Gujarat

ગુજરાતમાં નકલી દવા અને ભેળસેળિયા ખોરાક સામે ‘ઝીરો ટોલરન્સ’

50 દવા પેઢીના લાયસન્સ રદ, રૂ.93 લાખનો શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત

ગુજરાત સરકાર હવે નકલી, ગેરકાયદેસર અને ગુણવત્તાવિહીન દવાઓ તેમજ ભેળસેળિયા ખાદ્યપદાર્થો સામે વધુ કડક વલણ અપનાવી રહી છે. રાજ્યના નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની ચેડાં કરનાર તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ હેઠળ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા ઓગસ્ટ-2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં હાથ ધરવામાં આવેલી કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દવાઓ, ખાદ્યચીજો, રેસ્ટોરન્ટ-ઢાબા, ડેરી ઉત્પાદનો અને ગેરકાયદેસર નશાકારક દવાઓ સામે કરવામાં આવેલી મોટી કાર્યવાહીનો વિગતવાર હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો.આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સામાન્ય નાગરિકોના આરોગ્ય અને સુરક્ષા સાથે રમત રમનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામે સરકાર કોઈપણ પ્રકારની નરમાઈ રાખશે નહીં. તેમણે અધિકારીઓને રાજ્યભરમાં તપાસ વધુ સઘન બનાવવા અને ગંભીર ગેરરીતિ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

50 દવા પેઢીના લાયસન્સ રદ, 2 ઉત્પાદક એકમોને ક્લોઝર ઓર્ડર
FDCA દ્વારા દવાઓના વેચાણ અને ઉત્પાદન ક્ષેત્રમાં કરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન ગંભીર ખામીઓ સામે આવી હતી. તેના આધારે 50 દવા પેઢીઓના વેચાણ પરવાના રદ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રિસ્ક બેઝ્ડ ઇન્સ્પેક્શન હેઠળ બે દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યો છે.તપાસ દરમિયાન 8 દવા ઉત્પાદક પેઢીઓના લાયસન્સ સ્થગિત કરવામાં આવ્યા હતા, જ્યારે 11 દવાઓના ઉત્પાદન પરવાના રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. લેબોરેટરી પરીક્ષણ દરમિયાન અપ્રમાણસર અથવા ગુણવત્તાના માપદંડો પર ખરા ન ઉતરેલા 20 દવાઓના ઉત્પાદકોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.રાજ્યમાં બ્લડ સ્ટોરેજ સેન્ટરોની કામગીરી પર પણ તંત્રએ નજર કડક કરી છે. તપાસ હેઠળ આવેલા 42 બ્લડ સ્ટોરેજ સેન્ટરોમાંથી 3ને ક્લોઝર ઓર્ડર આપવામાં આવ્યો છે, જ્યારે 12 સેન્ટરોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટીબાયોટિક દવાઓની ખાસ તપાસ
ગ્રામ્ય વિસ્તારોમાં વેચાતી એન્ટીબાયોટિક દવાઓની ગુણવત્તા ચકાસવા માટે FDCA દ્વારા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી કુલ 588 દવાઓના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓની લેબોરેટરી તપાસ દ્વારા દવાઓ ગુણવત્તાના નક્કી કરાયેલા માપદંડો મુજબ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી છે.

ટ્રામાડોલ સહિત નશાકારક ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો
નશાકારક અને બનાવટી દવાઓના ગેરકાયદેસર નેટવર્ક સામે પણ FDCA દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા ખાતે વિવિધ પેઢીઓમાં સઘન તપાસ કરવામાં આવી હતી.વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે FDCA અને SOG દ્વારા સંયુક્ત કાર્યવાહી દરમિયાન મેડિકલ સ્ટોરની બાજુની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવામાં આવતા ટ્રામાડોલ સહિતના નશાકારક ઇન્જેક્શનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

Nicardia Retard 10’ની બનાવટી ટેબ્લેટ્સ મામલે સપ્લાય ચેઇનનો પર્દાફાશ
રાજ્યમાં બનાવટી દવાઓના નેટવર્ક સામેની સૌથી મહત્વપૂર્ણ કાર્યવાહી પૈકી એક ‘Nicardia Retard 10’ ટેબ્લેટ્સનો કેસ છે. J.B. Chemicals દ્વારા ઉત્પાદિત હોવાનું દર્શાવતી બનાવટી ટેબ્લેટ્સના વેચાણ અંગે 30થી વધુ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન રૂ. 1.75 લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ જથ્થો જપ્ત અથવા પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. તપાસમાં સપ્લાય ચેઇન ઉત્તર પ્રદેશના લખનઉ સ્થિત સેના ફાર્માથી શરૂ થઈ અમદાવાદ અને સાણંદ સુધી પહોંચતી હોવાનું સામે આવ્યું છે.સમગ્ર નેટવર્કના મૂળ ઉત્પાદક સુધી પહોંચવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં તપાસ એજન્સીઓ હવે સમગ્ર સપ્લાય ચેઇન અને તેમાં સામેલ અન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

