સુરત જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ વચ્ચે હવે આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. સંભવિત પૂર અને પાણી ભરાવાની સ્થિતિને પહોંચી વળવા માટે NDRF અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યારે વધુ ત્રણ ટીમોને પણ સુરત મોકલવાની તૈયારી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું કે જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સતર્ક રહેવાની જરૂર છે. જો વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતરની સૂચના આપવામાં આવે તો તેનો તાત્કાલિક અમલ કરવો અને નજીકના સલામત આશ્રયસ્થાને પહોંચી જવું જોઈએ. તેમણે જણાવ્યું કે લોકોનો સહકાર જ જાનમાલની સુરક્ષા માટે સૌથી મહત્વપૂર્ણ રહેશે.
બુધવારે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. પલસાણામાં સૌથી વધુ 155 મીમી વરસાદ નોંધાયો હતો. બારડોલીમાં 131 મીમી, મહુવામાં 129 મીમી, અંબિકામાં 110 મીમી અને સુરત શહેરમાં 45 મીમી વરસાદ પડ્યો હતો. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ સારો વરસાદ નોંધાતા નદીઓ અને નીચાણવાળા વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગે બુધવારે રાત્રે લગભગ 10થી 11 વાગ્યાથી લઈને ગુરુવારે વહેલી સવારે 4થી 5 વાગ્યા દરમિયાન સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ સમયગાળામાં પાણી ભરાવા અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા હોવાથી પ્રશાસન દ્વારા તમામ વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. હાલમાં જિલ્લામાં SDRF અને NDRFની કુલ ચાર ટીમો બચાવ અને રાહત કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત વધુ ત્રણ ટીમોને પણ સુરત પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કામગીરી હાથ ધરી શકાય.
જિલ્લા કલેક્ટરે નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ વીજ થાંભલા અને ઝાડોથી દૂર રહેવાની સલાહ આપી છે. સાથે જ વેપારીઓ અને રહેવાસીઓને પણ જરૂરી સાવચેતી રાખવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. પ્રશાસને લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર જિલ્લા વહીવટી તંત્ર તથા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા જણાવ્યું છે. વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં લેવામાં આવશે.