પારડી, વલસાડ:મુશળધાર વરસાદ અને પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલા અવધ સોસાયટીમાં જળબંબાકારની એવી સ્થિતિ સર્જાઈ હતી કે ૧૫ ફૂટથી વધુ પાણી ભરાઈ જતાં બિલ્ડિંગોના પ્રથમ માળ સુધી પાણી પહોંચી ગયા હતા. લોકો પોતાના જીવ બચાવવા માટે ઘરના ઉપરના માળે આશરો લઈ રહ્યા હતા. આ જ સોસાયટીમાં પારડી પોલીસ સ્ટેશનના પી.આઈ. વાય.બી. ગોહિલ પણ પોતાના પરિવાર સાથે રહે છે. પરંતુ, મુસીબતની આ ઘડીમાં તેમણે પોતાની અંગત ચિંતા છોડીને ‘ખાખી’ની ફરજને પ્રથમ પ્રાથમિકતા આપી સેવા અને સાહસનું અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ ૧૫ ફૂટ પાણી વચ્ચે ઘરના પ્રથમ માળે પરિવારને મૂકી, બોટમાં બેસીને ફરજ બજાવવા નીકળ્યા અને દિવસ-રાત એક કરીને ૫૦૦થી વધુ લોકોના જીવ બચાવ્યા હતા.
જોખમી રીતે ગેલેરીમાંથી ઉતરી બોટ મારફતે ફરજ પર પહોંચ્યા

જ્યારે પોતાની સોસાયટીમાં જ પૂરના પાણી ફરી વળ્યા ત્યારે PI ગોહિલે પોતાના પરિવારને ઘરના પ્રથમ માળે સુરક્ષિત રાખી, પોતાના જીવના જોખમે ગેલેરીમાંથી નીચે ઉતરી બોટ મારફતે રેસ્ક્યુ કામગીરી માટે નીકળી જવાનો નિર્ણય કર્યો હતો. પોતાના જ પરિવારજનો પૂરના પાણીમાં ઘેરાયેલા હોવા છતાં, તેમણે અંગત મુશ્કેલીને બાજુ પર મૂકીને સમગ્ર વિસ્તારના નાગરિકોની સુરક્ષાને જ પોતાની પરમ ફરજ માની હતી.
૫૦૦થી વધુ લોકોનું રેસ્ક્યુ અને ફૂડ પેકેટનું વિતરણ

ફરજ પર પહોંચ્યા બાદ PI ગોહિલ અને તેમની પોલીસ ટીમે દિવસ-રાત જોયા વગર અથાક મહેનત કરી, અને ૫૦૦થી વધુ નાગરિકોને સફળ રીતે રેસ્ક્યુ કર્યા હતા. પાણીમાં ફસાયેલા વૃદ્ધો, બાળકો અને મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે એમણે યુધ્ધના ધોરણે કામગીરી કરી હતી.
એ સાથે જ રાહત સામગ્રીના વિતરણનું કામ ચાલુ રાખીને અનેક જળમગ્ન સોસાયટીઓમાં ફસાયેલા લોકો સુધી ફૂડ પેકેટ્સ અને પીવાનું પાણી પહોંચાડ્યું. અવિરત સેવા આપ્યા બાદ, જ્યારે આસપાસના તમામ જરૂરિયાતમંદોને સુરક્ષિત સ્થાને પહોંચાડી દેવાયા, ત્યારે જઈને તેઓ પોતાના પરિવારને રેસ્ક્યુ કરવા પહોંચ્યા હતા. “જનતાની સુરક્ષા એ જ મારી પહેલી જવાબદારી”
એક સાચા ખાખીધારી તરીકે PI વાય.બી. ગોહિલે સાબિત કરી દીધું કે મુશ્કેલીના સમયે પોતાની પરવા કર્યા વિના સમાજની સેવા કરવી એ જ પોલીસનો સાચો ધર્મ છે.