Business

Nvidiaનો AIમાં સૌથી મોટો દાવ, Hugging Face પર ₹1.24 લાખ કરોડનો ખેલ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં Nvidia હવે માત્ર ચિપ્સ અને કમ્પ્યુટિંગ પાવર સુધી પોતાની દાદાગીરી રાખવા માગતી નથી. કંપનીએ ઓપન-સોર્સ AIના મોટા પ્લેટફોર્મ હગિંગ ફેસને લગભગ $12.9 બિલિયનમાં ખરીદવા માટે સહમતી દર્શાવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ભારતીય ચલણમાં આ રકમ આશરે ₹1.24 લાખ કરોડ થાય છે. જો આ સોદો પૂર્ણ થાય તો તે Nvidiaના અત્યાર સુધીના સૌથી મોટા અધિગ્રહણોમાં સામેલ થશે. હગિંગ ફેસ એ એવું પ્લેટફોર્મ છે જ્યાં દુનિયાભરના ડેવલપર અને સંશોધકો AI મોડલ, ડેટાસેટ અને અન્ય સાધનો શેર કરે છે. તેને ઘણીવાર AIની દુનિયાનું ‘ગિટહબ’ પણ કહેવામાં આવે છે. આ પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં ઓપન-સોર્સ AI મોડલ ઉપલબ્ધ છે, જેના આધારે ડેવલપર પોતાના પ્રોજેક્ટ અને AI સિસ્ટમ તૈયાર કરી શકે છે.

1.24 લાખ કરોડનો સોદો કેમ મહત્વનો છે?

Nvidia અત્યાર સુધી મુખ્યત્વે AI માટે જરૂરી જીપીયુ અને અન્ય હાર્ડવેર માટે જાણીતી રહી છે. કંપનીના ચિપ્સનો ઉપયોગ AI મોડલને તાલીમ આપવા અને ચલાવવા માટે મોટા પાયે થાય છે. પરંતુ AI ક્ષેત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. હવે માત્ર શક્તિશાળી ચિપ્સ પૂરતી નથી; AI મોડલ, સોફ્ટવેર અને ડેવલપર સમુદાય પણ એટલા જ મહત્વના બની રહ્યા છે. હગિંગ ફેસને પોતાની સાથે જોડવાથી Nvidiaને AI મોડલ બનાવતા અને તેનો ઉપયોગ કરતા લાખો ડેવલપર સુધી વધુ સીધી પહોંચ મળી શકે છે. એટલે આ સોદો Nvidiaની હાર્ડવેરથી આગળ વધીને સમગ્ર AI ઇકોસિસ્ટમમાં પોતાની હાજરી મજબૂત કરવાની વ્યૂહરચના તરીકે જોવામાં આવી રહ્યો છે.

હગિંગ ફેસ આખરે છે શું?

હગિંગ ફેસની સ્થાપના 2016માં ફ્રેન્ચ ઉદ્યોગસાહસિક ક્લેમેન્ટ ડેલાંગ, જુલિયન શોમો અને થોમસ વુલ્ફે કરી હતી. શરૂઆતમાં કંપનીનું કામ અલગ પ્રકારનું હતું, પરંતુ બાદમાં તેણે મશીન લર્નિંગ અને AI માટેનું પ્લેટફોર્મ બનાવવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. આજે અહીં ડેવલપર વિવિધ AI મોડલ શોધી, શેર અને ઉપયોગ કરી શકે છે. પ્લેટફોર્મ પર ભાષા, તસવીર, વીડિયો, ઓડિયો સહિત વિવિધ ક્ષેત્રોના AI મોડલ અને ડેટાસેટ ઉપલબ્ધ છે.

2023માં Nvidia પહેલેથી જ બની હતી રોકાણકાર

Nvidia અને હગિંગ ફેસ વચ્ચેનો સંબંધ નવો નથી. 2023માં Nvidiaએ હગિંગ ફેસના $235 મિલિયનના ફંડિંગ રાઉન્ડમાં ભાગ લીધો હતો. તે સમયે હગિંગ ફેસનું મૂલ્યાંકન આશરે $4.5 બિલિયન હતું. ત્યારબાદ Nvidiaએ હગિંગ ફેસમાં લગભગ $500 મિલિયનનું વધુ રોકાણ કરવાની ઓફર કરી હોવાના અહેવાલો આવ્યા હતા. આ ઓફરથી હગિંગ ફેસનું મૂલ્યાંકન આશરે $7 બિલિયન થવાનું હતું, પરંતુ કંપનીએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો નહોતો. ફાઇનાન્શિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ હગિંગ ફેસને ચિંતા હતી કે કોઈ એક મોટા રોકાણકારનો વધારે પ્રભાવ કંપનીના નિર્ણયો પર પડી શકે.

કંપનીની આવક કરતાં ડીલની કિંમત અનેક ગણી

આ સોદાની સૌથી ચોંકાવનારી બાબતોમાંની એક તેની કિંમત છે. રોઇટર્સના અહેવાલ મુજબ હગિંગ ફેસની વાર્ષિક આવક લગભગ $150 મિલિયન હોવાનું જણાવાયું છે. તેની સરખામણીમાં Nvidia લગભગ $12.9 બિલિયન ચૂકવવા તૈયાર હોવાનું કહેવાય છે. એટલે Nvidia માટે હગિંગ ફેસની હાલની આવક કરતાં તેનું વ્યૂહાત્મક મહત્વ વધારે મહત્વનું હોવાનું માનવામાં આવે છે. 2023માં કંપનીનું મૂલ્યાંકન $4.5 બિલિયન હતું. હવે અહેવાલિત સોદાની કિંમત તેના કરતાં લગભગ ત્રણ ગણી છે. આથી ઓપન-સોર્સ AI ક્ષેત્રમાં હગિંગ ફેસનું મહત્વ કેટલું વધી ગયું છે તેનો અંદાજ આવી શકે છે.

