સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. ઉપરવાસમાંથી સતત આવી રહેલા પાણી અને શહેરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે. માત્ર ચાર કલાકમાં આશરે ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં ચારથી પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. સૌથી વધુ અસર મગોબ, પર્વત ગામ, સારોલી, પર્વત પાટિયા, પુણા કુંભારીયા, ભીમરાડ-અલથાણ, મીઠી ખાડી અને આઝાદનગર સહિતના વિસ્તારોમાં જોવા મળી રહી છે.
મગોબ વિસ્તારમાં માર્ગો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં અનેક લોકો ઘરોમાં જ ફસાઈ ગયા છે. વરસાદી પાણીનો નિકાલ ધીમો પડતા અને ખાડીઓમાંથી બેકવોટર આવતાં સમગ્ર વિસ્તાર જાણે નદીમાં ફેરવાઈ ગયો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે મગોબ વિસ્તારમાં રેસ્ક્યુ બોટ તૈનાત કરી છે. જરૂર પડ્યે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ફાયર અને બચાવ દળ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.
ભારે વરસાદના કારણે શહેરની બે મુખ્ય ખાડીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે. ભેદવાડ ખાડીની જોખમી સપાટી 7.20 મીટર છે, જ્યારે હાલ તેનું જળસ્તર 7.50 મીટર સુધી પહોંચી ગયું છે. સીમાડા ખાડીની ભયજનક સપાટી 4.50 મીટર સામે હાલ 4.70 મીટર પાણી વહે રહ્યું છે. અન્ય ખાડીઓ પણ જોખમી સપાટીની નજીક પહોંચી ગઈ હોવાથી તંત્ર સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ચાલુ ચોમાસામાં બીજી વખત સુરતમાં ખાડીપૂરની સ્થિતિ સર્જાઈ છે.
પર્વત પાટિયા, પર્વત ગામ, મગોબ, સારોલી, કાંગારુ સર્કલ અને મીઠી ખાડી સહિતના વિસ્તારોમાં મુખ્ય માર્ગો તેમજ રહેણાંક વિસ્તારોમાં કમર સુધી પાણી ભરાઈ ગયા છે. અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘરવખરી, વાહનો અને વેપારી માલસામાનને નુકસાન પહોંચ્યું છે. ઘણા પરિવારોને પીવાનું પાણી અને જરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
પર્વત ગામમાં પણ સ્થિતિ અત્યંત ગંભીર બની છે. ગામ તરફ જતાં તમામ રસ્તાઓ પર ઘૂંટણથી કમર સુધી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. અનેક બાઇક અને કાર રસ્તામાં જ બંધ પડી ગઈ હતી. લોકોને પોતાના વાહનોને ધક્કા મારીને સલામત સ્થળે લઈ જવાની ફરજ પડી હતી. ભારે ટ્રાફિક અને પાણી ભરાવાના કારણે લાંબા સમય સુધી અવરજવર પ્રભાવિત રહી હતી. ભારે વરસાદની અસર શિક્ષણ ક્ષેત્રે પણ જોવા મળી છે. પર્વત પાટિયા રોડ પર આવેલી શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલયમાં ત્રણથી ચાર ફૂટ સુધી પાણી ભરાઈ જતાં શાળાનું સમગ્ર પરિસર જળમગ્ન બન્યું છે. નીચલા માળના વર્ગખંડોમાં પાણી ઘૂસી જતાં શૈક્ષણિક કામગીરી અટકી ગઈ છે. જોકે, અગાઉથી સાવચેતી રાખવાના કારણે વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવામાં સફળતા મળી છે.
આઝાદનગર વિસ્તારમાં પણ ખાડીના પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. કમર સુધી પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ સારોલી ગામમાં ખાડી ઓવરફ્લો થતાં ગામના મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે. સારોલી પોલીસ સ્ટેશનમાં પણ પાંચથી છ ફૂટ પાણી ભરાઈ જતાં પોલીસની કામગીરી પ્રભાવિત થઈ છે. પોલીસ સ્ટેશન સુધી જતો રસ્તો પણ બંધ કરી દેવાયો છે. આસપાસની અનેક સોસાયટીઓ અને મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ દરમિયાન એક દુઃખદ ઘટના પણ સામે આવી છે. ભારે વરસાદ દરમિયાન મીઠી ખાડીમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. માન દરવાજા અને ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમો બચાવ કામગીરી કરી રહી હતી ત્યારે ખાડીમાં મૃતદેહ હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. હાલ પોલીસ મૃતકની ઓળખ કરવાની કાર્યવાહી કરી રહી છે.
શહેરમાં સર્જાયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન (FOSTTA)એ તમામ કાપડ માર્કેટો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. વેપારીઓ અને કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશને પણ આ નિર્ણયને સમર્થન આપતાં પરિવહન કામગીરી મર્યાદિત કરી છે. વેપારીઓને અનાવશ્યક બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. વરસાદ અને પાણી ભરાવાના કારણે ટ્રાફિક પોલીસ પણ એક્શનમાં આવી છે. વેણીનાથ ગરનાળું અને તાપી નદીનો કોઝવે સુરક્ષાના કારણોસર બંધ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત શ્યામ મંદિર, બાટલીબોય, સાઈ પોઈન્ટ અને અન્ય વિસ્તારોમાં વાહનો માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકોને ટ્રાફિક પોલીસની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
સૌથી મહત્વની બાબત એ છે કે તંત્રે નીચાણવાળા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 2,244 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે. સ્થળાંતર કરાયેલા લોકો માટે શેલ્ટર હોમમાં રહેવા, જમવાની અને તબીબી સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે. ફાયર વિભાગ, પોલીસ, NDRF, SDRF અને મહાનગરપાલિકાની ટીમો સતત બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી તંત્રે લોકોને નદી, ખાડી અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા, અફવાઓથી બચવા અને માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. સમગ્ર સુરત શહેરમાં હાલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.