Vadodara

કારીગરે જ ખેલ પાડયો..!માંડવીના જ્વેલર્સમાંથી નંગ સેટિંગના બહાને રૂ.7.61 લાખનું 68 ગ્રામ સોનું લઈને રફુચક્કર

વડોદરા તા.3

માંડવીની સોના-ચાંદીની દુકાનમાં નંગ સેટિંગનું કામ કરવા આવેલા કારીગર પર જ માલિકે વિશ્વાસ મૂક્યો, પરંતુ કારીગર જ દુકાનના સોનાને હાથફેરો કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. જમવા જવાનું કહી દુકાનમાંથી નીકળેલા કારીગરના બે કલાક સુધી પરત નહીં ફરતાં વેપારીને શંકા ગઈ હતી. મોબાઇલ સ્વિચ ઓફ આવતાં દુકાનમાં તપાસ કરતાં નંગ સેટિંગ માટે આપવામાં આવેલું રૂ.7.61 લાખની કિંમતનું 68 ગ્રામ સોનું લઈને ફરાર થઈ જતાં પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. માંડવી સ્થિત શામળ બેચરની પોળમાં શ્રીજી એપાર્ટમેન્ટમાં H.V.K. જ્વેલર્સ ચલાવતા વેપારી કેતનભાઈ સુંદરલાલ શાહની ફરિયાદના આધારે પોલીસે નઝીમુદ્દીન નામના કારીગર સામે કાર્યવાહી હાથ ધરી છે.
કારેલીબાગની અંબેપાર્ક સોસાયટીમાં રહેતા કેતનભાઈને તેમની દુકાન માટે નંગ સેટિંગના કારીગરની જરૂર હતી. આ દરમિયાન રાજકોટના વેપારી મિત્ર હસીબુદ્દીન ઉર્ફે રમઝાન શેખ મારફતે વ્હોટ્સએપ પર નઝીમુદ્દીન નામના કારીગરની ભલામણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગત 19 ઓગસ્ટના રોજ વહેલી સવારે કેતનભાઈ પોતે કાલાઘોડા ખાતેથી નઝીમુદ્દીનને તેડી લાવ્યા હતા અને તેણે દુકાનમાં કામ શરૂ કર્યું હતું.
દરમિયાન ગત 1 સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે સવા એક વાગ્યાના સમયે નઝીમુદ્દીને વેપારીને હું જમવા માટે જાઉં છું તેમ કહી દુકાનમાંથી બહાર નીકળ્યો હતો. જોકે, બે કલાકથી વધુ સમય વીતી જવા છતાં તે પરત આવ્યો નહોતો. જેથી વેપારીને શંકા જતાં બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં તેના મોબાઇલ પર ફોન કર્યો હતો, પરંતુ મોબાઇલ સ્વિચ ઓફ આવતાં શંકા વધુ ઘેરી બની હતી.
આ પછી દુકાનમાં રહેલા કિંમતી સોના-ચાંદીના માલસામાનની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નંગ સેટિંગના કામ માટે નઝીમુદ્દીનને આપવામાં આવેલો આશરે 68 ગ્રામ વજનનો સોનાનો દાગીનો દુકાનમાંથી ગાયબ હોવાનું જણાયું હતું. તેની કિંમત આશરે રૂ.7.61 લાખ હોવાનું જણાવાયું છે.
વિશ્વાસ મૂકીને કામ સોંપેલા કારીગર જ સોનું લઈને ફરાર થઈ જતાં વેપારીને મોટો આંચકો લાગ્યો હતો. આખરે સમગ્ર મામલે માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે નઝીમુદ્દીનની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top