેટલા વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. તમામને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે એલિસબ્રિજથી લઈને પતંગ હોટલ સુધીના સમગ્ર માર્ગ પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની સંખ્યા વધતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિ પર નજર રાખી હતી.

વિરોધ દરમિયાન કેટલાક અનોખા દૃશ્યો પણ જોવા મળ્યા હતા. કેટલીક યુવતીઓ પોલીસને મેલોડી ચોકલેટ અને ફૂલ આપવા પહોંચી હતી. કેટલાક યુવાનો બાબાસાહેબ આંબેડકરના પુસ્તક અને પોસ્ટરો સાથે વિરોધ નોંધાવતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત પ્રદર્શનકારીઓ હાથમાં રાષ્ટ્રીય ધ્વજ અને વિવિધ બેનરો સાથે રસ્તા પર ઉતર્યા હતા. અમદાવાદમાં પોલીસ કાર્યવાહી બાદ પણ પ્રદર્શનકારીઓ અલગ-અલગ સ્થળોએ ફરી ભેગા થતા રહ્યા હતા. એમ.જે. લાઇબ્રેરીથી હટાવાયા બાદ મોટી સંખ્યામાં યુવાનો પતંગ હોટલ પાસેના સર્કલ પર પહોંચી ફરી વિરોધ શરૂ કર્યો હતો. કેટલાક સમય માટે રસ્તા પર લોકોની મોટી ભીડ એકત્ર થતાં ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. જોકે પોલીસ સતત કાર્યવાહી કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરતી રહી હતી.

બીજી તરફ સુરતમાં પણ સોનમ વાંગચુકના સમર્થનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો, શિક્ષકો અને સામાજિક કાર્યકરો એકત્ર થયા હતા. કલેક્ટર કચેરી અને લાલ ઘોડા સર્કલ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. હાથમાં સોનમ વાંગચુકના ફોટા અને બેનરો લઈને પ્રદર્શનકારીઓએ “ઇન્કલાબ જિંદાબાદ” સહિત વિવિધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ NEET પેપર લીક મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પણ ઉઠાવી હતી. સુરતમાં પરેશભાઈ મહાલે નામના એક સ્થાનિકે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ભારતીય સંવિધાન હાથમાં રાખીને ‘CJP’ લખેલું ટી-શર્ટ અને ફાટેલા કપડાં પહેરી સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમના આ અનોખા અંદાજે લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.

જૂનાગઢમાં અનુસૂચિત જાતિ સમાજના યુવાનોએ કલેક્ટર કચેરી બહાર ધરણાં યોજીને વિરોધ નોંધાવ્યો હતો. તેમણે પણ સોનમ વાંગચુકને સમર્થન જાહેર કરીને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી હતી. બીજી તરફ ભાવનગરમાં કોંગ્રેસના નગરસેવક કિશન મેર અને તેમના સમર્થકો ઘોઘા ગેટ ચોક સહિત મુખ્ય બજાર વિસ્તારમાં હાથમાં પોસ્ટરો લઈને વિરોધ પ્રદર્શન માટે રસ્તા પર ઉતર્યા હતા. આ સમગ્ર વિરોધનું કારણ દિલ્હીમાં ચાલી રહેલું આંદોલન છે. છેલ્લા કેટલાક સમયથી NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. આ દરમિયાન સોનમ વાંગચુક પણ આંદોલનમાં જોડાયા હતા અને ઉપવાસ શરૂ કર્યો હતો. તેમની તબિયત બગડતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના વિરોધમાં દેશના અનેક ભાગોમાં સમર્થન પ્રદર્શન થઈ રહ્યા છે, જેના પડઘા હવે ગુજરાતમાં પણ પડ્યા છે.

ગુજરાતમાં યોજાયેલા વિરોધ દરમિયાન યુવાનોનું કહેવું હતું કે પેપર લીક જેવા ગંભીર મુદ્દામાં જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ. અનેક પ્રદર્શનકારીઓએ શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી હતી. અમદાવાદમાં પોલીસ કાર્યવાહી અને અટકાયતોને કારણે દિવસભર તણાવપૂર્ણ વાતાવરણ રહ્યું હતું, જ્યારે સુરત, ભાવનગર અને જૂનાગઢમાં પણ વિરોધ પ્રદર્શનને કારણે ભારે ચહલપહલ જોવા મળી હતી. જોકે તમામ સ્થળોએ અંતે પોલીસ બંદોબસ્ત વચ્ચે પરિસ્થિતિ કાબૂમાં રહી અને કોઈ મોટી અનિચ્છનીય ઘટના નોંધાઈ નહોતી.

Most Popular

To Top