એગ્રો સેન્ટરના સંચાલકે સોયાબીન માટે ડાંગરમાં છાંટવાની દવા આપી હોવાનો ખેડૂતનો આક્ષેપ
નુકસાની બાદ ફરિયાદ કરવા જતાં ‘ફરિયાદ આપવી હોય તો આપી દો’ કહી હાથ ઊંચા કર્યા હોવાનો આક્ષેપ
(પ્રતિનિધિ) સુખસર, તા.27
સુખસર તાલુકાના કાળીયા ગામના ખેડૂતને સોયાબીનના પાકમાં નિંદામણ દૂર કરવા માટે ઘાસ બાળવાની દવા લેવી ભારે પડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના જણાવ્યા મુજબ સુખસરના એગ્રો સેન્ટરમાંથી સંચાલકની સલાહ પ્રમાણે દવા ખરીદી સોયાબીનના ખેતરમાં છંટકાવ કરતાં બીજા જ દિવસે ઘાસના બદલે આખો સોયાબીનનો પાક બળી ગયો હતો. પાકને નુકસાન થતાં ખેડૂતે એગ્રો સેન્ટર સંચાલકને રજૂઆત કરી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતાં અંતે સુખસર પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળ્યું છે.

સુખસર તાલુકામાં ચોમાસાની અડધી મોસમ વીતી જવા છતાં પૂરતા વરસાદનો અભાવ જોવા મળી રહ્યો છે. નદી, નાળા, તળાવો અને કુવાઓમાં પણ પાણીની સ્થિતિ ચિંતાજનક છે. બીજી તરફ ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ ખરીદી ખેતી કરી છે. હાલ નિંદામણની કામગીરી ચાલી રહી હોવાથી ખેડૂતો ઘાસ નિયંત્રણ માટે એગ્રો સેન્ટરોમાંથી વિવિધ દવાઓ ખરીદી રહ્યા છે. આવા સમયે દવાના ઉપયોગમાં થયેલી કથિત બેદરકારીના કારણે પાકને નુકસાન થયાનો કિસ્સો સામે આવતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.

સોયાબીનમાં છાંટતા બીજા જ દિવસે પાક બળી ગયો
મળતી વિગતો મુજબ કાળીયા ગામના નિશાળ ફળિયામાં રહેતા પ્રકાશભાઈ મોતીભાઈ મછાર ખેતીવાડી તથા છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ચાલુ વર્ષે તેમણે પોતાના ખેતરમાં મકાઈ અને સોયાબીનનું વાવેતર કર્યું હતું. હાલ નિંદામણનો સમય હોવાથી તેમણે સોયાબીનના પાકમાંથી ઘાસ દૂર કરવા માટે દવાની જરૂરિયાત ઊભી થતાં સુખસર-આસપુર ચોકડી પાસે દિતાભાઈ ચરપોટના એગ્રી બિઝનેસ સેન્ટર બચકરીયા સંચાલિત એગ્રો સેન્ટર પરથી દવા ખરીદી હતી.
ખેડૂતના જણાવ્યા પ્રમાણે એગ્રો સેન્ટરના સંચાલકે આપેલી દવા તેમની સલાહ મુજબ સોયાબીનના પાકમાં છાંટવામાં આવી હતી. જોકે દવાના છંટકાવના બીજા જ દિવસે ઘાસ બળવાને બદલે સોયાબીનનો પાક જ બળી જવા પામ્યો હતો. જેના કારણે ખેડૂતને ખેતીમાં મોટું નુકસાન થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
‘આ દવા તો ડાંગરમાં છાંટવાની હતી’ કહેતાં વિવાદ
પાક બળી જતાં પ્રકાશભાઈ મછાર દવાની ખાલી ટીન સાથે એગ્રો સેન્ટર ખાતે પહોંચ્યા હતા અને સંચાલકને સમગ્ર બાબતની જાણ કરી હતી. ખેડૂતના જણાવ્યા મુજબ સંચાલકે ત્યારે કહ્યું હતું કે આ દવા તો ડાંગરમાં છાંટવાની હતી અને સોયાબીનમાં કેમ છાંટી?
આ અંગે ખેડૂતે જણાવ્યું હતું કે તેમણે ડાંગરની ખેતી કરી જ નથી અને સોયાબીનમાં ઘાસ દૂર કરવા માટે દવા માંગી હતી, તેમ છતાં તેમને આ દવા આપવામાં આવી હતી. ખેડૂતના જણાવ્યા મુજબ નુકસાની અંગે રજૂઆત કરતાં સંચાલકે કોઈ જવાબદારી સ્વીકારવાને બદલે ઉડાઉ જવાબ આપ્યો હતો અને ‘ફરિયાદ આપવી હોય તો આપી દો’ તેમ કહી દીધું હતું.
આ મામલે પ્રકાશભાઈ મછારે સુખસર-આસપુર ચોકડી પાસે એગ્રો સેન્ટર ચલાવતા દિતાભાઈ ચરપોટ વિરુદ્ધ સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળ્યું છે. હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરી શું કાર્યવાહી કરવામાં આવે છે અને ખેડૂતને થયેલા નુકસાન અંગે જવાબદારી નક્કી થાય છે કે નહીં તે જોવું રહ્યું.
આ ઉપરાંત સુખસરના કેટલાક એગ્રો સેન્ટરોમાં ખેડૂતોને ખાતર, દવા અને બિયારણની ખરીદીના બિલ આપવામાં આવતાં ન હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. આ અંગે સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે.
રિપોર્ટર: બાબુભાઈ સોલંકી