72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સના આયોજન સ્થળને લઈને વિવાદ શરૂ થયો છે. વર્ષોથી દેશની રાજધાની દિલ્હીમાં યોજાતો આ પ્રતિષ્ઠિત સમારોહ આ વખતે ગુજરાતના કેવડિયા એટલે કે એકતા નગરમાં યોજાવાનો છે. સમારોહનું સ્થળ બદલવાના નિર્ણય સામે કેટલાક નેતાઓ અને ફિલ્મ જગતના લોકો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ સમગ્ર વિવાદ વચ્ચે બોલિવૂડના જાણીતા અભિનેતા પરેશ રાવલે આ નિર્ણયનો બચાવ કરતાં આકરો જવાબ આપ્યો છે. પરેશ રાવલે એવોર્ડ સમારોહને દિલ્હીથી ગુજરાત ખસેડવા સામે સવાલ ઉઠાવનારાઓને જવાબ આપતા પૂછ્યું હતું કે, “શું ગુજરાત પાકિસ્તાન કે બાંગ્લાદેશમાં છે?” તેમણે કહ્યું હતું કે ગુજરાત ભારતનો જ એક ભાગ છે અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો દેશના અલગ-અલગ રાજ્યોમાં યોજાવા જોઈએ.
પરેશ રાવલના જણાવ્યા મુજબ, નેશનલ ઇવેન્ટ માત્ર એક જ શહેર સુધી મર્યાદિત રહેવી જરૂરી નથી. દેશના અલગ-અલગ ભાગોમાં આવા મોટા કાર્યક્રમો યોજાય તો તેનાથી સમગ્ર દેશમાં તેની પહોંચ વધે છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં કાર્યક્રમ યોજવામાં કોઈ વાંધો હોવો જોઈએ નહીં, કારણ કે તે ભારતનું જ એક રાજ્ય છે. એવોર્ડ સમારોહનું સ્થળ બદલવાના નિર્ણયને લઈને અગાઉ ફિલ્મમેકર રાહુલ ધોળકિયા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ પણ સવાલો ઉઠાવ્યા હતા. દિલ્હીથી ગુજરાતમાં સમારોહ ખસેડવાના નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર પણ અલગ-અલગ પ્રકારની ચર્ચાઓ જોવા મળી રહી છે.
આ વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે નેશનલ ફિલ્મ એવોર્ડ્સના આયોજનને લઈને નવી દિશામાં આગળ વધવાનો નિર્ણય લીધો છે. વર્ષ 1954માં શરૂ થયેલા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનો સમારોહ અત્યાર સુધી મુખ્યત્વે દિલ્હીમાં યોજાતો આવ્યો છે. હવે આ પ્રકારના રાષ્ટ્રીય કાર્યક્રમોને દેશના અલગ-અલગ રાજ્યોમાં યોજવાની દિશામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
આ નિર્ણયના ભાગરૂપે 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહ 22 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાતના કેવડિયા, એટલે કે એકતા નગરમાં યોજાવાનો છે. ગુજરાતમાં આટલા મોટા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન થવાથી રાજ્યના પ્રવાસન અને સાંસ્કૃતિક મહત્વને પણ પ્રોત્સાહન મળવાની શક્યતા છે. કેવડિયા છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના મહત્વના પ્રવાસન સ્થળોમાં સ્થાન મેળવી ચૂક્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિવિધ આકર્ષણોને કારણે એકતા નગર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે જાણીતું બન્યું છે. હવે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ જેવા પ્રતિષ્ઠિત કાર્યક્રમના આયોજનથી કેવડિયાને રાષ્ટ્રીય સ્તરે વધુ મહત્વ મળવાની શક્યતા છે.
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં અનેક જાણીતી ફિલ્મો અને કલાકારોને સન્માનિત કરવામાં આવવાના છે. વિજેતાઓની જાહેરાત બાદ ફિલ્મ ચાહકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. ‘ચંદુ ચેમ્પિયન’ માટે કાર્તિક આર્યન અને ‘બ્રહ્મયુગમ્’ માટે મલયાલમ સિનેમાના દિગ્ગજ અભિનેતા મમ્મૂટીને સંયુક્ત રીતે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવશે. જ્યારે ‘આર્ટિકલ 370’ને બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે. આ જ ફિલ્મમાં અભિનય માટે યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળશે.
આ ઉપરાંત ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ માટે રણદીપ હુડાને બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટરનો એવોર્ડ આપવામાં આવશે. ‘કલ્કી 2898 એડી’, ‘અમરન’, ‘પુષ્પા 2’, ‘ભૂલ ભુલૈયા 3’ અને ‘સ્ત્રી 2’ જેવી લોકપ્રિય ફિલ્મોએ પણ વિવિધ કેટેગરીમાં એવોર્ડ મેળવ્યા છે. આ સમગ્ર વિવાદ વચ્ચે પરેશ રાવલનું નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેમનો સવાલ સીધો હતો કે જો કોઈ રાષ્ટ્રીય કાર્યક્રમ ગુજરાતમાં યોજાય તો તેમાં વાંધો શા માટે હોવો જોઈએ? તેમના મતે, ભારતના અલગ-અલગ રાજ્યોમાં રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોનું આયોજન થવાથી દેશની વિવિધતા અને સાંસ્કૃતિક ઓળખને પણ પ્રોત્સાહન મળે છે.
હવે 22 સપ્ટેમ્બરે કેવડિયામાં યોજાનારા 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ પર સૌની નજર રહેશે. એક તરફ સમારોહને લઈને ફિલ્મ જગતમાં ઉત્સાહ છે, તો બીજી તરફ સ્થળ બદલવાના નિર્ણયને લઈને ચાલી રહેલો રાજકીય અને સોશિયલ મીડિયા વિવાદ પણ ચર્ચામાં છે. જોકે, સરકારનો નિર્ણય રાષ્ટ્રીય કાર્યક્રમોને દિલ્હી બહાર પણ યોજવાની દિશામાં એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે.