India

પિતૃસત્તા સામે રાહુલ ગાંધીની પહેલ, મનુસ્મૃતિ અને બ્રાહ્મણવાદની એન્ટ્રીથી ચર્ચા ભટકી

મહિલાઓની સ્વતંત્રતા અને પિતૃસત્તાક માનસિકતા સામેની લડાઈને લઈને કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં આપેલા નિવેદન બાદ દેશની રાજનીતિમાં નવી ચર્ચા શરૂ થઈ છે. મૂળ મુદ્દો મહિલાઓને સમાજમાં સમાન અધિકાર, સ્વતંત્ર ઓળખ અને પોતાની પસંદગી અંગે નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવાનો હતો. પરંતુ આ ચર્ચામાં મનુસ્મૃતિ, બ્રાહ્મણવાદ અને હિંદુ ધર્મ જેવા મુદ્દાઓ જોડાતા રાજકીય વિવાદ વધુ તીવ્ર બન્યો છે. પરિણામે મહિલાઓના અધિકારો અને પિતૃસત્તા જેવા મહત્વના સામાજિક પ્રશ્નો પાછળ ધકેલાઈ ગયા હોવાની ચર્ચા થઈ રહી છે.

પુણેના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ શું કહ્યું?
આ સમગ્ર વિવાદની શરૂઆત 22 ઓગસ્ટ, 2026ના રોજ પુણેના AISSMS કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કોંગ્રેસના ‘છાત્રોં કી ગૂંજ’ કાર્યક્રમથી થઈ હતી. અહીં રાહુલ ગાંધીએ યુવાનો સાથે વાતચીત દરમિયાન મહિલાઓની સામાજિક સ્થિતિ, તેમની સ્વતંત્રતા અને પિતૃસત્તાક વિચારસરણી અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મહિલાઓને માત્ર માતા, પત્ની કે દીકરી જેવી પરંપરાગત ભૂમિકાઓ સુધી મર્યાદિત કરીને જોવી જોઈએ નહીં. મહિલાની પોતાની સ્વતંત્ર ઓળખ હોવી જોઈએ અને તેને પોતાના જીવન અંગે નિર્ણયો લેવાનો સંપૂર્ણ અધિકાર હોવો જોઈએ.રાહુલ ગાંધીએ આ સંદર્ભમાં મનુસ્મૃતિનો ઉલ્લેખ કરતા એવો દાવો કર્યો કે તેમાં મહિલાને જીવનના અલગ-અલગ તબક્કામાં પુરુષના નિયંત્રણ હેઠળ રહેવાની વાત કરવામાં આવી છે. તેમના કહેવા મુજબ બાળપણમાં મહિલા પિતાના, યુવાનીમાં પતિના અને પતિના મૃત્યુ બાદ પુત્રોના આધારે રહે છે તેવી વિચારસરણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ આ વિચારસરણીને પિતૃસત્તાક માનસિકતાનું ઉદાહરણ ગણાવી અને મહિલાઓને સ્વતંત્ર રહેવાની હિમાયત કરી હતી.

પિતૃસત્તા સામેની વાતથી મનુસ્મૃતિ વિવાદ સુધી
રાહુલ ગાંધીનો મૂળ મુદ્દો મહિલાઓની સ્વતંત્રતા અને પિતૃસત્તાક માનસિકતા સામેનો હતો. પરંતુ મનુસ્મૃતિનો ઉલ્લેખ થતાં ચર્ચાએ અલગ રાજકીય અને ધાર્મિક વળાંક લીધો. ભાજપે રાહુલ ગાંધીના નિવેદનનો વિરોધ કરતા તેમના જૂના હિજાબ અને અબાયા અંગેના નિવેદનોનો પણ ઉલ્લેખ કર્યો અને તેમના પર ‘દોહરા માપદંડ’ અપનાવવાનો આરોપ લગાવ્યો. ભાજપે સવાલ કર્યો કે જો મહિલાની સ્વતંત્રતા અને પસંદગી મહત્વની છે તો દરેક ધર્મ અને સમાજની મહિલાઓ માટે એકસરખું માપદંડ કેમ ન હોવું જોઈએ?\આ રીતે મહિલાઓના અધિકાર અને પિતૃસત્તા જેવા મૂળ સામાજિક મુદ્દાની જગ્યાએ રાજકીય પક્ષો વચ્ચે મનુસ્મૃતિ, ધાર્મિક ગ્રંથો અને રાહુલ ગાંધીના અગાઉના નિવેદનોને લઈને આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા.

મનુસ્મૃતિને લઈને પહેલાથી જ મતભેદ
મનુસ્મૃતિ કોઈ નવો રાજકીય મુદ્દો નથી. આ પ્રાચીન ગ્રંથને લઈને ભારતીય સમાજમાં લાંબા સમયથી અલગ-અલગ મત જોવા મળે છે. તાજેતરમાં પણ રાજ્યસભામાં મનુસ્મૃતિના એક કથિત વિવાદિત શ્લોકને લઈને ચર્ચા થઈ હતી. જોકે આ શ્લોક મૂળ મનુસ્મૃતિનો જ ભાગ છે કે નહીં તે અંગે પણ વિદ્વાનોમાં મતભેદ હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. કેટલાક સંશોધકોના મતે પ્રાચીન હસ્તપ્રતોમાં આ શ્લોક જોવા મળતો નથી અને પાછળના સમયની ટીકામાંથી તે પ્રચલિત થયો હોવાની દલીલ કરવામાં આવી છે.મનુસ્મૃતિમાં વર્ણવ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, લગ્ન, શિક્ષણ, સંપત્તિ, વારસો, રાજાની ફરજો અને દંડવિધાન સહિતના અનેક સામાજિક નિયમોનો ઉલ્લેખ જોવા મળે છે. પરંતુ આધુનિક ભારતના બંધારણીય મૂલ્યો અને સમાનતાના સિદ્ધાંતોની દૃષ્ટિએ તેના કેટલાક વિચારોને લઈને ગંભીર ચર્ચા અને ટીકા થતી રહી છે. તેથી મનુસ્મૃતિનો ઉલ્લેખ થતાં ચર્ચા માત્ર મહિલાઓની સ્થિતિ સુધી મર્યાદિત ન રહેતા ધર્મ, જાતિ અને સામાજિક વ્યવસ્થા જેવા વિસ્તૃત મુદ્દાઓ સુધી પહોંચી જાય છે.

