2019ના ભારત-પાકિસ્તાન હવાઈ સંઘર્ષ દરમિયાન પોતાની બહાદુરીથી દેશભરમાં જાણીતા બનેલા ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાને હવે કારકિર્દીની નવી શરૂઆત કરી છે. ભારતીય વાયુસેનામાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ હવે ગોવા સ્થિત પ્રાદેશિક વિમાન કંપની ફ્લાય91 સાથે વ્યાવસાયિક પાઇલટ તરીકે જોડાયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 43 વર્ષીય અભિનંદન માર્ચ 2026માં ભારતીય વાયુસેનામાંથી નિવૃત્ત થયા હતા અને ઓગસ્ટમાં ફ્લાય91 સાથે જોડાયા હતા. કંપની તરફથી કર્મચારીઓની વ્યક્તિગત માહિતી અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.
22 વર્ષની સૈન્ય કારકિર્દી બાદ નવી ઉડાન
અભિનંદને ભારતીય વાયુસેનામાં લગભગ 22 વર્ષ સેવા આપી. ફાઈટર પાઇલટ તરીકેની તેમની કારકિર્દી દરમિયાન તેમણે અનેક મહત્વપૂર્ણ કામગીરીમાં ભાગ લીધો હતો. હવે તેમની કારકિર્દીનો આગળનો તબક્કો નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં શરૂ થયો છે. ફ્લાય91 સાથે તેઓ એટીઆર 72-600 વિમાન માટેની તાલીમ લઈ રહ્યા હોવાની માહિતી સામે આવી છે. તાલીમ પૂર્ણ થયા બાદ તેઓ કંપનીની નિયમિત મુસાફર સેવા ઉડાવી શકે છે.
2019ની એ ઘટના જેણે અભિનંદનને દેશભરમાં જાણીતા બનાવ્યા
14 ફેબ્રુઆરી 2019ના પુલવામા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટ વિસ્તારમાં આતંકવાદી ઠેકાણાઓ સામે હવાઈ કાર્યવાહી કરી હતી. બીજા દિવસે એટલે કે 27 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાનના લડાકુ વિમાનો વચ્ચે હવાઈ અથડામણ થઈ હતી. આ દરમિયાન અભિનંદન વર્ધમાને મિગ-21 બાઇસન ઉડાવ્યું હતું. ભારતના સત્તાવાર દાવા મુજબ આ હવાઈ મુકાબલામાં તેમણે પાકિસ્તાની એફ-16 વિમાન તોડી પાડ્યું હતું. ત્યારબાદ તેમનું મિગ-21 પણ પાકિસ્તાનના વિસ્તારમાં તૂટી પડ્યું અને તેઓ પાકિસ્તાની સેનાની કસ્ટડીમાં ગયા હતા.
3 દિવસ પાકિસ્તાનની કસ્ટડીમાં રહ્યા
વિમાન તૂટી પડ્યા બાદ અભિનંદનને પાકિસ્તાને કસ્ટડીમાં લીધા હતા. તેઓ લગભગ 3 દિવસ ત્યાં રહ્યા અને 1 માર્ચ 2019ની રાત્રે ભારત પરત ફર્યા હતા. તેમની વાપસી સમયે તેમનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યા હતા. ત્યારથી અભિનંદન દેશના સૌથી જાણીતા સૈન્ય ચહેરાઓમાં સામેલ થઈ ગયા.
બહાદુરી બદલ મળ્યુ વિરચક્ર
2019ની હવાઈ કામગીરીમાં તેમની બહાદુરી અને ફરજ પ્રત્યેની નિષ્ઠા બદલ ભારત સરકારે તેમને વિરચક્રથી સન્માનિત કર્યા હતા. 2021માં તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું. વિરચક્ર ભારતના યુદ્ધકાળના બહાદુરીના સૌથી મોટા સૈન્ય પુરસ્કારોમાં ત્રીજા ક્રમે આવે છે.
હવે મિગ-21 નહીં, એટીઆર 72-600ની કમાન
અભિનંદનની નવી જવાબદારી સૈન્ય વિમાનથી તદ્દન અલગ છે. ફ્લાય91 પ્રાદેશિક મુસાફર સેવા આપતી ખાનગી વિમાન કંપની છે અને હાલમાં તેના કાફલામાં એટીઆર 72-600 વિમાનો છે. કંપનીએ માર્ચ 2024માં વ્યાવસાયિક ઉડ્ડયન સેવા શરૂ કરી હતી. તેના મુખ્ય કામગીરી કેન્દ્રો ગોવા અને હૈદરાબાદમાં છે. હાલ કંપની 6 એટીઆર 72-600 વિમાનો સાથે સેવા ચલાવે છે.
ફાઈટર જેટથી લઈને મુસાફર વિમાન સુધીની આ સફર અભિનંદન વર્ધમાનની લાંબી ઉડ્ડયન કારકિર્દીનો એક નવો અધ્યાય છે. હવે તેમની ઓળખ માત્ર વાયુસેનાના વિરચક્ર વિજેતા તરીકે નહીં, પરંતુ નાગરિક વિમાનના પાઇલટ તરીકે પણ જોવા મળશે.