અમદાવાદ અને કપડવંજમાં ગેરકાયદેસર ઉત્પાદન સામે કાર્યવાહી
અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં લાયસન્સ વિના ચાલતી ‘આનકી હર્બલ’ નામની સંસ્થામાંથી રૂ. 2.68 લાખથી વધુ કિંમતનો ગેરકાયદેસર કોસ્મેટિક્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.બીજી તરફ કપડવંજના ધોળીકૂઈ વિસ્તારમાં આવેલી બાવીશી દવાખાનામાં નાના બાળકો માટેની ‘રતવાની દવા’નું ગેરકાયદેસર ઉત્પાદન કરવામાં આવતું હોવાનું ઝડપાયું હતું. ત્યાંથી રૂ. 66,400નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રૂ.93 લાખનો 42,988 કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ગુણવત્તાને લઈને પણ ઓગસ્ટ મહિનામાં રાજ્યવ્યાપી મોટી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 2,238થી વધુ ખાદ્ય વ્યવસાય સંચાલકોની તપાસ કરવામાં આવી હતી અને વિવિધ ખાદ્ય ચીજોના 2,591 જેટલા નમૂનાઓ લેબોરેટરી પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા.રાજ્યના વિવિધ સ્થળોએ કરવામાં આવેલા દરોડા દરમિયાન તેલ, મરચાં પાઉડર, દૂધ અને અન્ય ખાદ્ય ચીજોના કુલ 42,988 કિલોગ્રામથી વધુ શંકાસ્પદ ખાદ્યજથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ.93,47,134થી વધુ હોવાનું જણાવાયું છે.વિવિધ જિલ્લાઓમાં થયેલી કાર્યવાહી હેઠળ પાટણમાં 14,709 કિલોગ્રામ તેલ અને 6,495 કિલોગ્રામ ખાદ્ય તેલ, સુરતના કામરેજમાં 5,157 કિલોગ્રામ ઘી, જામનગરમાં 7,138 કિલોગ્રામ દૂધ અને બનાસકાંઠાના ડીસામાં 6,071 કિલોગ્રામ મરચાં પાઉડરનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં પણ તંત્રની કડક કાર્યવાહી
રાજ્યમાં રેસ્ટોરન્ટ અને ઢાબાઓની સ્વચ્છતા અને ખાદ્ય ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે 1,625થી વધુ એકમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખામીઓ જણાતા 306 એકમોને સુધારણા નોટિસ પાઠવવામાં આવી હતી.ગંભીર પ્રકારની બેદરકારી સામે 38 એકમો સામે લાયસન્સ રદ કરવા જેવી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ સુરત મહાનગરપાલિકા, વલસાડ, આણંદ, જામનગર અને મહેસાણા સહિતના વિસ્તારોમાં વિશેષ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

ડેરી એનાલોગના ગેરકાયદેસર ઉપયોગ સામે પણ મોટી કાર્યવાહી
ડેરી એનાલોગના ગેરકાયદેસર વેચાણ અને ઉપયોગ સામે પણ રાજ્યભરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. કુલ 3,078 પેઢીઓની તપાસ કરવામાં આવી અને 145 શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા.આ કાર્યવાહી દરમિયાન રૂ. 7,54,386ની કિંમતનો 2,553.10 કિલોગ્રામ બિન-ગુણવત્તાયુક્ત ડેરી એનાલોગ જથ્થો નાશ કરાવવામાં આવ્યો હતો. ખાદ્ય ચીજોમાં ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા અથવા ગુણવત્તાના નિયમોનું પાલન ન કરતા તત્વો સામે કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે.

શ્રાવણ માસ અને તહેવારો દરમિયાન દૂધ, ઘી, તેલ અને મસાલા પર ખાસ વોચ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પવિત્ર શ્રાવણ માસ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ખાસ સૂચનાઓ આપી છે. તહેવારો દરમિયાન દૂધ, ઘી, તેલ, મસાલા અને રોજિંદા ઉપયોગની અન્ય ખાદ્ય ચીજોનો વપરાશ વધતો હોવાથી આ વસ્તુઓમાં ભેળસેળ થવાની શક્યતા સામે સતત દેખરેખ રાખવા તંત્રને આદેશ આપવામાં આવ્યો છે.મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું કે સામાન્ય જનતાને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળે તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સાથે જ FSSAI-2006ના નિયમો હેઠળ ઓચિંતી તપાસ, નમૂનાઓની ચકાસણી અને કાયદેસરની કાર્યવાહી સમગ્ર રાજ્યમાં સતત ચાલુ રહેશે.ગુજરાતમાં હવે નકલી દવાઓ, ગેરકાયદેસર નશાકારક ઇન્જેક્શન, ભેળસેળિયા ખોરાક અને ગુણવત્તાવિહીન ઉત્પાદનો સામે સરકારનું વલણ સ્પષ્ટ છે,‘ઝીરો ટોલરન્સ’. આગામી દિવસોમાં પણ નાગરિકોના આરોગ્ય અને સુરક્ષા સાથે ચેડાં કરનાર અસામાજિક તત્વો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જણાવાયું છે.

Most Popular

To Top