SURAT

વરસાદ થંભ્યો છતાં સુરતમાં પૂરની સ્થિતિ યથાવત, પર્વત પાટિયા-સારોલી હજુ પાણીમાં ગરકાવ

સુરતમાં વરસાદનો જોર ઘટ્યો હોવા છતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સતત બીજા દિવસે પણ યથાવત છે. ખાસ કરીને પર્વત પાટિયા, સારોલી અને યોગીચોક વિસ્તારમાં હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાથી જનજીવન પર ગંભીર અસર પડી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ખાડીઓમાં પાણીનું જળસ્તર હજુ પણ ઊંચું હોવાથી પાણીનો નિકાલ થઈ શકતો નથી. પરિણામે રહેણાંક વિસ્તારો, મુખ્ય માર્ગો અને વેપારી વિસ્તારો હજુ પણ જળમગ્ન છે.ડ્રોન કેમેરામાં કેદ થયેલા દૃશ્યોમાં પર્વત પાટિયા અને સારોલી વિસ્તારમાં ચારેબાજુ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શહેરના સૌથી વ્યસ્ત ટેક્સટાઇલ અને વેપારી વિસ્તારોમાં પાણી ભરાતા વેપાર-ધંધા પર પણ મોટી અસર પડી છે. અનેક દુકાનો અને ગોડાઉન સુધી પાણી પહોંચી જતાં વેપારીઓને ભારે નુકસાનની ભીતિ સતાવી રહી છે.

સીમાડા ખાડીનું જળસ્તર હજુ પણ ભયજનક સપાટીએ હોવાથી ખાડીની આસપાસ આવેલા વિસ્તારોમાંથી પાણી ઉતરી રહ્યું નથી. સારોલી અને પર્વત પાટિયા જેવા વિસ્તારોમાં મુખ્ય રસ્તાઓ ઉપરાંત સોસાયટીઓમાં પણ પાણી ભરાયેલા છે. મહાનગરપાલિકા દ્વારા સતત પાણીના નિકાલ માટે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ખાડીમાં પાણીનું સ્તર ઊંચું હોવાથી પ્રયાસોને મર્યાદિત સફળતા મળી રહી છે.

યોગીચોક વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહાવીર સર્કલથી લક્ષ્મણ નગર તરફ જતો મુખ્ય માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે. તેમ છતાં કેટલાક લોકો તંત્રની સૂચનાઓને અવગણીને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતા જોવા મળ્યા હતા, જેના કારણે અકસ્માતનું જોખમ પણ વધ્યું છે. સારોલી ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. અહીં પાંચથી છ ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં અનેક રહેણાંક વિસ્તારો જળમગ્ન બની ગયા છે. સારોલી પોલીસ સ્ટેશન ચારેય તરફથી પાણીમાં ઘેરાઈ જતાં સરકારી કામગીરી પર પણ અસર પડી છે. પોલીસને પણ મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાની કામગીરી ચાલુ રાખવી પડી રહી છે.

માત્ર પોલીસ સ્ટેશન જ નહીં પરંતુ સ્થાનિક આરોગ્ય કેન્દ્ર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેના કારણે સામાન્ય આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે અને સારવાર માટે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને કારણે સ્થાનિક રહીશોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં ઘરોની બહાર પાર્ક કરાયેલા વાહનો હજુ પણ પાણીમાં ડૂબેલા છે. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી શકતા નથી અને રોજિંદા જીવન પર મોટી અસર પડી છે. બાળકો, વૃદ્ધો અને મહિલાઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં લોકો હજુ પણ જરૂરી ચીજવસ્તુઓ માટે સ્થાનિક તંત્ર અને સ્વયંસેવકોની મદદ પર નિર્ભર બન્યા છે.

મહાનગરપાલિકા, ફાયર વિભાગ અને અન્ય એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. પાણીનો નિકાલ ઝડપથી થાય તે માટે પમ્પિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારીઓ લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવાની અપીલ કરી રહ્યા છે. હવામાનમાં વરસાદનું પ્રમાણ ઘટ્યું હોવા છતાં ઉપરવાસમાંથી આવી રહેલા પાણી અને ખાડીઓના ઊંચા જળસ્તરને કારણે હાલ શહેરના પૂર્વ વિસ્તારોમાં રાહત મળતી દેખાતી નથી. પાણી સંપૂર્ણપણે ઉતર્યા બાદ જ પરિસ્થિતિ સામાન્ય બનવાની શક્યતા છે. ત્યાં સુધી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ અને બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.

Most Popular

To Top