( પ્રતિનિધિ )વડોદરા,તા.30
વડોદરા શહેરના જામ્બુવા બાયપાસથી પોર તરફ જતા મુખ્ય માર્ગ પર સુંદરપુરા પાટિયા પાસે બેકાબૂ ડમ્પરે ગંભીર અકસ્માત સર્જતા અફરાતફરી મચી ગઈ હતી. વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાઈને ડમ્પર ખાડામાં ખાબક્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ પૂલર મશીન સાથે જઈ રહેલા ડમ્પરના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડમ્પર બેકાબૂ બન્યું હતું. ડમ્પરના પાછળના ભાગે રસ્તાની બાજુમાં ઉભેલા વીજ થાંભલા સાથે જોરદાર ટક્કર મારી હતી. ટક્કરનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ટક્કર બાદ ડમ્પર રસ્તાની બાજુમાં આવેલા ઊંડા ખાડામાં અર્ધપલટી ખાઈ ગયું હતું. સદનસીબે રાત્રિનો સમય હોવાથી માર્ગ પર વાહનવ્યવહાર ઓછો હતો, જેના કારણે મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી કે અન્ય કોઈ વાહનચાલક કે રાહદારીને ઈજા પહોંચી નથી. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ક્રેનની મદદથી ભારે જહેમત બાદ ડમ્પર અને તેની સાથે જોડાયેલું પૂલર મશીન ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.