Gujarat

નેપાળ જળપ્રલયમાં ગુજરાતીઓની ચિંતા વધી: 24 લોકોનો સંપર્ક તૂટ્યો, 150થી વધુ અસરગ્રસ્ત હોવાની શક્યતા

નેપાળમાં સર્જાયેલી વિનાશક પૂરની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતીઓની ચિંતા સતત વધી રહી છે. નેપાળના અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા અથવા સંપર્ક વિહોણા ગુજરાતીઓની સંખ્યામાં વધારો થયો છે. 28 ઓગસ્ટની સવારે 7:45 વાગ્યા સુધીની રાજ્યના સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરની માહિતી મુજબ કુલ 24 ગુજરાતી નાગરિકોનો સંપર્ક થઈ શક્યો નથી. અગાઉ 12 ગુજરાતીઓ અંગે માહિતી સામે આવી હતી. ત્યારબાદ સંપર્ક ન થઈ શકતા લોકોની સંખ્યા વધીને 18 થઈ હતી અને હવે આ આંકડો 24 સુધી પહોંચી ગયો છે. રાજ્ય તંત્ર દ્વારા આ તમામ લોકોની માહિતી એકત્રિત કરીને તેમના સંપર્ક સ્થાપિત કરવા અને તેમની સુરક્ષા અંગે ચોક્કસ માહિતી મેળવવા માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

સુરતના પરેશભાઈ પટેલ, જ્યોતિબેન પટેલ અને મીનાક્ષીબેન રમાણી સહિત કેટલાક ગુજરાતીઓ નેપાળ પ્રવાસ દરમિયાન સંપર્ક વિહોણા બન્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, તેઓ 23 ઓગસ્ટે નેપાળ-તિબેટ સરહદ તરફ હતા અને ત્યારબાદ પરિવારજનોનો તેમની સાથે સંપર્ક થઈ શક્યો નથી. પૂર અને ભૂસ્ખલનના કારણે આ વિસ્તારોમાં સંચાર વ્યવસ્થા અને રસ્તાઓને ભારે નુકસાન થતાં સંપર્ક સાધવામાં મોટી મુશ્કેલી પડી રહી છે.

આ ઉપરાંત અમરેલી જિલ્લાના જાફરાબાદ સ્થિત ખંઢેરી હનુમાન મંદિરના પૂજારી ચૌહાણ કામતાપ્રસાદ, જેમને ગોમતીબાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનો પણ છેલ્લા 10 દિવસથી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. તેઓ જાફરાબાદથી અમદાવાદ અને ત્યાંથી ટ્રેન મારફતે અયોધ્યા પહોંચ્યા હતા. ત્યારબાદ સુલતાનપુર આશ્રમના સંતો અને મહંતોના સંઘ સાથે નેપાળ દર્શન માટે નીકળ્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમના પરિવારજનો પણ સતત તેમના સમાચારની રાહ જોઈ રહ્યા છે.

ગાંધીનગરના કેટલાક પ્રવાસીઓ નેપાળ ટ્રેકિંગ પ્લાનર મારફતે નેપાળ ગયા હોવાનું નોંધાયું છે. જ્યારે આણંદના બે પ્રવાસીઓ હિમાલયન ગ્લેશિયર એન્ડ એડવેન્ચર પ્લાનર મારફતે કૈલાશ માનસરોવર યાત્રા માટે નીકળ્યા હતા. આ બંને પ્રવાસીઓનો પણ હાલ સંપર્ક થઈ શક્યો નથી.

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરની યાદીમાં હાલમાં 24 ગુજરાતીઓને ‘Missing/Uncontactable’ તરીકે નોંધવામાં આવ્યા છે. આ લોકો ખરેખર ક્યાં અને કઈ સ્થિતિમાં છે તેની ચોક્કસ માહિતી મેળવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગો દ્વારા કામગીરી ચાલી રહી છે. સંચાર નેટવર્ક ખોરવાઈ જવાથી ઘણા લોકો સાથે સંપર્ક ન થઈ શકતો હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે નેપાળની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે આ વિનાશક હોનારતમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા દ્રશ્યોમાં લોકો, મકાનો અને વાહનો પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ જતા જોવા મળી રહ્યા છે. આફતનું વાસ્તવિક નુકસાન કેટલું થયું છે, તેનો સંપૂર્ણ આંકડો સામે આવતા હજુ સમય લાગી શકે છે.

તેમણે જણાવ્યું કે નેપાળના રસુવા સહિતના વિસ્તારોમાં સર્જાયેલી આ કુદરતી આફતમાં મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે. દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો પ્રવાસ, ટ્રેકિંગ અને ધાર્મિક યાત્રા માટે નેપાળ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ 150થી વધુ ગુજરાતીઓ આ હોનારતથી અસરગ્રસ્ત થયા હોવાની શક્યતા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ નેપાળ સરકાર સાથે સતત સંપર્કમાં હોવાનું જણાવાયું છે. નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકોને શોધવા, બચાવવા અને તેમને જરૂરી મદદ પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો ચાલુ છે ભારત તરફથી નેપાળ માટે અત્યાર સુધી 47.5 ટન જેટલી રાહત સામગ્રી મોકલવામાં આવી છે. આ રાહત સામગ્રીમાં જરૂરી વસ્તુઓ, ખાદ્ય સામગ્રી અને અન્ય જીવનજરૂરી સહાયનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. દુર્ગમ અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકો સુધી મદદ પહોંચાડવા માટે બચાવ કામગીરીને પણ વધુ વેગ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં જે પરિવારોના સ્વજનો નેપાળમાં ફસાયેલા અથવા સંપર્ક વિહોણા છે, તેમના માટે રાજ્ય સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. પરિવારજનો નીચેના નંબર પર સંપર્ક કરીને પોતાના સ્વજનો અંગે માહિતી આપી શકે છે અથવા મદદ મેળવી શકે છે:

079-23251900
9978405304
1070

નેપાળમાં પરિસ્થિતિ હજુ પણ અત્યંત ગંભીર છે. પૂર, ભૂસ્ખલન, તૂટેલા રસ્તા અને સંચાર વ્યવસ્થામાં આવેલા વિક્ષેપને કારણે બચાવ કામગીરીમાં અનેક પડકારો સામે આવી રહ્યા છે. તેમ છતાં ગુમ થયેલા લોકોની શોધ અને ફસાયેલા પ્રવાસીઓને સુરક્ષિત બહાર લાવવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. હાલ 24 ગુજરાતીઓનો સંપર્ક ન થઈ શક્યો હોવા છતાં રાજ્ય તંત્ર દ્વારા તેમના સુધી પહોંચવાના પ્રયાસો ચાલુ છે. આગામી સમયમાં સંચાર વ્યવસ્થા પુનઃસ્થાપિત થતાં અને બચાવ ટીમો વધુ વિસ્તારો સુધી પહોંચતાં ગુજરાતીઓની સ્થિતિ અંગે વધુ સ્પષ્ટ માહિતી સામે આવી શકે છે.

Most Popular

To Top