સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને આગામી કલાકોમાં વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રે વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને સુરત મહાનગરપાલિકાના શાસનાધિકારીના સંયુક્ત નિર્ણય અનુસાર 24 જુલાઈ, શુક્રવારે સુરત શહેર અને જિલ્લાના તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ તમામ આંગણવાડીઓમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે રજા જાહેર કરવામાં આવી છે.
જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ લેવામાં આવેલા આ નિર્ણયનો હેતુ ભારે વરસાદ દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શાળાઓ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ વિભાગે પણ મહત્વની જાહેરાત કરી છે. સરકારી વહીવટી તંત્રની સૂચના અનુસાર 24 જુલાઈ, શુક્રવારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન સુરત, નવસારી અને વલસાડ શહેર તેમજ સંબંધિત જિલ્લાઓની તમામ કોલેજોમાં પણ સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી છે.
અન્ય જિલ્લાઓ માટે ઉચ્ચ શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે સ્થાનિક વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરીને સંબંધિત કોલેજો ચાલુ રાખવી કે બંધ રાખવી તે અંગે સ્થાનિક સ્તરે નિર્ણય લેવામાં આવશે. વહીવટીતંત્રે નાગરિકોને હવામાન વિભાગ અને જિલ્લા પ્રશાસનની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા તેમજ અનાવશ્યક બહાર ન નીકળવાની અપીલ કરી છે.