ભાજપનો રાહુલ ગાંધી પર પલટવાર
મનુસ્મૃતિ અંગે રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપે સોશિયલ મીડિયા પર તેમનો જૂનો વીડિયો શેર કરીને સવાલો ઉઠાવ્યા. ભાજપે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી એક તરફ હિંદુ મહિલાઓ અને મનુસ્મૃતિની વાત કરતી વખતે પિતૃસત્તા તોડવાની વાત કરે છે, જ્યારે બીજી તરફ હિજાબ અને અબાયાને મહિલાની પસંદગી સાથે જોડે છે. ભાજપે આને તેમના રાજકીય વલણમાં વિરોધાભાસ ગણાવ્યો અને પૂછ્યું કે મહિલા સશક્તિકરણ માટે તમામ મહિલાઓ માટે સમાન માપદંડ હોવો જોઈએ કે નહીં.બીજી તરફ રાહુલ ગાંધીના સમર્થકોનું કહેવું છે કે તેમની વાતનો મુખ્ય કેન્દ્રબિંદુ મહિલાઓને પુરુષપ્રધાન સામાજિક બંધનમાંથી મુક્ત કરીને સમાન અધિકાર આપવાનો છે. એટલે ચર્ચાને માત્ર મનુસ્મૃતિ કે ધર્મના રાજકીય વિવાદ સુધી મર્યાદિત કરવાને બદલે મહિલાઓની વાસ્તવિક સ્થિતિ, શિક્ષણ, રોજગાર, રાજકીય ભાગીદારી અને નિર્ણય લેવાની સ્વતંત્રતા જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ.

સોશિયલ મીડિયામાં પણ વધ્યો વિવાદ
આ સમગ્ર મુદ્દા વચ્ચે રાહુલ ગાંધીના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર અનેક વીડિયો અને દાવાઓ પણ વાયરલ થયા. જોકે 25 ઓગસ્ટના એક ફેક્ટ-ચેકમાં એક મીડિયા એ એહવાલ માં સ્પષ્ટ કર્યું કે મહિલાઓ અને બળાત્કાર અંગે રાહુલ ગાંધીના નામે વાયરલ થઈ રહેલો એક વીડિયો એડિટેડ હતો. મૂળ વીડિયોમાં રાહુલ ગાંધી મોહન ભાગવત,મનોહરલાલ ખટ્ટરના અગાઉના નિવેદનોનો ઉલ્લેખ કરી રહ્યા હતા,જ્યારે વાયરલ ક્લિપમાંથી આ સંદર્ભ દૂર કરવામાં આવ્યો હતો.આથી મનુસ્મૃતિ અને પિતૃસત્તા અંગેની ચર્ચામાં સોશિયલ મીડિયા પર સામે આવતા દરેક વીડિયો અથવા દાવાને સંપૂર્ણ સંદર્ભ સાથે જોવાની જરૂરિયાત પણ ઊભી થાય છે.

મૂળ સવાલ હજુ પણ યથાવત
રાહુલ ગાંધીના નિવેદનને રાજકીય ચશ્માથી જોવામાં આવે કે સામાજિક સુધારાના મુદ્દા તરીકે, એક મૂળ પ્રશ્ન હજુ પણ મહત્વનો છે,શું ભારતીય સમાજમાં મહિલાઓને ખરેખર પોતાની પસંદગી, કારકિર્દી, લગ્ન, શિક્ષણ અને જીવન અંગે સંપૂર્ણ સ્વતંત્રતા મળી છે? પિતૃસત્તા માત્ર કોઈ એક ગ્રંથ કે કોઈ એક સમુદાય સાથે જોડાયેલો મુદ્દો નથી. તે પરિવાર, સમાજ, રાજકારણ, કાર્યસ્થળ અને અનેક સામાજિક પરંપરાઓમાં અલગ-અલગ સ્વરૂપે જોવા મળી શકે છે.આથી રાહુલ ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાની ગંભીર ચર્ચા કરવી હોય તો મનુસ્મૃતિ અને રાજકીય આરોપ-પ્રત્યારોપથી આગળ વધીને મહિલાઓની સમાનતા અને સ્વતંત્રતા અંગે ચર્ચા થવી જરૂરી છે. હાલની રાજકીય ગરમાગરમીમાં પિતૃસત્તા સામેની મૂળ વાત મનુસ્મૃતિ અને બ્રાહ્મણવાદના વિવાદમાં ક્યાંક પાછળ રહી ગઈ હોવાનું આ સમગ્ર ઘટનાક્રમ પરથી કહી શકાય છે.

Most Popular

To Top