Nvidiaને સૌથી મોટો ફાયદો ક્યાં થઈ શકે?

હગિંગ ફેસનું સૌથી મોટું મહત્વ તેના વિશાળ ડેવલપર સમુદાય અને ઓપન-સોર્સ AI મોડલના ભંડારમાં છે. Nvidia પાસે પહેલેથી જ AI ચિપ્સમાં મજબૂત સ્થિતિ છે. હગિંગ ફેસ સાથે કંપની AI મોડલથી લઈને તેને ચલાવવા માટેના હાર્ડવેર સુધીની સમગ્ર સાંકળમાં પોતાની હાજરી વધારી શકે છે. આ ઉપરાંત Nvidiaનું પોતાનું નેમોટ્રોન નામનું ઓપન-સોર્સ AI મોડલ પરિવાર પણ હગિંગ ફેસ પર ઉપલબ્ધ છે. તેથી હગિંગ ફેસની માલિકી Nvidiaની પોતાની AI પહેલોને પણ વધુ મજબૂત વિતરણ માધ્યમ આપી શકે છે.

પરંતુ સૌથી મોટો સવાલ ‘નિષ્પક્ષતા’નો

આ સોદો પૂર્ણ થાય તો એક મોટો સવાલ પણ ઊભો થઈ શકે છે. હગિંગ ફેસ હાલમાં Nvidia ઉપરાંત AMD અને Intel જેવી હરીફ કંપનીઓની ટેક્નોલોજી સાથે જોડાયેલા મોડલને પણ સપોર્ટ કરે છે. જો Nvidia આ પ્લેટફોર્મની માલિક બની જાય તો શું હગિંગ ફેસ અગાઉની જેમ તમામ કંપનીઓ માટે નિષ્પક્ષ રહેશે? આ સવાલ AI ઉદ્યોગમાં ચર્ચાનો વિષય બની શકે છે. વિશ્લેષકોના મતે Nvidia માટે હગિંગ ફેસનું આકર્ષણ તેના ડેવલપર નેટવર્કમાં છે, પરંતુ માલિકી બદલાયા બાદ પ્લેટફોર્મની તટસ્થતા જાળવવી મહત્વપૂર્ણ રહેશે.

ઓપન-સોર્સ AI સામે બંધ મોડલની હરીફાઈ

આ સોદો એવા સમયે સામે આવ્યો છે જ્યારે AI ક્ષેત્રમાં ઓપન-સોર્સ અને બંધ મોડલ વચ્ચેની સ્પર્ધા વધી રહી છે. ઓપનએઆઈ અને એન્થ્રોપિક જેવી કંપનીઓ પોતાના બંધ મોડલ પર કામ કરી રહી છે, જ્યારે અનેક કંપનીઓ ઓપન-વેઇટ અને ઓપન-સોર્સ મોડલને આગળ વધારી રહી છે. બીજી તરફ, ઓપનએઆઈ અને એન્થ્રોપિક જેવી કંપનીઓ Nvidiaના જીપીયુ પરની નિર્ભરતા ઘટાડવા માટે પોતાના AI ચિપ્સ તરફ પણ આગળ વધી રહી છે. આવી સ્થિતિમાં હગિંગ ફેસની માલિકી Nvidiaને AI મોડલના વિકાસ અને વિતરણમાં નવી વ્યૂહાત્મક સ્થિતિ આપી શકે છે.

હાલ ડીલની સ્થિતિ શું છે?

ધ ઇન્ફોર્મેશનના અહેવાલને ટાંકીને રોઇટર્સે જણાવ્યું છે કે Nvidiaએ $12.9 બિલિયનના સોદા માટે સહમતી દર્શાવી છે. જોકે, આ સમાચાર સામે આવ્યા ત્યારે Nvidia અને હગિંગ ફેસે રોઇટર્સની પૂછપરછનો તાત્કાલિક જવાબ આપ્યો નહોતો. બીજી તરફ, બિઝનેસ ઇન્સાઇડરના એક અહેવાલમાં સોદાની ચર્ચાને હજુ વાતચીતના તબક્કા તરીકે વર્ણવવામાં આવી હતી. એટલે સોદાની અંતિમ અને સત્તાવાર સ્થિતિ અંગે વધુ સ્પષ્ટતા જરૂરી છે.

AIની દુનિયામાં Nvidiaનો નવો દાવ

જો આ અધિગ્રહણ પૂર્ણ થાય છે તો Nvidiaની ઓળખ માત્ર AI ચિપ બનાવતી કંપની તરીકે નહીં રહે. કંપની AIના હાર્ડવેર ઉપરાંત મોડલ, સોફ્ટવેર અને ડેવલપર સમુદાય સુધી પોતાની પહોંચ બનાવી શકશે. $12.9 બિલિયનનો આ સોદો એ પણ બતાવે છે કે AIની આગામી મોટી લડાઈ માત્ર વધુ શક્તિશાળી ચિપ્સ બનાવવાની નથી. AI મોડલ કોણ બનાવે છે, કોણ તેનો ઉપયોગ કરે છે અને દુનિયાભરના ડેવલપર સુધી કોની પહોંચ છે, તે પણ એટલું જ મહત્વનું બન્યું છે.

Most Popular

To Top