સોશિયલ મીડિયામાં EMI બાકી હોવાના દાવા સાથે વીડિયો વાયરલ, વિવિધ અટકળોએ જોર પકડ્યું
દાહોદ, તા. 22 : દાહોદ જિલ્લાના ગરબાડા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. વીડિયોને લઈને સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરની કાર રસ્તા પર રોકાયેલી જોવા મળે છે. સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વાહનના લોનના હપ્તા (EMI) બાકી હોવાના કારણે કારને રોકવામાં આવી હતી. જોકે, આ દાવાની કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી.
વીડિયો વાયરલ થતાં જ પંથકમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની ચર્ચાઓ અને અટકળો ચાલી રહી છે,
મહત્વપૂર્ણ છે કે વાયરલ વીડિયો અને તેની સાથે જોડાયેલા દાવાઓની સ્વતંત્ર રીતે કોઈ સત્તાવાર કે અધિકૃત પુષ્ટિ થઈ નથી. તેથી આ દાવાઓને અંતિમ હકીકત તરીકે ગણાવી શકાય નહીં.
ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરનો ખુલાસો: ‘અમારી ગાડીના કોઈ હપ્તા બાકી નથી’
વાયરલ વીડિયોને લઈને ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર સાથે મોબાઇલ ફોન પર સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, “અમારી ગાડીના કોઈ હપ્તા (EMI) બાકી નથી.”
ધારાસભ્યના કહેવા અનુસાર શો રૂમના માલિકે પણ સમગ્ર ઘટનાને લઈને સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, “સંબંધિત એજન્ટોને અગાઉથી જ છૂટા કરી દેવામાં આવ્યા છે. તેમ છતાં તેમણે ખોટી રીતે પ્રતિષ્ઠિત વ્યક્તિની ફોર વ્હીલર ગાડી રસ્તા પર રોકી હેરાનગતિ કરી હતી.”
આ સ્પષ્ટતા બાદ વાયરલ વીડિયોમાં કરવામાં આવી રહેલા દાવાઓ અંગે નવો વળાંક આવ્યો છે. જોકે, સમગ્ર ઘટનાને લઈને સંબંધિત એજન્સી અથવા અન્ય સત્તાવાર પક્ષ તરફથી હજુ સુધી કોઈ જાહેર નિવેદન સામે આવ્યું નથી. ઘટનાની વાસ્તવિક હકીકત અંગે વધુ વિગતો સત્તાવાર તપાસ અથવા સંબંધિત પક્ષોના નિવેદન બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
રિપોર્ટર: વિનોદ પંચાલ