ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ અને કૌશાંબી બોર્ડર નજીક ફટાકડા ફેક્ટરીમાં આજે બપોરે ભયાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. કૌશાંબી જિલ્લાના મોહમ્મદપુર ગામમાં બપોરે લગભગ 12:30 વાગ્યે થયેલા આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. ફેક્ટરીમાં કામ કરતા આશરે 15 લોકો હજુ પણ અંદર ફસાયા હોવાની આશંકા છે. મળતી માહિતી પ્રમાણે, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફટાકડા બનાવતી આખી ફેક્ટરી ધરાશાયી થઈ ગઈ હતી. ફેક્ટરીની આસપાસના આશરે 50 મીટરના વિસ્તારમાં આવેલા 5થી 7 મકાનોને પણ ભારે નુકસાન થયું છે અને કેટલાક મકાનો ધરાશાયી થયા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને એરફોર્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ કાટમાળ હટાવીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ જ નુકસાન અને જાનહાનિ અંગેની સંપૂર્ણ માહિતી સ્પષ્ટ થઈ શકશે. મોહમ્મદપુર ગામ પ્રયાગરાજ બોર્ડર નજીક આવેલું છે અને અહીંથી મનૌરી એરફોર્સ સ્ટેશન આશરે દોઢ કિલોમીટર દૂર છે. દુર્ઘટના સમયે ફેક્ટરીમાં લગભગ 25 મજૂરો કામ કરી રહ્યા હોવાનું જણાવાયું છે. આસપાસના ઘરોમાં રહેતા કેટલાક લોકો પણ વિસ્ફોટના કારણે ઘાયલ થયા છે.
વિસ્ફોટનો અવાજ લગભગ બે કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ધડાકા બાદ થોડા જ સમયમાં સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ફટાકડાના જથ્થાના કારણે વિસ્ફોટ બાદ પણ થોડા સમય સુધી સતત નાના-મોટા ધડાકા થતા રહ્યા હતા. ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં ગ્રામજનો ઘાયલ લોકોને ખાટલા પર બેસાડીને અથવા ઉંચકીને સુરક્ષિત સ્થળે લઈ જતા જોવા મળી રહ્યા છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
સ્થાનિક રહેવાસી મુનીશ કુમાર પાંડેએ જણાવ્યું કે, લગભગ 12:30 વાગ્યે અચાનક જોરદાર વિસ્ફોટો શરૂ થયા હતા. તેમના જણાવ્યા પ્રમાણે ગોદામમાં લગભગ બે ડઝન લોકો હાજર હતા. અત્યાર સુધીમાં 7 લોકોને બહાર કાઢવામાં આવ્યા હોવાની માહિતી છે. તેમણે જણાવ્યું કે વિસ્ફોટ એટલા જોરદાર હતા કે ગોદામથી આશરે 50 મીટરના વિસ્તારમાં આવેલા અનેક મકાનો ધરાશાયી થઈ ગયા. હાલ બચાવ અને રાહત કામગીરી સૌથી મોટી પ્રાથમિકતા છે. કાટમાળ નીચે હજુ કેટલા લોકો ફસાયેલા છે અને કુલ કેટલું નુકસાન થયું છે તે અંગેની સ્થિતિ બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.