Vadodara

વડોદરામાં ચોરીના દાગીના ખરીદવાના આક્ષેપથી સોનીની દુકાન ચર્ચામાં: ચોર ઝડપાયો, તો કથિત ખરીદનાર સામે કાર્યવાહી કેમ નહીં?

માંડવીની જાણીતી લાલજીભાઈ હરજીવનદાસ એન્ડ સન્સને લઈને ગંભીર સવાલો; નોકરાણીએ પોલીસ સમક્ષ કથિત રીતે આ જ દુકાનમાં ચોરીના દાગીના વેચ્યાનો ખુલાસો કર્યો હોવાનો આક્ષેપ

વડોદરા, તા. 3

વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલી જાણીતી લાલજીભાઈ હરજીવનદાસ એન્ડ સન્સ પાદરા વાળા દુકાનને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. એક મકાનમાં નોકરાણી તરીકે કામ કરતી મહિલાએ માલિકના ઘરમાંથી સોનાના દાગીનાની ચોરી કર્યા બાદ તે દાગીના આ જ દુકાનમાં વેચ્યા હોવાનો કથિત ખુલાસો પોલીસ સમક્ષ કર્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે.

ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયા બાદ મહિલા પોલીસના હાથે ઝડપાઈ ગઈ હોવાનું જાણવા મળે છે. જોકે, મહિલાએ કથિત રીતે ચોરીના દાગીના ક્યાં વેચ્યા તેની માહિતી આપ્યા બાદ પણ દાગીના ખરીદનાર સોની કે દુકાનના સંચાલકો સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં? તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.

ચોરીનો માલ ક્યાં વેચાયો તેની માહિતી છતાં તપાસ કેમ નહીં?

મળતી માહિતી મુજબ, એક મકાનમાંથી સોનાના દાગીના ચોરી થયા બાદ માલિક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે ઘરમાં કામ કરતી મહિલાને ઝડપી પાડી હતી. પૂછપરછમાં મહિલાએ કથિત રીતે ચોરીના દાગીના વેચી દીધા હોવાનું જણાવ્યું હતું અને આ દાગીના લાલજીભાઈ હરજીવનદાસ એન્ડ સન્સની દુકાનમાં વેચ્યા હોવાનો ખુલાસો કર્યો હોવાનો આક્ષેપ છે.

આ સ્થિતિમાં હવે મુખ્ય સવાલ એ છે કે જો ચોરી કરનાર વ્યક્તિ ઝડપાઈ ગઈ હોય અને તેણે ચોરીનો માલ ક્યાં વેચ્યો તેની માહિતી આપી હોય, તો કથિત રીતે ચોરીના દાગીના ખરીદનારની ભૂમિકા અંગે પોલીસ તપાસ થઈ કે નહીં?

અગાઉ સોનીની ધરપકડ થઈ હતી, તો અહીં અલગ માપદંડ કેમ?

ચોરીના દાગીના ખરીદવાના કેસોમાં અગાઉ સોનીઓ સામે કાર્યવાહી અને ધરપકડ કરવામાં આવી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આ મામલે પણ કથિત ખરીદનાર સામે પોલીસની તપાસ અને કાર્યવાહી કેમ કરવામાં આવી રહી નથી? તેવો સવાલ ઉઠી રહ્યો છે.

જો તપાસમાં ચોરીના દાગીના હોવાની જાણકારી હોવા છતાં તેને ખરીદવામાં આવ્યા હોવાનું બહાર આવે, તો સમગ્ર વ્યવહારની કાયદેસર તપાસ જરૂરી બની શકે છે. દાગીના ખરીદતી વખતે તેમની માલિકી, બિલ, ઓળખ અને દાગીનાના સ્ત્રોત અંગે જરૂરી ચકાસણી કરવામાં આવી હતી કે નહીં, તે પણ તપાસનો મહત્વનો મુદ્દો બની શકે છે.

દુકાન સંચાલકોની ભૂમિકા અંગે પોલીસ શું તપાસ કરશે?

આ મામલે દુકાનના સંચાલકોની ભૂમિકા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિષ્કર્ષ સામે આવ્યો નથી. પરંતુ ચોરીના દાગીના આ દુકાનમાં વેચાયા હોવાનો કથિત ખુલાસો થયો હોય તો દુકાનમાં થયેલા વ્યવહાર, ખરીદીના રેકોર્ડ, CCTV, બિલ તથા દાગીના ખરીદતી વખતે લેવામાં આવેલી KYC વિગતોની તપાસ કરવામાં આવી છે કે નહીં? તેવા સવાલો હવે મહત્વના બન્યા છે.

સાથે જ, કથિત રીતે ખરીદાયેલા દાગીનાની બાદમાં કોઈ પ્રક્રિયા, પોલિશિંગ કે અન્ય રીતે ફેરફાર કરીને તેનું વેચાણ કરવામાં આવ્યું હતું કે નહીં, તેની પણ તપાસ જરૂરી બની શકે છે.

ગ્રાહકોમાં પણ ઉઠ્યા સવાલો

આક્ષેપોને પગલે હવે ગ્રાહકોમાં પણ સવાલો ઊભા થયા છે કે જો કોઈ દુકાનમાં ચોરીનો માલ ખરીદાયો હોવાનો આક્ષેપ હોય તો પોલીસ દ્વારા તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે કે નહીં?

હાલ સમગ્ર મામલે પોલીસની સત્તાવાર તપાસ અને દુકાન સંચાલકોની ભૂમિકા અંગે સ્પષ્ટતા થવી બાકી છે. આક્ષેપોની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે. ત્યારે પોલીસ આ મામલે કથિત ચોરીના દાગીના ખરીદનાર સામે શું કાર્યવાહી કરે છે અને દુકાનના વ્યવહારોની તપાસ થાય છે કે નહીં, તેના પર સૌની નજર છે.

Most Popular

To Top