Vadodara

ભાદરવા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત,હાઈડ્રા વાહને યુવાનને કચડ્યો

અકસ્માત બાદ ચાલક ફરાર,પોલીસે વાહન કબ્જે કરી ગુનો દાખલ કર્યો

( પ્રતિનિધિ )વડોદરા,તા.2

વડોદરા જિલ્લાની ભાદરવા ચોકડી પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.અકસ્માત સર્જી ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે હાઈડ્રો વાહન કબજે કરી ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ભાદરવા ચોકડી નજીક આવેલી માતૃત્વ હોસ્પિટલ પાસે એક હાઈડ્રો મશીન પૂરઝડપે પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા 36 વર્ષીય દીપક લુહારને હાઈડ્રા વાહને અડફેટે લીધો હતો. જેમાં યુવક હાઈડ્રોના ટાયર નીચે કચડાઈ ગયો હતો અને તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતાની સાથે જ હાઈડ્રો ચાલક માનવતા નેવે મૂકી વાહન મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે ભાદરવા ચોકડી પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ સાવલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિકને ક્લિયર કરાવી મૃતકના મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે જરોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખસેડ્યો હતો. પોલીસે હાઈડ્રો વાહન કબજે કરી ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top