Entertainment

અજય દેવગણે શરૂ કર્યું નવી હોરર ફિલ્મનું શૂટિંગ, સોશિયલ મીડિયા પર કહ્યું- ‘ડર કા માહૌલ… હોને વાલા હૈ’

બોલિવુડ અભિનેતા અજય દેવગણે પોતાની નવી હોરર થ્રિલર ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. અજય દેવગણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ અંગે માહિતી આપી હતી. તેણે ફિલ્મની ટીમ સાથેની તસવીર પણ શેર કરી હતી. પોસ્ટ સાથે અજય દેવગણે લખ્યું હતું, “ડર કા માહૌલ… હોને વાલા હૈ. અમારી હોરર થ્રિલરનું શૂટિંગ આજથી શરૂ થાય છે.” આ નવી હોરર ફિલ્મનું નિર્માણ દેવગણ ફિલ્મ્સ અને પેનોરમા સ્ટુડિયોના બેનર હેઠળ થઈ રહ્યું છે. ફિલ્મનું નામ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. ફિલ્મને અજય દેવગણ ઉપરાંત કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠકનું પીઠબળ મળ્યું છે. ફિલ્મની વાર્તા અને કલાકારો અંગેની વધુ વિગતો હાલ જાહેર કરવામાં આવી નથી.

ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી રોહિત જુગરાજને સોંપવામાં આવી છે. રોહિત જુગરાજ પંજાબી ફિલ્મ ફ્રેન્ચાઇઝ ‘સરદાર જી’ માટે જાણીતા છે. આ ઉપરાંત તેમણે ઓટીટી સીરિઝ ‘યે કાલી કાલી આંખેં’નું પણ દિગ્દર્શન કર્યું છે. તેઓ ‘ચમક’ જેવા પ્રોજેક્ટ સાથે પણ જોડાયેલા રહ્યા છે. અજય દેવગણ અગાઉ પણ હોરર અને સુપરનેચરલ જોનરની ફિલ્મોમાં જોવા મળ્યો છે, જેના કારણે તેની આ નવી હોરર થ્રિલરને લઈને દર્શકોમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે ત્યારે આગામી દિવસોમાં ફિલ્મના નામ, સ્ટારકાસ્ટ અને રિલીઝ સાથે જોડાયેલી વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

Most Popular

To Top